અસત્કાર્યવાદ (આરંભવાદ)

January, 2001

અસત્કાર્યવાદ (આરંભવાદ) : ન્યાયવૈશેષિક દર્શનનો એક સિદ્ધાંત. કારણમાંથી ઉત્પન્ન થયેલું કાર્ય પૂર્વે અસત્ હતું ને પછી નવેસર ઉત્પન્ન થયું તે મત. ન્યાયવૈશેષિક એ બાહ્યાર્થવાદી દર્શન છે. એના મતે સૃષ્ટિ  ઉત્પન્ન થઈ છે, અનાદિ નથી, જગતની સંરચનામાં મુખ્યત્વે સ્થૂળ પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર દ્રવ્યો ભાગ ભજવે છે. આ ચાર દ્રવ્યો ઉત્પન્ન થયાં છે, એમનો ક્યાંકથી આરંભ થયો છે – આ માન્યતાને લીધે આ દર્શન આરંભવાદી કહેવાય છે. જે ઉત્પન્ન થાય તે કાર્ય છે. પ્રત્યેક કાર્યનું કોઈ કારણ હોય જ. તે રીતે પરમાણુઓ જ ઉક્ત સ્થૂળ દ્રવ્યોનાં મૂળ કારણ છે. પરમાણુઓ નિત્ય છે, પણ તેમનાં કાર્યો (દ્રવ્યો) અનિત્ય છે. કાર્ય પૂર્વે નહોતું, અસત્ હતું, પણ પછીથી તે નવેસરથી ઉત્પન્ન થયું છે. કાર્ય-કારણ-સંબંધ વિશેનો આ મત અસત્કાર્યવાદ તરીકે ઓળખાય છે. આનાથી વિપરીત મત તે સાંખ્યદર્શનનો સત્કાર્યવાદ છે. સત્કાર્યવાદ પ્રમાણે જે નિતાંત અસત્ હોય તે કદી પણ ઉત્પન્ન ન થાય, તેમજ સતમાંથી અસત્ ન ઉદભવે. માત્ર સત્ હોય તે જ સદાકાળ રહે. તેનું અવસ્થાન્તર થઈ શકે. તેથી વસ્તુત: કારણ જ કાર્ય રૂપે પરિણમે છે. (સાંખ્યકારિકા 1૦).

ન્યાયવૈશેષિકો સત્કાર્યવાદનો વિરોધ કરી અસત્કાર્યવાદની સ્થાપના કરે છે. શ્રીધરાચાર્યની ન્યાયકન્દલી, સાંખ્યની સત્કાર્યવાદની ઉપરની દલીલોનું ખંડન કરે છે તે મુજબ તે જે અસત્ ન હોય તે ઉત્પન્ન ન જ થાય એમ નથી. અનુભવ દર્શાવે છે કે પહેલાં નહોતી તેવી અનેક નવી વસ્તુઓ તેમના સમવાયિકારણમાં ઉત્પન્ન થતી જોવા મળે છે, અને તેઓ તેમના કારણથી અભિન્ન છે એમ પણ દેખાતું નથી. એ સાચું કાર્ય સમવાયિકારણથી નિતાન્ત ભિન્ન પણ નથી. કાર્યમાં સમવાયિકારણના કેટલાક ગુણધર્મો અવશ્ય છે, પણ બધા નહિ. દહીંમાં દૂધના કેટલાક ગુણો છે, પણ ખટાશ તો નવો જ – માત્ર દહીંનો જ ગુણધર્મ છે. એ રીતે કારણથી ભિન્ન હોઈ કાર્ય એ નવી જ ઉત્પત્તિ છે. વ્યાવહારિક દૃષ્ટિએ પણ એ જોઈ શકાય છે કે ઘડો અને માટી – બંને એક જ હોય તો માટીમાં પણ પાણી ભરી શકાય. ઘડા અને માટીમાં ઉપાદાનની દૃષ્ટિએ ભેદ ન હોવા છતાં પણ આકૃતિ(form)ની દૃષ્ટિએ તો ભેદ છે જ. કારણમાં અન્ય કોઈ તત્વ પછી – ભલે સહકારી રૂપે – ભળે છે અને પરિણામે પહેલાં અસત્ હતું તેવું કાર્ય ઉત્પન્ન થાય છે. અર્થાત્ કાર્યનો આરંભ થાય છે જ. એ નોંધવું જોઈએ કે બૌદ્ધો પણ અસત્કાર્યવાદી છે, પણ તેમની દૃષ્ટિએ કારણમાં કાર્ય ઉત્પન્ન થાય છે તે પણ નાશ પામે છે અને આમ એક શૃંખલા ચાલ્યા કરે છે. ન્યાયવૈશેષિકોના અસત્કાર્યવાદની ભૂમિકા આ બૌદ્ધ મતથી ભિન્ન છે તે સ્પષ્ટ છે.

વસંત પરીખ