અષ્ટગ્રહયુતિ : આઠ ગ્રહોની યુતિ. ખગોળશાસ્ત્રીય પરિભાષા મુજબ જ્યારે કોઈ પણ બે જ્યોતિઓના ભોગાંશ-  ક્રાંતિવૃત્ત ઉપરનાં તેમનાં સ્થાનો–રાશિ, અંશ અને કળામાં એકસરખાં થાય ત્યારે તેમની સૂક્ષ્મયુતિ થઈ એમ કહેવાય. તે વખતે તેમનાં ક્રાંતિવૃત્તથી ઉત્તર / દક્ષિણ અંતર – શરાન્તર – પણ જો એકસરખાં થાય તો તેમનું પિધાન (occultation) થાય અથવા તેમની પરિધિ એકબીજાને અડકતી હોય તેવું દેખાય. પરંતુ કોઈ ખગોલીય જ્યોતિઓના ભોગાંશમાં માત્ર રાશિ અને અંશ એકસરખાં હોય તો તેને અંશાત્મક યુતિ થઈ તેમ કહેવાય; ભોગાંશમાં ફક્ત રાશિ જ એકસરખી હોય તો રાશ્યાત્મક યુતિ થઈ ગણાય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ-કેતુને પણ ગણતરીમાં લેતાં છ, સાત અથવા આઠ ગ્રહોના ભોગાંશમાં ઉપર મુજબની સમાનતા થાય ત્યારે તેમની યુતિને અનુક્રમે ષડ્ગ્રહ, સપ્તગ્રહ કે અષ્ટગ્રહયુતિને નામે ઓળખવામાં આવે છે.

સૂક્ષ્મ અષ્ટગ્રહયુતિ તો કળિયુગમાં આરંભકાળે, ઈ. પૂ. 31૦1ની સાલમાં થઈ હતી, જ્યારે આઠ ગ્રહો અશ્વિની નક્ષત્રના આરંભસ્થાને હતાં. રાશ્યાત્મક અષ્ટગ્રહયુતિ તાજેતરનાં વર્ષોમાં (5મી ફેબ્રુઆરી, 1962) વિક્રમ સંવત 2018ની પોષ વદ 3૦(અમાવસ્યા) ને રવિવારે થઈ હતી; તે સમયે સૂર્યચંદ્ર મકર રાશિમાં 220, મંગળ 90, શનિ 1૦0, બુધ તથા શુક્ર 240 અને ગુરુ તેમજ કેતુ 250 સ્થાને હતા. ભૂતકાલીન ગ્રહસ્થિતિનું ગણિત તપાસતાં, તેની પહેલાંની  રાશ્યાત્મક અષ્ટગ્રહયુતિ વિ. સં. 1186ના ભાદરવા માસમાં થઈ હતી. ત્યારે ગ્રહો કન્યા રાશિમાં હતા. ઈ. સ. 1780થી 1950 દરમિયાન એટલે લગભગ 170 વર્ષોના સમયમાં રાશ્યાત્મક ષડ્ગ્રહયુતિ 16 વખત (આવી બે યુતિઓ વચ્ચેનો સરેરાશ સમયગાળો 1૦.5 વર્ષનો) અને સપ્તગ્રહયુતિ 5 વખત (સરેરાશ સમયગાળો 28.2 વર્ષનો) થઈ છે.

આચાર્ય વરાહમિહિરના નાભસયોગોમાં એક રાશિમાં સાત ગ્રહો હોય તેને ગોલયોગ તરીકે વર્ણવેલો છે. ‘મયૂરચિત્રક’ નામના ગ્રંથમાં તેનું અશુભફળ કહ્યું છે. વરાહમિહિરના ‘બૃહત્સંહિતા’ જેવા કેટલાક પ્રાચીન જ્યોતિષગ્રંથોમાં ગ્રહયુતિઓનું શુભાશુભ ફળ વર્ણવેલું છે. શુભ ગ્રહોની યુતિનું શુભ ફળ અને અશુભ ગ્રહોની યુતિનું અશુભ ફળ હોય છે. શુભ-અશુભ ગ્રહોની અષ્ટગ્રહયુતિનું અશુભ ફળ પણ વર્ણવેલું છે.

ઈન્દ્રવદન વિ. ત્રિવેદી