અશ્મીલભૂત ઇંધન

January, 2001

અશ્મીલભૂત ઇંધન (fossil fuel) : પૃથ્વીના પેટાળમાં મળી આવતો, સજીવમાંથી ઉદભવેલ ઊર્જાના સ્રોત (source) તરીકે વપરાતા પદાર્થોનો સમૂહ. આ ઇંધનો કાર્બનયુક્ત પદાર્થો છે, જેને હવા કે તેમાંના ઑક્સિજન સાથે બાળી શકાય છે. ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ (મુખ્યત્વે મિથેન), તૈલયુક્ત શેઇલ અને ડામર(tar)યુક્ત રેતી આ સમૂહનાં અગત્યનાં ઉદાહરણો છે. લાખો વર્ષ પૂર્વે પ્રકાશસંશ્લેષણથી ઉત્પન્ન થયેલ કાર્બનિક દ્રવ્યો ઉપર ભૂગર્ભમાં ભૂસ્તરીય પ્રક્રિયાઓને પરિણામે આ પદાર્થો પેદા થયેલા છે.

આ ઇંધનોને બાળતાં ઉત્પન્ન થતી ગરમીનો સીધો ઉપયોગ કરી શકાય; દા.ત., ભઠ્ઠી. ગરમીથી વરાળ ઉત્પન્ન કરી યાંત્રિક કે વિદ્યુતઊર્જા ઇંધનોને બાળવાથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ દહનથી પેદા થયેલ વાયુઓનું તાપમાન અને દબાણ વધારવામાં કરીને યાંત્રિક ઊર્જા મેળવાય છે; દા.ત., અંતર્દહન એન્જિન. બળતણોની વિશિષ્ટતામાં તેમનું સામાન્ય પરિસ્થિતિમાં ભૌતિક સ્વરૂપ, દહન કરતાં મળતી ઊર્જાની માત્રા, સળગાવવાની સરળતા, દહનના દરનું નિયંત્રણ, ધુમાડાનું પેદા થવું વગેરેને ગણાવી શકાય. કેટલાંક ઇંધનોનું ઉષ્મામાન (heating value) નીચેના કોષ્ટકમાં દર્શાવ્યું છે :

કોલસો (ઍન્થ્રેસાઇટ) 13,5૦૦ Btu./lb.

ઇંધન તેલ (fuel oil) 19,૦૦૦ Btu./lb.

કુદરતી વાયુ 11૦૦ Btu/ft3

ઔદ્યોગિક રીતે આગળ વધેલ દેશો તેમની જરૂરી ઊર્જાનો 9૦ % ભાગ કોલસા, પેટ્રોલ અને કુદરતી વાયુમાંથી મેળવે છે. પૃથ્વીના પેટાળમાંથી મળતો અશ્મિલભૂત ઇંધનોનો જથ્થો મર્યાદિત છે. એકવીસમી સદીમાં આ ઊર્જાસ્રોતોમાં અછત થવાની પૂરી શક્યતા છે તેથી સૂર્યઊર્જા, પવનઊર્જા, ભરતીઊર્જા જેવા પુન:પ્રાપ્તવ્ય (renewable) ઊર્જાસ્રોતોના વધુ કાર્યક્ષમ ઉપયોગ બાબત ઘનિષ્ઠ સંશોધન ચાલી રહ્યું છે.

ઉપેન્દ્ર છ. દવે