અશ્મીલભવન (petrification, petrifaction) : પ્રાણી કે વનસ્પતિની અશ્મિલ રૂપે (કે જીવાવશેષમાં) ફેરવાવાની ક્રિયા, અશ્મિલભૂત થવાની પ્રવિધિ. તે જીવાવશેષજાળવણી માટેના વિવિધ સંજોગો પૈકીની એક રીત છે. કેટલાક જળકૃત નિક્ષેપોમાં પ્રાચીન પ્રાણી કે વનસ્પતિનાં અંગઉપાંગ મૂળ સ્વરૂપે તેમજ સંરચનામાં જીવાવશેષરૂપે જળવાયેલાં જોવા મળતાં હોય છે; પરંતુ તેમના શારીરિક માળખાનું મૂળ દ્રવ્ય મોટેભાગે કૅલ્શિયમ કાર્બોનેટ, સિલિકા, આયર્ન પાયરાઇટ, લોહ ઑક્સાઇડ (લિમોનાઇટ) દ્વારા તો ક્વચિત્ કૅલ્શિયમ સલ્ફેટ, બેરાઇટ, બ્લૅન્ડ, ગેલેના, મેલેકાઇટ, વિવિએનાઈટ વગેરે દ્વારા વિસ્થાપિત થયેલું (replaced) જોવા મળે છે; દા.ત., અશ્મિલભૂત કાષ્ઠ(fossil wood)માં વૃક્ષવલય (rings), કોષ (cells) કે નલિકારચનાઓ (vessels) જેમનાં તેમ દેખાય છે; પરંતુ તેમાંનું મૂળ દ્રવ્ય (સેલ્યુલોઝ) સિલિકામાં કે અન્ય ખનિજદ્રવ્યમાં રૂપાંતરિત (silicification) થઈ ચૂક્યું હોય છે. વિસ્થાપનક્રિયા એવા પ્રકારે થાય છે કે મૂળદ્રવ્યનો પ્રત્યેક કણ અદૃશ્ય થતો જાય છે અને તેનું સ્થાન સિલિકા કે અન્ય ખનિજદ્રવ્ય લઈ લે છે. આમ કોષમય જીવંત વનસ્પતિ-દ્રવ્ય પ્રાણીઓનાં હાડપિંજર/અવયવો, કવચ, વગેરેમાં સ્થૂળ કે આણ્વિક વિસ્થાપન (coarse or molecular replacement) દ્વારા અશ્મિલભવનની ક્રિયા થાય છે. સ્થૂળ વિસ્થાપનમાં સૂક્ષ્મસ્વરૂપ/સંરચનાનો નાશ થઈ જાય છે, જ્યારે આણ્વિક વિસ્થાપનમાં તે જળવાઈ રહે છે.

મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ

ગિરીશભાઈ પંડ્યા