અશોકમિત્રન્ (જ. 22 સપ્ટેમ્બર 1931, સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ; અ. 23 માર્ચ 2017, ચેન્નઈ, તમિલનાડુ) : આંધ્રના જાણીતા વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક. તેમને તેમના તમિળમાં લખેલા ઉત્તમ વાર્તાસંગ્રહ ‘અપ્પાવિન સ્નેહીદાર’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

તેમણે હૈદરાબાદની નિઝામ કૉલેજમાંથી બી.એસસી.ની પદવી મેળવી. તેઓ ભારતની આઝાદીની ચળવળમાં કાર્યકર હતા. પાછળથી તેમણે મદ્રાસ ખાતે જૈમિની ફિલ્મ સ્ટુડિયોમાં પણ કામગીરી કરેલી.

છેલ્લાં 3૦ વર્ષોથી તેઓ પૂર્ણકાલીન લેખક છે અને તમિળ સામયિક ‘આંદોલન’માં સક્રિય કામગીરી કરે છે. અત્યાર સુધીમાં તેમનાં કુલ 26 પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં 11 વાર્તાસંગ્રહો, 1૦ નવલકથાઓ, 4 વિવેચનગ્રંથો અને 1 સાહિત્યિક આત્મકથા મુખ્ય છે. તેમની નવલકથા ‘તણ્ણીર’ અને ‘પદિનેટ્ટાવદુ અક્ષકોકાડુ’ને આધુનિક યુગની ઉત્તમ કૃતિઓ તરીકે સ્થાન મળ્યું છે. તેમનો અન્ય ભારતીય ભાષાઓ ઉપરાંત વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો છે. આ માટે તેમને ક્રીયેટિવ ફેલોશિપ, આયોવા અને રૉકફેલર ફેલોશિપ-ઇટાલી જેવાં સન્માનો તથા ઇલક્કિય ચિન્તનૈ પુરસ્કાર, સેન્તોમ પુરસ્કાર અને અગ્નિ પુરસ્કાર પ્રાપ્ત થયાં છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘અપ્પાવિન સ્નેહીદાર’માં વિવિધ વાર્તા-વિષયોનો કુશળ રીતિનો નિર્વાહ જોવા મળે છે. તેમાંની રચનાત્મક સંવેદનાની સૂક્ષ્મતા અને અનુપમ સહજ સૂક્ષ્મતાને કારણે તમિળ ભાષામાં લખેલી તેમની આ કૃતિ ભારતીય વાર્તાસાહિત્યમાં જીવંત પ્રદાનરૂપ છે.

બળદેવભાઈ કનીજિયા