અશરફખાન (જ. 189, ઇન્દોર; અ. 11 સપ્ટેમ્બર 1962, અમદાવાદ) : જૂની ગુજરાતી રંગભૂમિના નટ. અશરફખાન બહુ ભણ્યા ન હતા, પણ મઝહબ(ધર્મ)નું જ્ઞાન મેળવ્યું હતું. પાંચ વાર નમાજ પઢતા અને દારૂ વગેરે વ્યસનોથી દૂર રહેલા. ઘેરથી નાસી જઈને શરૂઆતમાં તેઓ નાની વાંકાનેર કંપનીમાં જોડાયેલા, પણ તેમના વાલી બાબુરાવ કંપનીમાંથી છોડાવીને ઘેર લઈ આવેલા. પછી 1905માં અશરફખાનને પારસી નાટકમંડળીમાં જોડાવાની રજા મળતાં ‘ઝહરી સાંપ’માં અઝીઝનું પાત્ર તેમણે ભજવ્યું.

અશરફખાન

અમૃત કેશવ નાયક તથા પંડિત નારાયણપ્રસાદ બેતાબ પાસે ઉર્દૂ, સંગીત, અભિનય વગેરે શીખી પ્રવીણતા મેળવી. 1914માં તેઓ આલ્ફ્રેડ નાટક કંપનીમાં જોડાયા અને કાવસજી ખટાઉના આમંત્રણથી માસિક પચાસ રૂપિયાના પગારે મુંબઈ ગયા. કરાંચીમાં ગુજરાતી નાટકમાં સૌપ્રથમ ઊતરવાનું થયું તે વખતે ગભરાયેલા, પણ સમય જતાં ગુજરાતી કંપનીઓએ જ એમને પ્રસિદ્ધિ અપાવી. નાટ્યકાર પ્રભુલાલ દ્વિવેદી અને મૂળચંદ મામાની તાલીમે ‘માલવપતિ’ નાટકમાં મુંજની ભૂમિકા કરીને અગ્રગણ્ય ગુજરાતી નટ બન્યા. દારૂને ન અડકનાર અશરફખાને ‘સિરાજુદ્દૌલા’માં સિરાજ તરીકે દારૂડિયાની ભૂમિકા સફળ રીતે ભજવી. ‘પૃથ્વીરાજ’માં પણ તેમની ભૂમિકા સફળ રહી. ‘સંસારસાગર’માં ખલનાયક સુધાકરની ભૂમિકા અને ‘અરબ કા સિતારા’માં હાસ્યનટની ભૂમિકા ભજવી હતી. ‘એક અબળા’ નાટકમાં બિહારીની ભૂમિકા અશરફખાન ભજવવાના છે જાણતાં પ્રેક્ષકોનો મોટો ધસારો થયેલો. તેનાથી ખોટ કરતી નાટક કંપની સધ્ધર થઈ ગયેલી ! ‘સજ્જન કોણ ?’ અને ‘સમુદ્રગુપ્ત’ નાટકો પણ આવી જ સફળતા પામ્યાં. એમણે ‘રૂપબસંત’, ‘માલતીમાધવ’, ‘અજામિલ’ વગેરે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. 196૦માં ‘ગુજરાત કલા મંદિર’ નામે પોતાની નાટક કંપની ઊભી કરી હતી. તેમને ગુજરાતની નાટ્ય સંગીત અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. તેમની દરગાહ અમદાવાદમાં દાણીલીમડા પાસે છે.

કૃષ્ણવદન જેટલી