અવધૂતસ્વામી નારાયણાનંદ

January, 2001

અવધૂતસ્વામી નારાયણાનંદ (ચૌદમી સદી) : મધ્યકાલીન ઊડિયા લેખક. એમની ‘રુદ્રસુધાનિધિ’ મધ્યકાલીન ઊડિયા સાહિત્યની એક અત્યંત પ્રસિદ્ધ રચના છે. એમને વિશે નિશ્ચિત માહિતી મળતી નથી, પણ અનેક વિદ્વાનો એટલું તારવી શક્યા છે કે એ પરિવ્રાજક યોગી હતા. એમણે એમની તપશ્ર્ચર્યાથી શિવ-પાર્વતીને રીઝવ્યાં હતાં અને વરદાન પણ મેળવ્યું હતું. એમને વેદ, શાસ્ત્ર, વ્યાકરણ, પુરાણો, સ્મૃતિ એમ અનેક વિષયોનું જ્ઞાન હતું. ‘રુદ્રસુધાનિધિ’ ગદ્યપદ્યમિશ્રિત ચમ્પૂપ્રકારનો ગ્રંથ છે. એની વિશેષતા એ છે, કે એ આલંકારિક છંદોમય ગ્રંથ છે; જેમાં યોગ, તંત્ર, મંત્ર તથા દર્શનની સરળ અને રસમય ભાષામાં ટીકા આપવામાં આવી છે.

વર્ષા દાસ