અવચ્છેદન : પ્રતિયોગીપણાનો નિશ્ચય કરવાની ક્રિયા. અવચ્છેદ એટલે પ્રતિયોગી અથવા વિરોધી, જેનું અસ્તિત્વ તેના વિરોધી વિના સંભવે નહિ. ઘટાભાવ એ ઘટનું પ્રતિયોગી છે. ઘટ ન હોય તો ઘટાભાવ સમજાય નહિ. અવચ્છેદનો બીજા અર્થ છે વ્યાપ્તિ, નિયમપૂર્વકનું સાહચર્ય; જેમ કે, ‘જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય.’ એ પ્રમાણે ધુમાડો એ અગ્નિનું સાહચર્ય હોય જ એવો નિશ્ચય તે વ્યાપ્તિ. વ્યાપ્તિ નિશ્ચિત કરવી તે અવચ્છેદની ક્રિયા – અવચ્છેદન. અવચ્છેદનો એક અન્ય અર્થ છે  ઇયત્તાકરણ. ‘આ આટલું જ છે’ એવો સ્થળ અને કાળ સંબંધી નિર્ણય તે ઇયત્તાકરણ. ‘વૃક્ષ પર વાનર છે’ – એ વાક્ય વૃક્ષની અમુક એક ડાળના અમુક એક ભાગમાં વાનર છે એ રીતે સમજાય. સમગ્ર વૃક્ષમાં વાનરનું હોવું સંભવે જ નહિ. અહીં સ્થળપરક ઇયત્તાકરણ થયું. ‘અત્યારે ગાય રસ્તા પર ઊભી છે’ એ વાક્યમાં ‘અત્યારે’ શબ્દને લીધે સાંપ્રતકાલપરક ઇયત્તાકરણ થયું કહેવાય. આવું ઇયત્તાકરણ એટલે અવચ્છેદન. અવચ્છેદનનો અન્ય એક અર્થ છે – અવધારણ, અર્થનિશ્ચય. ‘રામલક્ષ્મણ’ એ સમસ્ત પદમાં ‘લક્ષ્મણ’ શબ્દના સાહચર્યથી ‘રામ’ શબ્દનો અર્થ દશરથપુત્ર રામ એમ થયો. જામદગ્ન્ય કે વસુદેવપુત્ર એ અર્થ ટાળી દશરથપુત્ર એવું અર્થનિર્ધારણ થયું તે અર્થાવચ્છેદ. આવો અર્થાવચ્છેદ કરવો તે અવચ્છેદનક્રિયા કહેવાય. અવચ્છેદ એટલે સીમાકરણ કે મર્યાદીકરણનું સાધન એમ પણ એક અર્થ છે. ‘અત્યારે રસ્તા પર ગાય નથી.’ – એ વાક્યમાં ‘અત્યારે’ એ શબ્દને લીધે કાલપરક મર્યાદા થઈ. ‘અત્યારે’ એ શબ્દ કાલપરક મર્યાદા કરવાનું સાધન છે. આ ક્રિયા અવચ્છેદનક્રિયા છે. ‘વૃક્ષ પર વાનર છે.’ એમાં અમુક ડાળના અમુક ભાગે – એમ સ્થળનું ઇયત્તાકરણ થયું. ઇયત્તાકરણ સાધનના ઉપયોગની ક્રિયા તે અવચ્છેદન. અવચ્છેદન એટલે ચોક્કસ મર્યાદા. ચોક્કસ મર્યાદા નિશ્ચિત કરવી તે અવચ્છેદન. ચોક્કસ મર્યાદા વ્યાવર્તક લક્ષણથી થાય. ‘જેને ગળે ચામડાની ગોદડી હોય તે પશુ ગાય કહેવાય.’ અહીં, ચામડીની ગોદડી હોવારૂપ વ્યાવર્તક વિશેષણથી ગાયને અન્ય પશુઓથી જુદી તારવીને મર્યાદા નિશ્ચિત કરવી તે પણ અવચ્છેદનવ્યાપાર કહેવાય.

નટવરલાલ યાજ્ઞિક