અળશી : દ્વિદળી વર્ગમાં આવેલા લાઇનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ. Linum usitatissimum Linn. (સં. अतसी; હિં. अलसी; બં. મસિના, તિસી; મ. અળશી, જ્વસ; અં. Linseed) છે.

Flax flowers

અળશીના પુષ્પો

સૌ. "Flax flowers" | CC BY-SA 3.0

અળશીના છોડવાઓ 3૦થી 6૦ સેમી. ઊંચા, ઊભા, નાજુક રુવાંટી વગરના અને ક્વચિત જ શાખાઓ ધરાવે છે. અદંડી, સાદાં પર્ણો, એકાંતરિત, પીળાં, કક્ષીય, એકાકી કે અગ્રિમ ઝૂમખાનાં પુષ્પો.

ભૌગોલિક ઉદભવસ્થાન અને ફેલાવો : વેવિલોવ (1935) નામના વૈજ્ઞાનિકના મત પ્રમાણે અળશીનું મૂળ વતન દક્ષિણ-પશ્ચિમ એશિયામાં રહેલું છે અને તેલીબિયાંના પાક તરીકે ઉષ્ણકટિબંધ તેમજ અર્ધઉષ્ણકટિબંધીય પ્રદેશો જેવા કે ભારત, આર્જેન્ટીના, અફઘાનિસ્તાન અને એશિયાઈ રશિયામાં તેની ખેતી થતી આવી છે. અમેરિકાની ગણના પણ મોટા પ્રમાણમાં અળશી-ઉત્પાદક દેશ તરીકે થાય છે.

વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા : વિશ્વમાં અળશીની ખેતી કરનાર દેશોમાં ભારતનો ત્રીજો નંબર છે, પરંતુ ઉત્પાદકતાની દૃષ્ટિએ તે ઘણું પાછળ છે, ભારતમાં અળશીનું ઉત્પાદન 255 કિગ્રા. પ્રતિ હેક્ટર છે, જે ઑસ્ટ્રેલિયાના 7૦૦ કિગ્રા. ઉત્પાદનની સરખામણીમાં ઘણું ઓછું છે. ભારતમાં 19 લાખ હેક્ટર વિસ્તારમાં અળશીની ખેતી કરવામાં આવે છે, જેમાંથી 4.84 લાખ ટન જેટલું બીજ ઉત્પન્ન થાય છે, જે દેશના કુલ તેલીબિયાં-વિસ્તાર તેમજ ઉત્પાદનની દૃષ્ટિએ અનુક્રમે 1૦.8 અને 4.3 ટકા જેટલું છે. ભારતમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર અળશી ઉગાડનાર મુખ્ય રાજ્યો છે. તેની બે જાતિઓ ગુજરાતમાં ઊગે છે તેમાંથી એક વાદળી પુષ્પો ધરાવતી L usitatissimum છે. બીજી પીળાં પુષ્પોવાળી L mysurense ભાગ્યે જ જોવા મળે છે. તે ભરૂચ, ટૂવા, હિંમતનગર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મળે છે. બંનેને સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધીમાં ફૂલ અને ફળ આવી જાય છે. ઘણા સમયથી તેનું વાવેતર થાય છે.

આબોહવા અને જમીન : સામાન્ય રીતે અળશીની ખેતી વધારાની, ઓછી ફળદ્રૂપ જમીન ઉપર બિનપિયત રવિ (શિયાળુ) પાક તરીકે કોઈ પણ રાસાયણિક ખાતર તથા અન્ય કોઈ પણ જાતની વિશિષ્ટ માવજત વગર કરવામાં આવે છે. ઉત્તર અને મધ્યપ્રદેશમાં ‘ઉટેરા/પૈરા’ પદ્ધતિથી છાંટીને ઊભા ડાંગરના પાક વચ્ચે પણ તેની ખેતી કરવામાં આવે છે. તેલીબિયાંના પાક તરીકે સામાન્ય ઠંડું હવામાન, ચીકણી કાંપવાળી જમીન અને વાર્ષિક 45થી 75 સેમી. વરસાદ અળશીને અનુકૂળ રહે છે.

Brown Flax Seeds

કથ્થઈ અળશીનાં બીજ

સૌ. "Brown Flax Seeds" | CC BY-SA 3.0

પાકસુધારણા : હાલમાં વવાતી અળશીની જાતો 118થી 175 દિવસે પાકે છે અને 1,2૦૦થી 1,5૦૦ કિગ્રા./હેક્ટરે ઉત્પાદન આપે છે. આ જાતોમાં 35થી 45 ટકા જેટલું તેલ તથા તેના ખોળમાં 24 ટકા પ્રોટીન રહેલું હોય છે. અળશીની જાતો સુધારવાના કાર્યક્રમ હેઠળ વહેલી પાકતી જાતો તૈયાર કરવી, બીજનું કદ મોટું કરવું તેમજ ગેરુ અને સુકારાના રોગ સામે પ્રતિકારકતા લાવવી વગેરે બાબતો ઉપર ભાર મૂકવામાં આવે છે.

આંતરપાક : અળશીની ખેતીમાં ચણા, મસૂર, બિનપિયત ઘઉં, સૂર્યમુખી તેમજ કસુંબી જેવા આંતરપાકો લેવામાં આવે છે. આંતરપાક પદ્ધતિને અનિવાર્ય ગણીને પ્રચલિત કરવાની જરૂરિયાત છે, કારણ કે તેથી એક જ જમીનક્ષેત્રમાંથી સ્થાયી ઉત્પન્ન મળે છે અને સાથે વધારાની આર્થિક આવક પણ મળે છે. અળશી સાથે ચણાનો આંતરપાક લેવાથી ચણામાં સુકારાના રોગથી તેમજ તેના પોપટા કોરી ખાનાર ઇયળથી થતું નુકસાન ઘટે છે અને ચણાના એકલા પાક સાથેનું સાહસ ઘટે છે. અળશી સાથે આંતરપાક તરીકે ચણા તેમજ મસૂરમાં ખાતર ઓછું જોઈએ છે. મિશ્રપાક પદ્ધતિને બદલે આંતરપાક પદ્ધતિ વિકસાવવી વધુ ફાયદાકારક છે.

વધુ ઉત્પાદન મેળવવાના મુદ્દાઓ : (1) ઊંડી હળની ખેડ કરીને કરબ હાંકી, સમતલ કરી સારી રીતે જમીન તૈયાર કરવી અને 1૦ ટકા બી.એચ.સી. અથવા 5 ટકા આલ્ડ્રિન કે ક્લોરેડેન, હેક્ટરે ૨૫થી 3૦ કિગ્રા.ના દરે જમીનમાં ઉમેરી ભેળવવું. (2) વહેલું વાવેતર કરવાથી ઘણા પ્રકારની રોગ પેદા કરતી જીવાતોનો ઉપદ્રવ અટકાવી શકાય છે. ‘ઉટેરા’ વાવેતર માટે ડાંગરના દૂધિયા દાણા બંધાય ત્યારે વાવણી કરી દેવી. (૩) બિનપિયત વાવેતર માટે 3૦ કિગ્રા. નાઇટ્રોજનયુક્ત ખાતરો આપવાં. (4) સામાન્ય વાવેતર માટે 2૦થી ૩૦ સેમી. અંતર રાખી હેક્ટરે ૩૦થી 4૦ કિગ્રા. બીનું વાવેતર કરવું. ‘ઉટેરા’ વાવેતર માટે 4૦ કિગ્રા. બીજનો દર પ્રતિ હેક્ટરે રાખવો. (5) જે તે વિસ્તાર માટે ભલામણ થયેલ સુધારેલી અળશીની જાતોનું વાવેતર કરવું. (6) જરૂર જણાય તો પાકસંરક્ષણ માટે પગલાં લેવાં.

પાકની કાપણી : પાક પૂરો તૈયાર થાય ત્યારે પાન સુકાઈ જાય છે અને શિંગો ભૂરા રાતા રંગની થઈ બીજ ચળકતાં બને તે સમયે કાપણી કરવી.

તેલીબિયાં તરીકે અળશીનું મહત્વ : અળશીનું બીજ 35થી 45 ટકા જેટલું સુકાતું (ડ્રાઇંગ) તેલ ધરાવે છે; જેનો વાર્નિશ, તૈલી રંગો, તૈલી મીણિયા કાપડ (લિનોલિયમ) વગેરે બનાવવામાં મોટા પાયે ઉપયોગ થાય છે. અળશીનો ખોળ અને તેલરહિત ભરડો 2૦ ટકા પ્રોટીન ધરાવે છે અને દુધાળાં પશુઓને ખવડાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. અળશીના છોડમાંથી ફલ્ડેક્સ તરીકે ઓળખાતા રેસા મળે છે, જેમાંથી લિનન કાપડ બનાવાય છે.

આયુર્વેદ પ્રમાણે અળશી વાયુનાશક, ઉષ્ણ અને શોથઘ્ન છે.

વલ્લભભાઈ જીવરાજભાઈ પટેલ

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ