અલ ઓરટર (જ. 19 સપ્ટેમ્બર 1936. ન્યૂયોર્ક, યુ.એસ.; અ. 1 ઑક્ટોબર 2007, ફ્લોરિડા, યુ.એસ.) : યુ.એસ.નો ચક્રફેંકનો ખેલકૂદવીર. તેણે ચાર ઑલિમ્પિક્સમાં સતત સુવર્ણચંદ્રક જીતીને ઑલિમ્પિક્સનો અમેરિકા માટે નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો.

ન્યૂયૉર્ક સ્ટેટના લૉગ આઇલૅન્ડમાં ઇલેક્ટ્રિક ડેટા પ્રોસેસિંગના સિસ્ટમ એનાલિસ્ટ તરીકે આઠ કલાકની કામગીરી બજાવ્યા પછી શારીરિક ચુસ્તતા માટે વ્યાયામ ઉપરાંત રોજ ત્રણચાર કલાક ચક્રફેંક અચૂક કરતો. 192 સેમી.ની ઊંચાઈ, 117 કિગ્રા. વજનવાળો આ અલ ચક્રફેંક માટેના ખેલવીરને તદ્દન યોગ્ય બાંધો ધરાવતો હતો. કોઈ પણ કોચ કે તાલીમ આપનારની મદદ વગર આ અસાધારણ સિદ્ધિ ફક્ત પોતાના નિશ્ચયાત્મક બળને લીધે જ તે હાંસલ કરી શકેલ. અમેરિકાની રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં આગળનો ક્રમ ન હોવા છતાં ઑલિમ્પિક્સમાં દરેક વખતે નવો વિક્રમ સ્થાપીને બીજા વિશ્વવિક્રમધારકને આંબી જઈને સુવર્ણચંદ્રક મેળવવાની સિદ્ધિ હાંસલ કરી હતી. 20 વર્ષની વયે પ્રથમ 1956માં, મેલબૉર્નમાં યોજાયેલ ઑલિમ્પિક્સમાં 55.02 મી.; 1960માં ઇટલીમાં રોમ ખાતે યોજાયેલ ઑલિમ્પિક્સમાં 58.20 મી.; 1964માં ટોકિયો ઑલિમ્પિક્સમાં શરીરે ઈજા થયેલ હોવાથી પાટાપિંડી સાથે 61.09મી. નાખીને ફરી નવો વિક્રમ કરી ત્રીજી વાર સુવર્ણચંદ્રક જીત્યો. 1969માં મેક્સિકોમાં વરસાદથી લપસણી થયેલ રીગમાંથી 64.782 મી. નાખીને સતત ચોથી વાર સુવર્ણચંદ્રક જીતનાર અલ ઓરટર પ્રથમ ખેલાડી બન્યો. બાર વર્ષ સુધી આ પ્રમાણે ઑલિમ્પિક્સની ચક્રફેંકની સ્પર્ધામાં તે છવાઈ રહ્યો હતો.

વાસુદેવ મહેતા