અલ્ટ્રાસોનોગ્રાફી સગર્ભાવસ્થામાં

January, 2001

અલ્ટ્રાસોનોગ્રાફી, સગર્ભાવસ્થામાં : ગર્ભને લગતી વિગતવાર માહિતી આપતી પારધ્વનિચિત્રણ-પદ્ધતિ. તે એંસીના દાયકાથી ઉપયોગી નીવડી છે. ઘણે સ્થળે ઉપલબ્ધ આ પદ્ધતિમાં ઍક્સ-રે જેવાં આયનકારી (ionising) વિકિરણ વપરાતાં ન હોવાથી માતા અને ગર્ભની સુરક્ષા વધી છે. અન્યથા ન મળી શકે તેવી માહિતી હવેથી આ સાદી, સલામત, ચોક્કસ અને પીડા વગરની પદ્ધતિ દ્વારા મળી શકે છે. તેનો જરૂર પ્રમાણે વખતોવખત ઉપયોગ કરી શકાય છે. તપાસના સમયે મૂત્રાશય પેશાબથી ભરેલું હોવું જરૂરી છે. આ સિવાય બીજી કોઈ પૂર્વતૈયારીની જરૂર નથી.

નીચે જણાવેલ સંજોગોમાં પારધ્વનિચિત્રણ ઉપયોગી છે :

(1) ગર્ભનાં વય, સ્થાન, સ્થિતિ, સંખ્યા અને વૃદ્ધિ જાણવા માટે.

(2) ગર્ભજળમાં થયેલી વધઘટ જાણવા માટે;

(3) ગર્ભની કેટલીક વિકૃતિઓ (ખામીભરી રચના) સમજવા માટે; દા.ત., અતિજલશીર્ષ (hydrocephalus), તાનિકાપેટુ-(meningocoele)વાળો દ્વિભાજી મણિકંટક (spina bifida), હાડકાંની વિકૃતિઓ (દા.ત. અસ્થિદુર્વિકસન, bone dysplasia) અને મૂત્રપિંડ તથા હૃદયની વિકૃતિઓ જાણવા માટે.

(4) ગર્ભાશયમાંના ગર્ભને જરૂર પડ્યે લોહી ચઢાવવા અથવા તેવા જલશોફી (hydronephrotic) મૂત્રપિંડના પ્રવાહીને બહાર કાઢવા (નિષ્કાસન, aspiration) માટેનું સ્થાન નિશ્ચિત કરવા માટે.

(5) ગર્ભ જીવિત છે કે મરેલો તે જાણવા માટે.

(6) ગર્ભના ઑર(placenta)નું સ્થાન જાણવાથી કેટલીક વખત સગર્ભાવસ્થામાં અચાનક લોહી પડે ત્યારે તેનું કારણ જાણી શકાય છે. ગર્ભજળનિષ્કાસન (amniocentesis) અને ગર્ભાવરણ(જરાયુ, chorion)નું જીવપેશીપરીક્ષણ કરવા માટે પણ ઑરનું સ્થાન જાણવું જરૂરી બને છે. આ બંને પ્રવિધિઓ ગર્ભની જાતિ જાણવા માટે (લિંગનિર્ણય) અને તેની કેટલીક જનીની (genetic) ખામીઓ જાણવા માટે ઉપયોગી છે.

(7) અમુક પ્રકારની વિષમ (abnormal) સગર્ભાવસ્થાનું નિદાન કરી શકાય છે; (દા.ત., અસ્થાની (ectopic) અને બહુગર્ભી સગર્ભાવસ્થા).

(8) સામાન્ય કાળમર્યાદા કરતાં વધુ લંબાતી સગર્ભાવસ્થામાં ઑર અને ગર્ભજળ અંગેની ઉપયોગી માહિતી આ પદ્ધતિથી મેળવી શકાય છે.

(9) સગર્ભાવસ્થામાં ઍક્સ-રે વાપરી શકાતો નથી, તેથી તે સમયે થયેલા અન્ય રોગોના નિદાનમાં પણ આ પદ્ધતિ ઉપયોગી થાય છે. દા.ત., ગર્ભાશયના રોગો, નિતંબમાં ગાંઠ, કમળો, મૂત્રમાર્ગમાં પથરી વગેરે.

અંજના ચંદ્રાર્ક પંડ્યા

અનુ. હરિત દેરાસરી