અલંકાર (કાવ્યશાસ્ત્ર) : કાવ્યગત કથનમાં ચારુતા લાવવા માટે સધાતું ઉક્તિવૈચિત્ર્ય. અલંકાર શબ્દના બે અર્થ થઈ શકે છે : જે વિભૂષિત કે અલંકૃત કરે છે એવો સીમિત અર્થ લેતાં, અલંકાર પદથી ઉપમા, રૂપક આદિ અલંકારો લેવાય છે; પણ જે વિભૂષિત અર્થ કરાય છે તે પણ અલંકાર એવો (વ્યાપક) અર્થ લેતાં રસ, ધ્વનિ, ગુણ અને રીતિ એ બધાં જ તત્વો અલંકાર મનાય છે.

પ્રકાર અને વર્ગીકરણ : અલંકારોના મુખ્ય રૂપે જોતાં શબ્દાલંકાર, અર્થાલંકાર, ઉભયાલંકાર સંકર અને સંસૃષ્ટિ એવા વિભાગો કે વર્ગો પાડવામાં આવ્યા છે. શબ્દાલંકાર આઠ પ્રકારના છે : (1) અનુપ્રાસ, (2) યમક, (3) શ્લેષ, (4) વક્રોક્તિ, (5) પુનરુક્તવદાભાસ, (6) વીપ્સા, (7) પ્રહેલિકા, (8) ચિત્ર.

અર્થાલંકારોમાં ભરતના ‘નાટ્યશાસ્ત્ર’માં નિરૂપિત ઉપમા, રૂપક, દીપક અને યમક પૈકી ત્રણ અર્થાલંકારો અપ્પય દીક્ષિતના ‘કુવલયાનંદ’ સુધી આવતાં 124 જેટલી સંખ્યામાં નિરૂપિત થયેલા છે. ભરત પછી ભામહે શબ્દાલંકારના યમક અને અનુપ્રાસ – એ બે પ્રકારો તો અર્થાલંકારોના ઉપમા, રૂપક આદિ 37 પ્રકારો (કુલ 39), દંડીએ કુલ 68 અલંકાર અને એ પછી ઉદભટે 4 શબ્દાલંકાર તથા 37 અર્થાલંકાર માન્યા છે. અલંકારોના વર્ગીકરણનો સૌપ્રથમ નિર્દેશ ઉદભટના ‘કાવ્યાલંકારસારસંગ્રહ’માં મળે છે. આ પછી વામને ૩૩ પ્રકારના અલંકારો તો રુદ્રટે કુલ 73 અલંકારો માન્યા છે. અલંકારોનું સર્વપ્રથમ શાસ્ત્રીય વર્ગીકરણ રુદ્રટે કર્યું છે. તેણે અર્થાલંકારોને (1) વાસ્તવ, (2) ઔપમ્ય, (3) અતિશય અને (4) શ્લેષ એમ ચાર વિશાળ વર્ગોમાં વહેંચ્યા છે. આ પછી ભોજે 24 શબ્દાલંકાર, 24 અર્થાલંકાર અને 24 ઉભયાલંકાર એમ 72 પ્રકારના અલંકારો બતાવ્યા છે. ત્યારબાદ ‘કાવ્યપ્રકાશ’કાર મમ્મટે કુલ 67 અલંકાર, તો તે પછી ‘અલંકારસર્વસ્વ’કાર રુય્યકે કુલ 74 અલંકારો આપ્યા છે. અલંકારોનું સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક વર્ગીકરણ કરવામાં રુય્યકનું નામ અતિશય નોંધપાત્ર છે. આ પછી આગળ જતાં જયદેવે 1૦૦ અલંકારો તો અપ્પય દીક્ષિતે 123 અર્થાલંકારો અને પંડિતરાજ જગન્નાથે 70 અર્થાલંકારો બતાવી તેમની તથા તદન્તર્ગત વિવિધ પ્રકારોની વિસ્તૃત ચર્ચા કરી છે. અપ્પય દીક્ષિતે તથા જગન્નાથે શબ્દાલંકારો તથા ઉભયાલંકારોનું સ્પષ્ટ રૂપે નિરૂપણ કર્યું નથી.

અલંકારોના શબ્દ તથા અર્થગત પ્રકારો એક વસ્તુની સત્તામાં અન્ય વસ્તુનું નિશ્ચિતરૂપે અવસ્થાન તે અન્વય અને એકના અભાવથી બીજાનો પણ અભાવ તે વ્યતિરેક એ રીતના અન્વયવ્યતિરેકના સિદ્ધાંત ઉપર આધારિત છે. આમાં જે અલંકારો શબ્દપરિવૃત્યસહ એટલે કે કોઈ વિશેષ શબ્દ હોય ત્યારે જ થાય, પણ તે શબ્દને બદલીને તેને ઠેકાણે તેનો પર્યાયવાચક બીજો શબ્દ મૂકવામાં આવે તો ન થાય એવા, વિશેષ શબ્દોને જ આધારે રહેનારા છે તે શબ્દાલંકાર છે; જ્યારે જે અલંકારો શબ્દપરિવૃત્તિસહ છે એટલે કે વિશેષ શબ્દનું પરિવર્તન કરી તેને ઠેકાણે તેના સમાનાર્થક બીજો શબ્દ પણ પ્રયોજવામાં આવે છતાં અલંકારત્વને હાનિ ન પહોંચે તેવા અલંકારો, અર્થને આધારે રહેતા હોઈ અર્થાલંકારો કહેવાય છે. વર્ગીકરણ : રુય્યકે મનોવૈજ્ઞાનિક સરણીએ અર્થાલંકારોનું વર્ગીકરણ સાદૃશ્ય, વિરોધ અને શૃંખલા જેવા સાત વર્ગોના આધારે કર્યું છે.

(1) સાદૃશ્યગર્ભ અલંકાર : આ સાદૃશ્ય કે સમાનતાની કલ્પના પર આધારિત અલંકારો છે; જેમકે, ઉપમા, રૂપક આદિ. (2) વિરોધગર્ભ અલંકાર : સાદૃશ્યથી વિપરીત આ વિરોધમાં વાસ્તવિક વિરોધ હોતો નથી; પણ વિરોધાભાસ હોય છે. આના વર્ગ ઉપર આધારિત અલંકારોના વર્ગમાં વિરોધ, વિભાવના, વિશેષોક્તિ, અસંગતિ વગેરેનો સમાવેશ થાય છે. (3) શૃંખલાબંધમૂલક અલંકાર : આ વર્ગના અલંકારોમાં એક કથનની સાથે બીજું કથન કડીની સાંકળ રીતે પરસ્પર જોડાયેલ હોય છે. કારણમાલા, એકાવલી, સાર વગેરે અલંકારો આ વર્ગમાં આવે છે. (4) ન્યાયમૂલક અલંકાર : આ વર્ગમાં અવાન્તર ત્રણ ભેદ પાડવામાં આવ્યા છે : (અ) તર્કન્યાયમૂલક અલંકાર – જ્યાં કોઈ કારણ દર્શાવી અમુક તર્ક દ્વારા કોઈક વિશેષતા બતાવી ઉક્તિમાં ચારુતા ઉત્પન્ન કરવામાં આવે છે. આવા અલંકારોમાંના વર્ગોમાં કાવ્યલિંગ અને અનુમાન એ બેનો જ સમાવેશ થાય છે. (આ) વાક્ય(કાવ્ય) ન્યાયમૂલક અલંકાર  આ વર્ગના અલંકારોમાં તે તે સ્થળે આવેલ બે વાક્યોમાં વસ્તુઓના ક્રમ વડે કે બે વાક્યોના વિશેષ સંબંધ વડે ચમત્કૃતિ ઉત્પન્ન થાય છે. આ વર્ગમાં યથાસંખ્ય, પર્યાય આદિ અલંકાર આવે છે. (ઇ) લોકન્યાયમૂલક અલંકાર – આમાં લોકવ્યવહારમાં પ્રચલિત વાક્યોના નિર્દેશ કે પ્રયોગથી ચમત્કૃતિ ઉત્પન્ન થાય છે. આ વર્ગમાં પ્રત્યનીક, પ્રતીપ આદિ અને ખાસ કરીને ‘કુવલયાનન્દ’માં આવેલા પ્રહર્ષણ, વિષાદન્ત, અવજ્ઞા, અનુજ્ઞા આદિ અલંકારો આવે છે. (5) ગૂઢાર્થપ્રતીતિમૂલક અલંકાર : તેમાં કોઈ ગુપ્ત અર્થને પ્રકટ કરવામાં આવે અથવા તો અર્થનો સંકેત કરવામાં આવે છે. એ રીતના અલંકારોના વર્ગમાં સૂક્ષ્મ, વ્યાજોક્તિ અને ‘કુવલયાનંદ’માં આવેલા મુદ્રા, રત્નાવલી, પિહિત, ગૂઢોક્તિ, વિવૃતોક્તિ વગેરેનો સમાવેશ થાય છે.

‘પ્રતાપરુદ્રયશોભૂષણ’ના કર્તા વિદ્યાનાથે પણ આચાર્ય રુય્યકમાંથી પ્રેરણા મેળવી અલંકારોને નવ વર્ગોમાં વહેંચ્યા છે.

અલંકારનું સાર્થક્ય : સંસ્કૃતમાં અલંકારશાસ્ત્ર કાવ્યશાસ્ત્રનો પર્યાય ગણાય છે. સંસ્કૃત આલંકારિકોએ કાવ્યશાસ્ત્રનાં વિવિધ અંગો(ગુણ, દોષ, રીતિ, રસ, અલંકારાદિ)ની ઝીણવટભરી ચર્ચા કરી છે. અલંકારોનું મહત્વ અને પ્રયોજન સ્વીકારવા છતાં બધાએ અલંકારોને કાવ્યમાં અનિવાર્ય માન્યા નથી.

આભૂષણો જેમ માનવશરીરને તેમ અલંકારો કાવ્યને શણગારે છે એમ પણ કહેવામાં આવ્યું છે; પરંતુ હાર-કુંડળ જેવા સોનારૂપાના અલંકારો માનવદેહને શણગારે છે તેમ કાવ્યશરીરને ઉપમા-રૂપક જેવા અલંકાર શોભા આપે છે એમ કહેવામાં શોભા આપવાના સમાનધર્મ સિવાય બીજું કશું સમાન નથી. એટલે કે દેહના અલંકારોની જેમ કાવ્યના અલંકારોને યથેચ્છ પહેરાવી કે દૂર કરી શકાતા નથી. કાવ્યસાહિત્યના અલંકારો કાવ્યસાહિત્યના જન્મની સાથે જ જન્મતા હોય છે. એવા અલંકારોને દૂર કરવાથી કાવ્યનું કાવ્યતત્વ જ નાશ પામતું હોય છે.

અલંકાર વિના પણ કાવ્ય સર્જાઈ શકે. અલંકાર વિનાનું ઉત્તમ કાવ્ય હોઈ શકે. એ રીતે અલંકાર કાવ્યમાં અનિવાર્ય નથી. અલંકાર વિનાનાં સારાં કાવ્યો પણ પ્રત્યેક ભાષામાંથી મળી શકે. એથી અલંકાર અને કાવ્યનો સંબંધ અવિનાભાવસંબંધ નથી. ‘વેણીમાં ગૂંથવાં’તાં કુસુમ તહીં રહ્યાં અર્પવાં અંજલિથી’ – એ રામનારાયણ પાઠકની એક પંક્તિનું મુક્તક અલંકાર વિના પણ આપણને શૃંગારમાંથી કરુણની યાત્રા કરાવી રસાનુભવ કરાવે છે. કવિની વેધક વાણી એમના સંવેદનને કાવ્યરૂપ આપી શકે એવી સમર્થ હોઈ અહીં અલંકાર પ્રયોજાયો નથી. બીજી બાજુ સુન્દરમનું એવું જ નાનકડું મુક્તક ‘તને મેં ઝંખી છે યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી’  ભાવકને સહરાના રણની ઝંખનાના ઉપમાનચિત્રથી કવિની ઝંખનાનો ઉત્કટ અનુભવ કરાવે છે. આ મુક્તકમાંથી અલંકાર કાઢી લેતાં તો કાવ્ય  કાવ્ય જ રહેતું નથી. કવિની ઉત્કટ ઝંખનાનો કાવ્યસર્જન-સમયનો અનુભવ, પૂર્વના સહરાના રણની ઝંખનાના સંસ્કાર સાથે એકરૂપ થઈ જઈને ભાવને સબળ રીતે રજૂ કરે છે.

કાવ્યસર્જનની ક્ષણે કવિની કલ્પનાશક્તિ પૂર્વના અનુભવોને કાવ્યસર્જનની ક્ષણના અનુભવો સાથે મૂકી આપીને, એકરૂપતા સાધી આપીને કે એવી અનેક ચમત્કૃતિભરી રીતે અર્થવૈભવ પ્રગટાવે છે. એટલે અલંકારનું પ્રાણતત્વ કલ્પનાજન્ય ચમત્કૃતિ છે. સામાન્ય વ્યવહારની વાણીમાં પણ સુંદરતા અને સચોટતા લાવવા જેમ ઊજળું દૂધ જેવું’ જેવા વાક્પ્રયોગ કરાય છે તેમ પોતાનું સંવેદન ઉત્કટતાથી વ્યક્ત કરવા ઇચ્છતો કવિ પણ ભાવને સબળ, સરસ અને ચિત્રાત્મક રીતે આલેખવા સહજતાથી અલંકારાત્મક વાક્પ્રયોગો કરે છે. ભાવને અનુરૂપ ઉપમાન શોધી કાઢવામાં એની ચમત્કૃતિભરી નિત્યનવીન અભિવ્યક્તિનો સ્પર્શ થતો હોય છે. ટૂંકમાં, કવિ પોતાની ભાવસૃષ્ટિને વિશિષ્ટ રૂપે આલેખવા વિશેષ ભંગિનો આશ્રય લે છે. કવિસંવેદનનો એક અંશ બનીને જ, કાવ્યના જન્મની સાથે જ અલંકાર અવતરતો હોય છે. કર્ણનાં કવચકુંડળ જેવો કાવ્ય સાથે અલંકારનો સંબંધ હોય છે. મોરના પીંછામાંના ચંદ્રકની જેમ એ કાવ્યનું અંતરંગ તત્વ બની રહે છે. દૂધ અને એના ધવલ રંગની જેમ એ સમવાયસંબંધથી જોડાયેલા છે.

અલંકારનું સાર્થક્ય કાવ્યરસનો પરિપોષ કરવામાં છે. બિનજરૂરી અલંકારના ખડકલા કે અનુચિત અલંકારો માનવદેહની જેમ કાવ્યને પણ વિરૂપતા આપે છે. એ આગંતુક લાગે છે. કાવ્ય સાથે એકરૂપ – એકરસ થઈને એકતા પામીને જન્મેલો અલંકાર જ કાવ્યના રસનેે પોષી એને ઉત્તમતા અર્પે છે. અલંકાર રૂપે વ્યંજિત થતો અર્થ ભારતીય કાવ્યશાસ્ત્રમાં ‘અલંકારધ્વનિ’ – ધ્વનિકાવ્યના એક પ્રકાર — તરીકે પ્રતિષ્ઠા પામ્યો છે. રસપોષક ન બનનાર અલંકારોવાળું કાવ્ય અધમ કે ચિત્રકાવ્ય તરીકે ઓળખાયું છે.

ભગવતીપ્રસાદ પંડ્યા

ચિમનલાલ ત્રિવેદી