અર્વાચીન રચના (holocene systemrecent) : અર્વાચીન સમય દરમિયાન થયેલી ભૂસ્તરીય રચના. અંગ્રેજી નામાભિધાન holoceneની વ્યુત્પત્તિ કરતાં holos એટલે complete–પૂર્ણ અને cene એટલે recent–અર્વાચીન, આ બંને મળીને ‘પૂર્ણ અર્વાચીન’ના ભાવાર્થ રૂપે અર્વાચીન શબ્દપ્રયોગ થાય છે. ભૂસ્તરીય કાળગણના (geochronology) માટે તૈયાર કરાયેલા સ્તરવિદ્યાત્મક સ્તંભ(stratigraphic column)નો સૌથી છેલ્લો સમયગાળો એટલે અર્વાચીન સમય અને તે દરમિયાનની સ્તરરચના એટલે અર્વાચીન રચના. 20 લાખ વર્ષ પૂર્વેથી આજપર્યંત સુધીના ચતુર્થ જીવયુગ(quaternary era)ને નામે ઓળખાતા કાળગાળાનો પૂર્વાર્ધકાળ એટલે પ્લાયસ્ટોસીન અને ઉત્તરાર્ધકાળ એટલે અર્વાચીન. આ માટે વર્ષોમાં ગણતરી મૂકીએ તો પૃથ્વીના ઇતિહાસનાં છેલ્લાં 11,500 વર્ષથી ચાલ્યો આવતો સમય. સરેરાશ 20 લાખ વર્ષ સુધી ચાલુ રહેલા પ્લાયસ્ટોસીનથી અર્વાચીન રચનાના કાળગાળા દરમિયાન હિમનદીજન્ય હિમઅશ્માવલિ (moraines) આદિ નિક્ષેપો, નદીજન્ય કાંપ, વાતજન્ય લોએસ જેવી વિવિધ પ્રકારની કણજમાવટ કે નિક્ષેપક્રિયા પૃથ્વીના પટ પર થતી રહી છે અને આજે પણ ચાલુ છે. સ્તરવિદોની ગણતરી મુજબ અર્વાચીન સમયનો પ્રારંભ પ્લાયસ્ટોસીનના અંત પછીથી થયેલો છે એટલે કે પ્લાયસ્ટોસીન દરમિયાન થયેલી ચાર હિમક્રિયાઓ પૈકીની ‘વિસ્કોન્સિન હિમક્રિયા’ને નામે જાણીતી ચોથી (છેલ્લી) હિમક્રિયાના પૂરા થવાની સાથે પ્લાયસ્ટોસીન કાળનો અંત આવે છે અને અર્વાચીન સમયનો પ્રારંભ થાય છે; પરંતુ કેટલાક સ્તરવિદોના મત મુજબ ચાર હિમકાળની વચ્ચે વચ્ચે પસાર થયેલા ત્રણ આંતર હિમકાળ(interglacial period)ની જેમ અર્વાચીન સમયને પણ ચોથો આંતર હિમકાળ કેમ ન ગણવો જોઈએ ? અને જો એમ હોય તો અર્વાચીન સમયને અલગ ન ગણતાં પ્લાયસ્ટોસીન કાળગાળાના એક ભાગ તરીકે જ લેખવો જોઈએ ! આ અર્થઘટન મુજબ તો ભવિષ્યમાં પાંચમી હિમક્રિયાની સંભાવના નકારી શકાય નહીં ! ચતુર્થ જીવયુગની નિક્ષેપક્રિયાઓનાં સંશોધનોના અભ્યાસ પરથી કેટલાક સ્તરવિદો આજથી 4૦૦૦ વર્ષ પૂર્વેથી 11,5૦૦ વર્ષ પૂર્વે સુધીના સમયગાળા માટે જ ‘અર્વાચીન’ (holocene) શબ્દનો ઉપયોગ કરવાનું જણાવે છે, જ્યારે 4૦૦૦ વર્ષ પૂર્વેથી આજપર્યંતના સમયગાળા માટે તેઓ ‘અત્યાધુનિક’ (most recent) નામ સૂચવે છે; તેમ છતાં અર્વાચીનના પૂર્વકાળને પ્રાક્અર્વાચીન અને ઉત્તરકાળને અર્વાચીન કહેવું વધુ યોગ્ય છે.

અંદાજે 4,50,000 વર્ગ કિમી.ના ક્ષેત્રફળને આવરી લેતી, ભારતના વિશાળ વિસ્તારમાં પથરાયેલી નિક્ષેપરચનાઓ, નીચેના ભાગમાં પ્લાયસ્ટોસીનથી અને ઉપરના ભાગમાં અર્વાચીનથી બનેલી છે. આ રચનાઓ ઉત્તર અને મધ્ય ભારતનાં મેદાનોનો મોટો ભાગ રોકે છે, જે સિંધુ–ગંગાના વિસ્તૃત કાંપમય થાળા સ્વરૂપે જોવા મળે છે. આ ઉપરાંત કાશ્મીરના આખાયે ખીણપ્રદેશમાં નાનામોટા ઢગલા સ્વરૂપે નજરે પડતા કારેવા નિક્ષેપો, રાજસ્થાનનું અને કચ્છનું રણ, મધ્યપ્રદેશ અને લાવાના (દખ્ખણના) ઉચ્ચ સપાટ પ્રદેશના લેટેરાઇટ ખડકપ્રદેશો, ગંગાના કાંઠા પરના જૂના અને નવા – ભાંગર — ખદર નિક્ષેપો, તેમજ નદીઓએ બનાવેલ સીડીદાર પ્રદેશો, વગેરે પ્લાયસ્ટોસીન અને અર્વાચીન સમયગાળામાં બનેલી રચનાઓ છે.

ગિરીશભાઈ પંડ્યા