અર્જુન ઍવૉર્ડ : ભારત સરકારે વિવિધ રમતોના શ્રેષ્ઠ ખેલાડીઓને સન્માનવા માટે 1961માં સ્થાપેલો ઍવૉર્ડ. તે જુદી જુદી રમતોના શ્રેષ્ઠ રમતવીરોને પ્રતિવર્ષ અપાય છે.

અત્યાર સુધીમાં સમગ્ર દેશના 300 ઉપરાંત ખેલાડીઓને 34 જેટલી જુદી જુદી રમતોમાં આ ઍવૉર્ડ અપાયો છે. અર્જુન ઍવૉર્ડ મેળવવા માટે ખેલાડીએ 3 વર્ષ સુધી સતત સર્વોચ્ચ દેખાવ ભારતમાં કે/અને પરદેશમાં કર્યો હોવો જોઈએ. ઍવૉર્ડ આપવામાં આવે તે વર્ષે તે ખેલાડીનો દેખાવ શ્રેષ્ઠ હોવો જરૂરી છે. વળી ખેલાડીએ નેતૃત્વ, ખેલદિલી અને શિસ્તના ગુણો વિશેષ સ્વરૂપમાં બતાવેલા હોવા જોઈએ. ખેલાડીની પસંદગી તે રમતના રાષ્ટ્રીય સંગઠન(national federation)ની ભલામણના આધારે કરવામાં આવે છે.

આ ઍવૉર્ડ માટે પ્રત્યેક રમતમાં પ્રતિવર્ષ એક જ ખેલાડી પસંદ કરાય છે, સિવાય કે બીજી વ્યક્તિ મહિલા-ખેલાડી હોય.

34 જેટલી જુદી જુદી રમતોમાં અર્જુન ઍવૉર્ડ અપાય છે. દા.ત., ખેલકૂદ, ઍથલેટિક્સ, બૅડમિન્ટન, શરીરસૌષ્ઠવ, બાસ્કેટ બૉલ, બૉક્સિંગ, બિલિયર્ડઝ, સ્નૂકર, ચેસ, ક્રિકેટ, ઇક્વેસ્ટ્રિયન, સાઇક્લિગં, ફૂટબૉલ, ગૉલ્ફ, જિમ્નૅસ્ટિક્સ, હૉકી, કબડ્ડી, ખો-ખો, લૉન ટેનિસ, પોલો, રોવિંગ, શૂટિંગ, સ્ક્વૉશ-રૅકેટ, સ્વિમિંગ, ટેબલટેનિસ, વૉલીબૉલ, વેઇટ-લિફ્ટિંગ, કુસ્તી, પર્વતારોહણ વગેરે.

2023માં નીચેના ખેલાડીઓને અર્જુન ઍવૉર્ડ એનાયત થયા હતા. રીતુ નેગી, પાવન સેહરાવત (કબડ્ડી); મોહમ્મદ શમી, અજયકુમાર રેડી (ક્રિકેટ); દીક્ષા ડાગર (ગૉલ્ફ); પિંકી સિંઘ (લોનટેનિસ); ઐહિકા મુખર્જી (ટેબલટેનિસ); મુરલી શ્રીશંકર, પારૂલ ચૌધરી (દોડકૂદ); ઐશ્વરી પ્રતાપસિંઘ તોમર, ઈશા સિંઘ (નિશાનબાજી); સુનીલકુમાર, અંતિમો પંઘાલ (મલ્લયુદ્ધ), હરીન્દ્ર પાલ સંધુ (સ્કવૉશ); ક્રિશન પાઠક, સુશીલા ચાનુ (હૉકી); ઓજસ પ્રવીણ દેવતળે, અદિતિ સ્વામી, શીતલદેવી (તીરંદાજી); મોહમ્મદ હુસામુદ્દીન (બૉક્સિંગ); આર. વૈશાલી (ચૅસ); અનુસ અગરવાલા, દિવ્યક્રરીતિ સિંઘ (ઘોડેસવારી); નસરીન શેખ (ખો ખો); નાઓરેમ રોશીબિના દેવી (માર્શલ આર્ટ); પ્રાચી યાદવ (નૌકાસફર).

સુરેશ મશરૂવાળા