અર્ગટ (વનસ્પતિ-રોગશાસ્ત્ર)

January, 2001

અર્ગટ (વનસ્પતિ-રોગશાસ્ત્ર) : બાજરીના પાકનો થતો એક પ્રકારનો રોગ. તેને બાજરીનો, ગુંદરિયો કે મધિયો અર્ગટ કહે છે. ક્લેવિસેપ્સ ફ્યુઝિફૉર્મિસ (Claviceps fusiformes) નામની ફૂગથી આ રોગ થાય છે. સત્તર જેટલા ઘાસચારા અને ધાન્યપાકોમાં આ રોગ જોવા મળે છે, જેમાં ફૂલમાં ફૂગના બીજકણોના ચેપથી ગુંદર જેવો ચીકણો પદાર્થ ઝરતો જોવા મળે છે. સમય જતાં દાણાની જગ્યાએ તે ફૂગની પેશીઓમાં રૂપાંતર પામે છે. આ પેશીઓમાં અનેક પ્રકારના આલ્કલૉઇડ હોય છે, જે મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી હોય છે.

રોગયુક્ત દાણા–પેશીઓ, ઝરમર ઝરમર પવન સાથેનો વરસાદ અને કીટકો(ડૂંડા પર અસર કરતા)થી આ રોગજનક ફૂગનો ફેલાવો થાય છે. ઉનાળુ વાવેતર વખતે પ્રથમ વરસાદે રોગયુક્ત વિસ્તારના બીજને 20% મીઠાના દ્રાવણમાં ડુબાડીને માત્ર ડૂબેલા બીજનું જ વાવેતર કરવું તે આ રોગને અટકાવવાનો ઉપાય છે.

ભીષ્મદેવ કીશાભાઈ પટેલ