અર્ગટ (આયુર્વિજ્ઞાન) : રાય (rye) નામના ધાન્યને ફૂગ લાગવાથી રૂપાંતરિત થયેલી દાંડી.

અર્ગટનું સંશોધન ઔષધશાસ્ત્રમાં ઘણું મહત્વ ધરાવે છે. યુરોપના રાય (rye) નામના બાજરી જેવા ધાન્યના બીજાશયમાં, ક્લેવિસેપ્સ પરપ્યુરા (Claviceps purpurea) નામની ફૂગ લાગતાં, અર્ધાથી એક ઇંચ લાંબી, લવિંગની દાંડી જેવી, ભૂખરા કાળા રંગની દાંડીમાં તેનું રૂપાંતર થાય છે. આ સૂકી દાંડી ‘અર્ગટ’ તરીકે ઓળખાય છે અને ફૂગવાળી દાંડીને છૂટી પાડવા માટે રાયના ધાન્યને ચાળવામાં આવે છે. સ્પેઇન, પૉર્ટુગલ અને પૂર્વ યુરોપમાં અર્ગટ એકઠું કરાય છે. તેની અંદર, વજનના 0.2થી 0.5 % સુધી આલ્કલૉઇડ્ઝ હોય છે. અર્ગોટમાઇન, અર્ગોક્રિપ્ટિન, અર્ગોકોર્નિન, અર્ગોસિન અને અર્ગોમેટ્રિન (અર્ગોનોવિન) તેના મુખ્ય આલ્કલૉઇડ છે. આ આલ્કલૉઇડની રાસાયણિક સંરચના લિસર્જિક ઍસિડ ઉપર આધારિત હોય છે. આ ઉપરાંત તેમાં કોલિન અને એસિટાઇલકોલિન જેવાં દ્રવ્યો અને તૈલી પદાર્થ પણ હોય છે.

અર્ગટ કાઢી લીધા વિનાના રાય ધાન્યના લોટનો પાંઉ ખાવાથી અર્ગટની ઝેરી અસર થતાં પગનું રુધિરાભિસરણ બંધ થઈ જવાથી પેશીનાશ(gangrene)ના ઘણા બનાવો યુરોપમાં બનેલા. અર્ગટનો ભૂકો અને તેના આલ્કલૉઇડ ઔષધ તરીકે વપરાય છે. અર્ગોમેટ્રિન (અર્ગોનોવિન) ગર્ભાશયના સંકોચન માટે અને પ્રસૂતિ પછીના રુધિરસ્રાવને બંધ કરવા માટે વપરાય છે. અર્ગોટેમાઇન, આધાશીશી (migraine) તરીકે ઓળખાતા માથાના દુખાવાની સારવાર માટે વપરાય છે. બાકીના આલ્કલૉઇડમાં રાસાયણિક ફેરફારો કરીને બીજાં ઔષધો મેળવાય છે.

કૃષ્ણકાન્ત છ. દવે