અરવલ્લી (જિલ્લો) : ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં સાબરકાંઠા જિલ્લામાંથી વિભાજન કરાયેલો જિલ્લો.

ભૌગોલિક સ્થાન અને આબોહવા : આ જિલ્લો 24 0´ ઉ. અ. અને 73 પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેનો વિસ્તાર 3,308 ચો.કિમી. છે. અરવલ્લી હારમાળાની ટેકરીઓ જે ગુજરાત અને રાજસ્થાનમાં વિસ્તરેલી છે. આ હારમાળા ઉપરથી આ જિલ્લાનું નામ ‘અરવલ્લી’ રાખવામાં આવ્યું છે. આ જિલ્લાની ઉત્તરે અને પૂર્વે રાજસ્થાન રાજ્યની સીમા આવેલી છે. જ્યારે અગ્નિ દિશાએ મહીસાગર, દક્ષિણે ખેડા, નૈઋત્યે ગાંધીનગર અને પશ્ચિમે સાબરકાંઠા જિલ્લાની સીમા આવેલી છે.

આબોહવા : આ જિલ્લામાં ઉનાળાનું મહત્તમ તાપમાન 43 સે. અને લઘુતમ 20 સે.જ્યારે શિયાળાનું મહત્તમ તાપમાન 36 સે. અને લઘુતમ તાપમાન 10 સે. રહે છે. ચોમાસામાં વરસાદની માત્રા 20થી 25 ઇંચ જેટલી અનુભવાય છે.

આ જિલ્લામાંથી વાત્રક, માઝુમ અને મેશ્વો નદી જે આગળ જતાં વાત્રક નદીને મળે છે.

અર્થતંત્ર : આ જિલ્લમાં આવેલી નદીઓ હંગામી છે. વરસાદની ઋતુમાં જ પાણી વહેતું જોવા મળે છે. આ જિલ્લામાં જમીન વધુ ફળદ્રૂપ ન હોવાથી ખેતી સામાન્ય છે. મોટે ભાગે અહીં જમીન રેતાળ, ગોરાડુ અને મધ્યમ કાળી  છે. આથી ઘઉં, બાજરી, મકાઈ, કપાસની ખેતી લેવાય છે. આ સિવાય આદું, સૂરણ અને રતાળાની પણ ખેતી થાય છે. ડુંગરાળ પ્રદેશમાં આદિવાસી લોકો ટીમરુ, મહુડો જેવાં વૃક્ષોને આધારે થોડી આજીવિકા મેળવે છે.

આ જિલ્લામાં આદિવાસીઓની વસ્તી અધિક છે. અહીં હિન્દુ અને પશુપાલનમાં મુખ્યત્વે ગાય, ભેંસ, ઘેટાં, બકરાં છે.

ખેતી અને પીવાના પાણીના પ્રશ્નને હલ કરવા માઝુમ નદી પર બે બંધ અને શામળાજી પાસે મેશ્વો નદી પર એક બંધ બાંધવામાં આવ્યો છે. મોડાસા પાસે આવેલ ખારોડા ગામે ખાનગી કંપની દ્વારા એક 5 MW સોલર પાવર પ્લાન્ટ ઊભો કરાયો છે. કોઈ મોટા ઔદ્યોગિક એકમો અહીં સ્થપાયા નથી. લઘુઉદ્યોગો અને કુટિરઉદ્યોગો જોવા મળે છે.

પરિવહન–પ્રવાસન–વસ્તી : આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 48 પસાર થાય છે. રાજ્યના ધોરી માર્ગ અને જિલ્લામાર્ગો પણ મહત્વના બન્યા છે. ખાનગી બસો અને રાજ્ય પરિવહનની બસોની સુલભતા રહેલી છે. મહત્વનું યાત્રાધામ શામળાજી આ જિલ્લામાં આવેલું છે. આ સરકાર અને સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી 350 વીઘા જમીનમાં રાજ્યનું સૌથી મોટું ‘ધ્યાન કેન્દ્ર’ બનાવવાનું વિચારે છે. જેને પરિણામે 50 હજારથી વધુ લોકો  ધ્યાન ધરી શકશે. જે ‘અનાદિમુક્ત વિશ્વમ’ તરીકે ઓળખાશે. આ સ્થળ મોડાસા–ધનસુરા હાઈવે નજીક આવેલું છે. સ્થાપત્યની દૃષ્ટિએ ‘દેવની મોરી’ મહત્વનું લેખાય છે. શામળાજીના મેળાનું મહત્વ વધુ છે. આ સિવાય કાકારાઈ મંદિર, માઝુમ ડૅમ, મેશ્વો ડૅમ, સાકરિયા હનુમાન મંદિર વગેરે જોવાલાયક છે. બાયડ તાલુકામાં વાત્રક નદીને કાંઠે આવેલું ઝાંઝરી પર્યટનમથક જાણીતું છે.

ઇસ્લામ ધર્મના લોકો વસે છે. ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો છે. મોડાસા તે આ જિલ્લાનું વહીવટી મથક છે. મોડાસા, માલપુર, ધનસુરા, ભિલોડા, બાયડ અને મેઘરજ તાલુકા આવેલા છે. જેમાં ગામોની સંખ્યા 376 છે. આ જિલ્લાની કુલ વસ્તી આશરે 12.7 લાખની (2021 મુજબ) છે. અહીં ગુજરાતી, હિન્દી અને સ્થાનિક ભાષા બોલાય છે.

26 જાન્યુઆરી, 2013ના રોજ ગુજરાત સરકારે રાજ્યના 29મા જિલ્લા તરીકે અરવલ્લી જિલ્લો જાહેર કર્યો હતો.

 

Aravalli

અરવલ્લી ગિરિમાળા

સૌ. "Aravalli" by Nataraja~commonswiki | CC BY-SA 2.5

અરવલ્લી પર્વતીય હારમાળા જે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા રાજ્ય અને દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંકળાયેલી છે.

અરવલ્લી પર્વતો (Aravalli mountains) : ઉત્તરે દિલ્હીથી શરૂ કરીને મધ્યમાં રાજસ્થાનની સળંગ લંબાઈમાં થઈને જનોઈવઢ પસાર થતી, દક્ષિણ ઈડર સુધી વિસ્તરેલી આશરે 800 કિમી. લંબાઈવાળી અને જુદાં જુદાં સ્થળોએ જુદી જુદી પહોળાઈવાળી, ઈશાન-નૈર્ઋત્ય ઉપસ્થિતિ (trend) ધરાવતી, અરવલ્લીની ગિરિમાળા ભારતની તો અતિ પ્રાચીન (અંદાજે દોઢ અબજ વર્ષ જૂની – 160 કરોડ વર્ષ) પર્વતમાળા છે જ, પરંતુ દુનિયાની પણ અતિપ્રાચીન પર્વતમાળાઓ પૈકીની એક ગણાય છે. તેનાં 1,200થી 1,500 મીટર ઊંચાઈ ધરાવતાં શિખરો પૈકી માઉન્ટ આબુનું 722 મીટર ઊંચું ગુરુશિખર આ ગિરિમાળાનું સૌથી ઊંચું શિખર છે.

આ અતિ પ્રાચીન પર્વતમાળા ધારવાર સમય(240 કરોડ વર્ષ પૂર્વેથી 180 કરોડ વર્ષ પૂર્વે સુધીનો કાળગાળો)ના અંતભાગમાં અસ્તિત્વમાં આવેલી છે, જ્યારે તે કાળખંડ દરમિયાન તે સ્થળમાં વિસ્તરેલા, દુનિયાના જૂનામાં જૂના ભૂસંનતિમય સમુદ્રથાળા(geosynclinal basin)માં સતત એકઠો થયેલો વિશાળ નિક્ષેપજથ્થો, તથા પ્રચંડ ભૂસંચલનની ઘટના દ્વારા તબક્કાવાર થયેલ ઊર્ધ્વગમનની ક્રિયા(Rajasthan Orogeny’ રાજસ્થાન ગિરિનિર્માણ ક્રિયા)ને પરિણામે ઊંચકાઈ આવ્યો. ત્યારથી એટલે કે 150 કરોડ વર્ષથી માંડીને આજ પર્યંત અરવલ્લી ગિરિમાળાના પર્વતો તેમનાં ઘસારા, સ્થાનાંતર અને નવરચનાનાં કાર્યો કરતા રહ્યા છે, એટલું જ નહિ, પરંતુ તે પછીના કાળના ઘણા ઘણા નિક્ષેપો માટેનો અઢળક શિલાચૂર્ણનો જથ્થો પણ પૂરો પાડતા ભારતના એક અગત્યના ભૌગોલિક ભૂમિલક્ષણ તરીકે રહ્યા છે. પ્રથમ જીવયુગ (Palaeozoic era)ના પ્રારંભ(57 કરોડ વર્ષ પૂર્વ)માં પણ આ પર્વતમાળાના ઊર્ધ્વગમનના તબક્કાઓ ચાલુ રહેલા, જેના પ્રાપ્ત પુરાવાઓ ઉપરથી કહી શકાય છે કે આ હારમાળા તે કાળે ઘણા લાંબા-પહોળા વિસ્તારવાળી હતી; કદાચ તે દખ્ખણ(Deccan)થી માંડીને આજના હિમાલયની હારમાળાની હદથી પણ આગળ સુધી લંબાયેલી હતી. (હિમાલયનું અસ્તિત્વ એ કાળે ન હતું); વળી આ હારમાળાના પર્વતો ઘણી ઊંચાઈ ધરાવતા હતા, જેનાં શિખરો હિમનદીના બરફથી ઢંકાયેલાં રહેતાં હતાં. આ માટેના પુરાવા દ્વીપકલ્પીય ભારતમાંના તાલ્ચીર અને હિમાલયમાંના બ્લેઈની ગુરુગોળાશ્મ સ્તરમાંના લઘુગોળાશ્મ અને ગુરુગોળાશ્મ (વલીસી, રેખાંકિત પહેલદાર સપાટીઓવાળા હોવાથી હિમનદીજન્ય ઘસારાની ક્રિયાના સૂચક) પૂરા પાડે છે. અર્થાત્ આ કાળ દરમિયાન અરવલ્લી વિસ્તાર હિમાચ્છાદિત હોવો જોઈએ, તેમાંથી મોટી હિમનદીઓ (glaciers) વહેતી હોવી જોઈએ; કારણ કે ગુરુગોળાશ્મનાં કદ તેમજ તેમનાં પ્રાપ્તિસ્થાનથી જે અંતર સુધી સ્થાનાંતરક્રિયા બનેલી તે આ પ્રકારની હિમનદીઓની ઉત્પત્તિ અને અરવલ્લી પર્વતોની ઊંચાઈને સમર્થન આપે છે.

ક્રિટેસિયસ કાળ પહેલાંના સમયમાં (13.5 કરોડ વર્ષ અગાઉ) તે પુષ્કળ પ્રમાણમાં ઘસાઈને ધોવાણનાં મેદાનો(peneplain)માં પરિણમી, પરંતુ અરવલ્લીના મધ્યભાગનો કાયાકલ્પ થતો રહ્યો; પશ્ચિમ રાજસ્થાન-તરફી ભાગ ધોવાણના મેદાન તરીકે જ રહ્યો. તૃતીય અને ચતુર્થ જીવયુગ દરમિયાન પણ તેનું ઘસારાનું કાર્ય ચાલુ રહેલું છે. તેના પરિણામે એક વખતની ભવ્ય ગિરિમાળા આજે માત્ર ટેકરીઓના અવશેષરૂપે જોવા મળે છે.

અરવલ્લી રચના (Aravalli supergroup) : અરવલ્લી રચના રાજસ્થાનમાં મળી આવતા આર્કિયન સમૂહના ખડકો પૈકીની એક શ્રેણી છે. તેની ઉપર તેમજ નીચે રહેલી શ્રેણીઓ સાથેના સંબંધ નીચેના કોઠામાં દર્શાવેલ છે.

રાયલો સમૂહ
અરવલ્લી અને ગ્વાલિયર સુપર ગ્રૂપ
બૅન્ડેડ નાઇસિક કૉમ્પ્લેક્સ
બુંદેલખંડ ગ્રૅનાઇટ અને સંબંધિત ખડકો

ઉપરના કોઠામાં દર્શાવ્યા પ્રમાણે અરવલ્લી શ્રેણીના ખડકો અસંગતિ સાથે બૅન્ડેન્ડ નાઇસિક કૉમ્પ્લેક્સ ઉપર રહેલા છે અને તેની ઉપર દિલ્હી સુપર ગ્રૂપના ખડકો મળી આવે છે.

આ ખડકો ઉદેપુર, મધ્ય મેવાડ અને ચિતોડના દક્ષિણ વિસ્તારમાં મળી આવે છે.

રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળા માટે હેકેટે ‘અરવલ્લી રચના’  શબ્દ સૂચવેલો છે. આ શ્રેણી ક્વાર્ટઝાઇટ, ફિલાઇટ, સ્લેટ, અશુદ્ધ ચૂનાખડક, હૉર્નબ્લેન્ડ અને માઇકા–શિસ્ટ તેમજ કૉમ્પોઝિટ નાઇસના ખડકબંધારણવાળી છે. આ શ્રેણીના શિસ્ટ ખડકો કેટલાંક સ્થાનોમાં ગ્રૅનાઇટથી અંતર્ભેદિત થયેલા જોવા મળે છે. ગ્રૅનાઇટનાં આ અંતર્ભેદનો રાયલો સમૂહ તેમજ દિલ્હી સુપર ગ્રૂપના વિકૃત ખડકોથી જૂની વયનાં છે. અરવલ્લી રચનાના ખડકોની વિકૃતિની કક્ષા (grade of metamorphism) વાયવ્યથી અગ્નિ દિશા તરફ જતાં ઘટતી જાય છે.

અરવલ્લી રચનાના ફિલાઇટ અને ક્વાર્ટઝાઇટ ખડકોમાં આંતરસ્તરરૂપે રહેલા ડૉલોમાઇટ ચૂનાખડકમાં ગેલેના અને સ્ફેલેરાઇટ તેમજ અન્ય સલ્ફાઇટ ખનિજો મળી આવે છે. આર્થિક દૃષ્ટિએ મહત્વના ગણાતા આ ખનિજ-જથ્થાઓનું ખાણકાર્ય ઉદેપુર પાસે ઝાવરની ખાણોમાં કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઉદેપુર નજીક આ રચનાના ફિલાઇટ, શૅલ, ડૉલોમાઇટ-ચૂનાખડક અને સિલિકાયુક્ત સ્તરભંગ-બ્રેસિયાના 250 ચોકિમી. વિસ્તારમાં યુરેનિયમ ખનિજ પણ મળી આવે છે. વધુમાં ઉદેપુર પાસે, અરવલ્લી રચનાના ખડકોમાં વિવિધ પ્રકારના સ્ટ્રૉમેટોલાઇટ્સ વિકસેલા છે, તેમજ ઉદેપુર પાસેની મટૂન ખાણમાંથી મેળવવામાં આવતો ફૉસ્ફોરાઇટ જથ્થો પણ અરવલ્લી રચનાની જ પેદાશ છે.

અરવલ્લી ગિરિનિર્માણ અને વિકૃતિ-પ્રક્રિયાનો 95થી 150 કરોડ વર્ષ અગાઉ અંત આવેલો હોવાનું કિરણોત્સારી (radio-active) પદ્ધતિથી અંદાજવામાં આવેલું છે. ઉદેપુર નજીક મળી આવતા અરવલ્લી શિસ્ટ અને નાઇસનું વય અનુક્રમે 150 કરોડ વર્ષ અને 155 કરોડ વર્ષ હોવાની ગણતરી મુકાયેલી છે. કોફૉર્ડની ગણતરી મુજબ અરવલ્લી રચનાનો તળભાગ 250થી 259 કરોડ વર્ષથી વધુ જૂના સમયનો હોઈ શકે નહિ. અરવલ્લી રચનાના ખડકો ઓછામાં ઓછા 190 કરોડ વર્ષની વયના ગ્રૅનાઇટથી અંતર્ભેદિત થયેલા છે. આ ઉપરથી સૂચવી શકાય કે અરવલ્લી રચનાના સૌથી ઉપરના મથાળાના ખડકોનું વય આશરે 210 કરોડ વર્ષનું હોવું જોઈએ.

ભૂસ્તરીય દૃષ્ટિએ આ આખીયે પર્વતમાળા પટ્ટાયુક્ત નાઇસખડકસંકુલ (banded gneissic complex – BGC), અરવલ્લી રચના, દિલ્હી રચના  વિંધ્ય રચનાના ખડકોથી બનેલી છે, જે મુખ્યત્વે રાજસ્થાનના મોટા વિસ્તારોને આવરી લેતા વિશાળ વિવૃત ભાગો તરીકે મળી આવે છે. ઉપરાંત તે અસંખ્ય સ્તરભંગો તેમજ અગ્નિકૃત અંતર્ભેદકોથી ભેદાયેલી છે. રચનાત્મક દૃષ્ટિએ, અરવલ્લીની પર્વતમાળા ભૂસંનતિમય થાળામાં તૈયાર થઈ વારંવાર ઘનિષ્ઠપણે ગેડીકરણ પામી વિરૂપ થયેલી અધોવાંકમાળા છે, જેની વાયવ્ય બાજુ સીધી હોવા છતાં સ્તરભંગના કોઈ પુરાવા મળતા નથી; પરંતુ ગેડની વળાંક લેતી પૂર્વ હદ રાજસ્થાનના મહાસીમાસ્તરભંગ-(Great Boundary Fault)ની રેખા દર્શાવે છે, જે વિંધ્ય રચનાના ખડકોને અરવલ્લી તેમજ બુદેલખંડના નાઇસ-આર્કિયન ખડકો સામે લાવી મૂકે છે. દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશની વાયવ્ય સરહદે રાજસ્થાન અને ગુજરાત રાજ્યની સરહદ ઉપર તે પથરાયેલ છે. અરવલ્લી ખનિજોના ભંડાર સમાન છે.

અરવલ્લી રચના (Aravallis Supergroup) : ભૂસ્તરીય દૃષ્ટિએ આ આખીયે પર્વતમાળા પટ્ટાયુક્ત નાઇસ ખડકસંકુલ (Banded Gneissi Complex – BGC), અરવલ્લીરચના – દિલ્હીરચના – વિંધ્યરચનાના ખડકોથી બનેલી છે, જે મુખ્યત્વે રાજસ્થાનના મોટા વિસ્તારોને આવરી લેતા વિશાળ વિવૃત ભાગો તરીકે મળી આવે છે. ઉપરાંત તે અસંખ્ય સ્તરભંગો તેમજ અગ્નિકૃત અંતર્ભેદકોથી ભેદાયેલી છે. રચનાત્મક દૃષ્ટિએ, અરવલ્લીની પર્વતમાળા ભૂસંનતિમય થાળામાં તૈયાર થઈ વારંવાર ઘનિષ્ઠપણે ગેડીકરણ પામી વિરૂપ થયેલી અધોવાંકમાળા છે, જેની વાયવ્ય બાજુ સીધી હોવા છતાં સ્તરભંગના કોઈ પુરાવા મળતા નથી, પરંતુ ગેડની વળાંક લેતી પૂર્વ હદ રાજસ્થાનના મહાસીમાસ્તરભંગ(Great Boundary Fault)ની રેખા દર્શાવે છે, જે વિંધ્યરચનાના ખડકોને અરવલ્લી તેમજ બુંદેલખંડના નાઇસઆર્કિયન ખડકો સામે લાવી મૂકે છે. આ હારમાળાના વન્યજીવોમાં દીપડા, ઝરખ, શિયાળ, નીલગાય, જંગલી ભૂંડ, શાહૂડી વગેરે પમ જોવા મળે છે. અહીં મોટેભાગે સૂકા પાનખર જંગલો આવેલાં છે. જેમાં બાવળ, લીમડો, આમલી જેવાં વૃક્ષોનું પ્રમાણ અધિક છે. આ સિવાય ગુલાબ, બોગનવેલ જેવી કાંટાળી વનસ્પતિ પણ જોવા મળે છે. આ હારમાળાની નદીઓમાં બનાસ મુખ્ય નદી છે.

નીતિન કોઠારી

ગિરીશભાઈ પંડ્યા

મોહનભાઈ પુરુસોત્તમદાસ પટેલ
વ્રિજવિહારી દીનાનાથ દવે