અરડૂસો (અરલવો, મોટો અરડૂસો) : દ્વિદળી વર્ગના સીમારાઉબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ailanthus excelsa Roxb (સં. महानिम्ब, आरलु, महावृक्ष; હિં. महानिम्ब; મ. મહારૂખ; અં. એઇલેન્ટો) છે.

Melia azedarach

અરડૂસો

સૌ. "Melia azedarach 02" by Harlock81 | CC BY-SA 3.0

મહાકાય, ખૂબ ઝડપથી વધનારું, અત્યંત ઓછી કાળજી માગી લેતું, વિશાળ છાયાવાળું વૃક્ષ. 10થી 15 મી. ઊંચાઈ. થડ અને ડાળીઓનો રંગ ફિક્કો પીળો, ભસ્મ જેવો. પાતળી છાલ. તજ જેવી ગંધ આવે.

પાન મસળતાં વાસ આવે. ડાળીઓને છેડે સંયુક્ત 10થી 30 પર્ણિકાઓ હોય છે. પાન રુવાંટીવાળાં, પાનખર ઋતુમાં મોટાભાગનાં ખરી જાય. ઢોરને ભાવે નહિ. પુષ્પો પીળાં, કક્ષીય અથવા અગ્રીય ઝૂમખામાં. પરાગવાહિની 2થી 5. ફેબ્રુઆરી-માર્ચમાં ફૂલો આવે, જે મે-જૂનમાં ફળે. ફળ સપક્ષ એક બીજવાળું.

તેની ચાર જાતિઓ ભારતમાં પ્રચલિત છે. તેમાં A. altissima (Mill.) Swingle. પંજાબમાં A. excelsa A. Roxb. સૂકા પ્રદેશોમાં, A. glandulosa Desf. ઠંડા પ્રદેશોમાં અને A. malabarica DC. પશ્ચિમ ઘાટોમાં મળે છે.

ગુજરાતમાં વનવિસ્તારમાં તેમજ રસ્તા પર તે જોવા મળે છે. ડાંગમાં તે ઓછો થાય છે. હલકી નબળી જમીન અને ઓછો વરસાદ તેને અનુકૂળ આવે છે. ફળ-પાપડી વજનમાં હલકી હોવાથી પવનથી તે ઊડે છે અને એમ ફેલાવો થાય છે.

લાકડું પોચું અને હલકું. ઇમારતી લાકડા તરીકે બિનઉપયોગી. પરંતુ તલવાર-છરીનાં મ્યાન, ઢોલ, હલકાં રમકડાં, ફ્રેમ, ખોખાં અને દીવાસળી બનાવવામાં ઉપયોગી.

પવનથી ઊડતી માટીને રોકી પ્રદૂષણ-અવરોધક તરીકે તે વપરાય છે. આયુર્વેદ અનુસાર ધનુર્વાતમાં તેનો પત્રસ્વેદ અને જૂના મરડામાં છાલનો પુટપાક  સ્વરસ ઉપયોગી છે.

મ. ઝ. શાહ

શોભન વસાણી
મ. દી. વસાવડા

સરોજા કોલાપ્પન