અયૂબખાન (જ. 14 મે 1907, હજારા-ભાત; અ. 19 એપ્રિલ 1974, ઇસ્લામાબાદ પાસે) : પાકિસ્તાનના પ્રમુખ. આખું નામ મોહમ્મદ અયૂબખાન. પિતા બ્રિટિશ લશ્કરના અધિકારી હતા. અયૂબખાને અલીગઢ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ મેળવીને, સૅન્ડહર્સ્ટ ખાતેની કૉલેજમાં લશ્કરી તાલીમ લીધી હતી. 1928માં બ્રિટિશ લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે જોડાયેલા. બીજા વિશ્વયુદ્ધમાં (મ્યાનમાર) ખાતે એક બેટૅલિયનના કમાન્ડર તરીકે કામ કરેલું.

અયૂબખાન

પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યા પછી 1951માં તેઓ લશ્કરી દળોના કમાન્ડર-ઇન-ચીફ બન્યા હતા. 1954-55ના ગાળામાં સંરક્ષણપ્રધાન તરીકે પણ કામ કર્યું હતું. 1958માં પાકિસ્તાનમાં માર્શલ લૉ જાહેર થતાં, તેઓ લશ્કરી દળોના સર્વોચ્ચ સેનાપતિ (supreme commander) બન્યા. પછી ટૂંક સમયમાં તેમણે પાકિસ્તાનના પ્રમુખ તરીકેનો હોદ્દો પણ સંભાળી લીધો અને પ્રમુખ ઇસ્કંદર મિરઝાને દેશ બહાર કાઢ્યા. 1959માં અયૂબખાને ફિલ્ડમાર્શલનું બિરુદ ધારણ કર્યું. પછી દસ વર્ષ સુધી લશ્કરની મદદથી પાકિસ્તાનના પ્રમુખ તરીકે શાસન કર્યું.

1962માં અયૂબખાને પાકિસ્તાનને એક નવું બંધારણ આપ્યું. આ બંધારણમાં ‘પાયાની લોકશાહી’(basic democracy)નો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો. આ પ્રથાનો હેતુ સ્થાનિક કક્ષાએ રાજકીય જવાબદારીને ઉત્તેજન આપવાનો હતો. આ બંધારણમાં રાષ્ટ્રીય પ્રમુખ-પદ્ધતિ સ્વીકારવામાં આવી હતી. પ્રત્યક્ષને બદલે પરોક્ષ ચૂંટણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. 1965માં આ બંધારણ મુજબ ચૂંટણી થઈ. તેમાં તેમનાં હરીફ ફાતિમા ઝીણાને હરાવીને તેઓ ફરીથી પ્રમુખ બન્યા.

પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યા પછી તેના અમેરિકા સાથેના સંબંધો વિકસ્યા હતા. 1953માં પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે એક સંરક્ષણ-કરાર પણ થયો હતો; અમેરિકા સાથેના સંબંધો પરંતુ અમેરિકામાં જૉન એફ. કેનેડી પ્રમુખ બન્યા પછી અમેરિકાના ભારત સાથેના સંબંધો સુધરવા માંડ્યા હતા. 1962માં ચીનના ભારત પરના આક્રમણ પછી અમેરિકાએ ભારતને મોટા પ્રમાણમાં મદદ કરી હતી. આ સમય દરમિયાન પાક-અમેરિકન સંબંધોમાં ઉષ્મા ઘટી હતી. આથી અયૂબખાને ચીન સાથે સંબંધો સુધારવા પ્રયત્નો કર્યા. પાકિસ્તાન અમેરિકાને મિત્ર તરીકે સ્વીકારશે, માલિક તરીકે નહિ એવો સૂર અયૂબના પુસ્તક ‘Friends, Not Masters’માંથી નીકળતો હતો.

પાકિસ્તાનના ભારત સાથેના સંબંધો પણ બગડતા જતા હતા. 1962ના ભારત–ચીન યુદ્ધમાં ભારતની નબળાઈ જોઈને જ કદાચ અયૂબે 1965માં ભારત સાથે યુદ્ધ કરાવ્યું હતું; પરંતુ આ યુદ્ધનું કોઈ નિશ્ચિત પરિણામ આવ્યું નહિ. 1966માં તાશ્કંદ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ-સંધિ થઈ. રશિયાએ તેમાં મધ્યસ્થી તરીકે ભાગ ભજવ્યો. આ પછી પણ રશિયા અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધરતા જતા હતા. વિદેશી સંબંધોમાં અમેરિકા પરનું અવલંબન ઘટાડવાની શરૂઆત અયૂબખાને કરી હતી. ભવિષ્યમાં પણ એ વલણ ચાલુ રહેવાનું હતું.

1967માં પાકિસ્તાનમાં લોકશાહીની સ્થાપના માટે ચળવળ શરૂ થઈ. અયૂબે તેને દબાવી દેવા પ્રયાસો કર્યા. રાજકીય વિરોધીઓને જેલમાં પૂરવામાં આવ્યા. આની સામે હુલ્લડો ફાટી નીકળ્યાં. અયૂબની આપખુદ શૈલીએ તેમને અપ્રિય બનાવ્યા હતા. લાંબા સમય સુધી તેમણે હોદ્દાના લાભો પણ લીધા હતા. અયૂબખાન સામેની ચળવળનું પરિણામ પાકિસ્તાનમાં લોકશાહીની સ્થાપનામાં ન આવ્યું, 1969માં અયૂબને હોદ્દાનું રાજીનામું આપવાની ફરજ પાડીને એક બીજા લશ્કરી અધિકારી યાહ્યાખાને સત્તાનો દોર પોતાના હાથમાં લીધો હતો.

મહેન્દ્રભાઈ ઠા. દેસાઈ