અયપ્પા પણિક્કરુદે કૃતિકલ

January, 2001

અયપ્પા પણિક્કરુદે કૃતિકલ (1974) : સાહિત્ય અકાદમી પુરસ્કૃત મલયાળમ કાવ્યસંગ્રહ. મલયાળમમાં અદ્યતન કવિતાનો સંચાર કરનાર અયપ્પા પણિક્કર(જ. 12 સપ્ટેમ્બર 1930)નો આ સંગ્રહ, એમાંનાં વિષયનાવીન્ય તથા વિદ્રોહી સૂરને કારણે યુવાન કવિઓનો પ્રેરણાસ્રોત બન્યો છે. પણિક્કર વર્ષો સુધી અમેરિકામાં રહ્યા છે. ત્યાં ઉચ્ચ અભ્યાસ કરીને અંગ્રેજીના પ્રાધ્યાપક પણ રહ્યા હોવાથી પશ્ચિમના અદ્યતન પ્રવાહોથી પણ સુપરિચિત છે. એ બધા પ્રવાહોથી કેરળના કાવ્યસાહિત્યને તેમણે સમૃદ્ધ કર્યું છે. એમની શરૂઆતની કવિતા પર પશ્ચિમના કવિ ટી. એસ. એલિયટનો પ્રબળ પ્રભાવ હતો; પણ પછી તરત જ નિજી પ્રતિભા ધરાવતી કવિતા એમણે આપી છે. એમના આ કાવ્યસંગ્રહમાં એક તરફ ‘કુરુક્ષેત્રમ્’ જેવી પૌરાણિક રચના છે તો બીજી તરફ ‘ઈડિપસ’ જેવી ગ્રીક પુરાણના પાત્રને લગતી કાવ્યરચના છે. એમાં ગેય અને છંદોવિહીન કવિતા પણ છે. એ રીતે વિષય અને નિરૂપણરીતિનું પ્રચુર વૈવિધ્ય એમની કવિતાની ધ્યાનપાત્ર વિશિષ્ટતા બને છે.

અક્કવુર નારાયણન્