અમૃતા પ્રીતમ (જ. 31 ઑગસ્ટ 1919, ગુજરાનવાલા, પંજાબ; અ. 31 ઑક્ટોબર 2005, દિલ્હી) : 1981ના જ્ઞાનપીઠ પુરસ્કારનાં વિજેતા પંજાબી કવયિત્રી, ગદ્યકાર અને કથાલેખિકા. લગ્ન પૂર્વેનું નામ અમૃત કૌર. 1936માં પ્રીતમસિંઘ સાથેના લગ્ન બાદ વર્તમાન નામ ધારણ કર્યું. પત્રકાર અને સંસ્કૃત તથા હિંદીના વિદ્વાન પિતા કરતારસિંઘ હિતકારી પાસેથી તેમને સાહિત્યસર્જનના સંસ્કાર મળ્યા. ‘ઠંડિયા કિરણો’ (1935) અને ‘અમૃતલહરાં (1936), ‘સુનહુરે’ (1955) તેમના નારીહૃદયની વેદના ઉગ્ર વાણીમાં રજૂ કરતાં 1937-38માં ‘નવીન દુનિયા’ સામયિક શરૂ કર્યું. લાહોરમાં આકાશવાણીમાં 1938થી 1947 સુધી કામ કર્યું અને સ્વાતંત્ર્ય બાદનાં થોડાં વર્ષો દિલ્હીમાં કામ કર્યું. મે, 1966થી તેઓ ‘નાગમણિ’ માસિકનું સંપાદન કરતા હતા.

અમૃતા પ્રીતમ

‘સુનેહ્ડદે’ કાવ્યસંગ્રહ માટે 1956માં તેમને ભારતીય સાહિત્ય અકાદમીનું પારિતોષક મળ્યું હતું. 1966માં પદ્મશ્રીનો ઇલકાબ મળ્યો. દિલ્હી યુનિવર્સિટીએ તેમને એ જ વર્ષમાં ડી.લિટ્.ની માનાર્હ પદવી આપી. 1982માં ‘કાગઝ તે કૅન્વાસ’ માટે ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું. બલ્ગેરિયા પ્રજાસત્તાક તરફથી 1979માં તેમને ઇન્ટરનેશનલ તાવપ્તસેરોવ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો. 2004માં તેમને પદ્મવિભૂષણ એનાયત થયો હતો.

મહાકાવ્ય અને નાટક સિવાય ગદ્ય-પદ્યનાં તમામ સ્વરૂપોમાં તેમણે પોતાની કલમ ચલાવી છે. તેમણે 28 નવલકથાઓ લખી છે. જેમાં ‘ડૉક્ટર દેવ’ (1949), ‘પિંજાર’ (1950), ‘આશુ’ (1958), ‘હરદાત દા ઝિંદગીનામા’ (1983), ‘ના રાધા; ના રુક્મણી’ (1984) નોંધપાત્ર છે; ટૂંકી વાર્તાઓનાં 12 સંગ્રહો અને સંકલનો પ્રકાશિત કર્યાં છે; જેમાં ‘શબ્બી વરેહ બાદ’ (1943), ‘ગોજર દિયાન પરિયન’ (1960), ‘ઇક્ક શહેર દી મૌત’ (1978), ‘તીસરી ઔરત’ (1978) મુખ્ય છે. ત્રણ પ્રવાસગ્રંથો અને આત્મકથા (‘રસીદી ટિકિટ’ તથા ‘હુઝરે દિ મિટ્ટી (1991), બે આત્મકથનાત્મક ગ્રંથો, સંસ્કૃતિ અને સાહિત્યવિષયક અનેક કૃતિઓ આપી છે. વળી અનેક ભારતીય તથા વિદેશી ગ્રંથોનો  વિશેષત: કાવ્યગ્રંથોનો પંજાબી ભાષામાં અનુવાદ કર્યો છે. અંગ્રેજી અને હિન્દી ઉપરાંત તેમના ગ્રંથો વિવિધ ભારતીય અને વિદેશી (મહદંશે પૂર્વ યુરોપીય) ભાષાઓમાં અનૂદિત થયા છે.

તેમણે પ્રથમ કવિતા 1935માં લખી. 1947 સુધીમાં તેમણે કાવ્યોના 10 સંગ્રહો આપીને પોતાને કવયિત્રી તરીકે પ્રસ્થાપિત કર્યાં હતાં; પરંતુ આ ગાળાની તેમની કવિતા મહદંશે પ્રણાલીગત, વસ્તુલક્ષી, કલ્પનાપ્રધાન અને સંવેદનશીલ હતી. તેમાં ક્યાંક ક્યાંક નારીગત લાગણીઓની મુક્ત અને નિખાલસ અભિવ્યક્તિ અને પ્રવર્તમાન સામાજિક મૂલ્યો સામેના વિદ્રોહના સંકેતો મળે છે; જે તત્વ 1947 પછી ખીલ્યું. તેમની કૃતિ ‘વારિસશાહને પ્રાર્થના’ દેશના ભાગલા દરમિયાન પંજાબી સ્ત્રીઓ જે આતંક અને વેદનામાંથી પસાર થઈ તેનું જોરદાર નિરૂપણ કરે છે. જ્યાં પણ અન્યાય દેખાયો તેની સામે તેમણે અવાજ ઉઠાવ્યો છે. તેમની સંવેદનશીલતા ઊર્મિપ્રધાનતાથી આક્રમક વ્યંગ સુધી વિસ્તરે છે. વિષયવસ્તુ વ્યક્તિગતથી વૈશ્વિક (દા. ત. વિશ્વશાંતિ) બાબતોને આવરી લે છે. તેઓ આશાવાદી માનવતાવાદમાં માનનારાં છે. તેઓ લોકબિંબો, લોકરૂઢિપ્રયોગો અને પ્રણાલીગત સ્વરૂપોનો ઉપયોગ કરીને તેની મહત્તમ અસર ઉપજાવી શકે છે. ‘કાગઝ તે કૅનવાસ’(1970)માં આધુનિક બિંબો, રૂઢિપ્રયોગો અને મુક્તપદોનો ઉપયોગ કર્યો છે, ‘ચોનવેં પાત્રે’ (1990) તેમની કેટલીક રચનાઓનું સંપાદન છે. ‘મિટ્ટી દિ ઝાત’ (1990) તેમનો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે.

તેમની નવલકથાઓ પુરુષ-સ્ત્રીના લગ્નકેન્દ્રી સંબંધોની આસપાસ ગૂંથાયેલી છે. તેમનાં સ્ત્રીપાત્રો વ્યક્તિત્વને પામવા મથે છે પરંતુ તે પામતાં નથી અને જે પુરુષો તથા સામાજિક કાયદાઓ તેમને દમનકારી લાગતા હોય છે તેમની તરફેણમાં તેઓ નમી પડે છે. તેમના ‘નાગમણિ’ સામયિક દ્વારા અમૃતા પ્રીતમ લેખકોની યુવાન પેઢીને સર્જનાત્મકતાને માર્ગે પ્રોત્સાહિત કરતા હતા.

ગુરુબક્ષસિંહ