અમીન, ગોવિંદભાઈ (જ. 7 જુલાઈ 1909, વસો, ખેડા; અ. 1980) : ગુજરાતી લેખક. જન્મ ખેડા જિલ્લાના વસો ગામમાં. મુંબઈમાં બી.કૉમ. સુધીનો અભ્યાસ કરી, પછી શેરદલાલના ધંધામાં પડેલા. એમણે નાટક, એકાંકી, નવલિકા તથા નવલકથાનાં ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે. એમના 19 ગ્રંથો પ્રગટ થયા છે. એમની નવલકથાઓમાં જાણીતી ‘બે મિત્રો’ (1944), ‘માડીજાયો’ (1948), ‘માને ખોળે’ (1953), ‘પાપી પ્રાણ’ (1965), તથા ‘એક દિન એવો આવશે’ (1980) છે. ‘એક દિન એવો આવશે’માં એમણે ભારતનું ભવિષ્યના આદર્શ રાજ્ય તરીકે ચિત્ર આપ્યું છે. આ સિવાય એમણે ‘રંગનાં ચટકાં’ (1940) વાર્તાસંગ્રહમાં પણ વાર્તાલેખનની સૂઝ બતાવી છે. એમણે 1938માં ‘રેડિયમ’ નાટક લખેલું, જે કથાનક તેમજ નિરૂપણરીતિના નાવીન્યને લીધે વિવેચકોની પ્રશંસા પામેલું.

ચન્દ્રકાન્ત મહેતા