અમીના : તેલુગુ નવલકથા. લેખક વેંકટચલમ, ગુડીપટી(ચલમ) (1894-1978). ‘અમીના’ તેલુગુની પ્રથમ મનોવૈજ્ઞાનિક પાત્રપ્રધાન નવલકથા છે. ‘અમીના’ પ્રસિદ્ધ થઈ ત્યારે એ ફ્રૉઇડના મનોવિજ્ઞાનના પ્રભાવથી લખાઈ હોવાથી, એમાં યૌનસંબંધોનું યથાર્થ ચિત્રણ થયેલું, પણ તે સ્થૂલ રૂપે નહિ. અમીના જે આ કથાની નાયિકા છે, તેના મનનાં સંવેદનો એમાં નિરૂપિત થયાં છે; પણ નવલકથાને અશ્લીલ કહીને પરંપરાવાદીઓ એના પર તૂટી પડેલા. અમીના એ રૂઢિચુસ્ત મુસ્લિમ કુટુંબમાં ઊછરતી પરદેનશીન યુવતી છે, આથી એને એની કામવાસનાને દબાવ્યા જ કરવી પડે છે. આ દમનને પરિણામે, એ દિવાસ્વપ્નમાં અને રાત્રિસ્વપ્નમાં કેવી કામક્રીડા કરે છે, તેનું એમાં ચિત્રણ છે. દમનને પરિણામે ઉત્પન્ન થતી વિકૃતિઓનું પણ એમણે પ્રભાવક રીતે આ નવલકથામાં નિરૂપણ કર્યું છે.

ચન્દ્રકાન્ત મહેતા