અમજદઅલીખાં (જ. 9 ઑક્ટોબર 1945, ગ્વાલિયર, મધ્યપ્રદેશ) : વિખ્યાત સરોદવાદક. તેઓ ઉસ્તાદ હાફિઝઅલીખાંના નાના પુત્ર થાય. તેમના વંશમાં સંગીતનો પ્રવાહ વહેતો આવેલો છે. હાફિઝઅલીખાં વિખ્યાત સરોદવાદક હતા. અમજદઅલીએ પિતા પાસેથી પાંચ વર્ષની વયથી સંગીતશિક્ષણ શરૂ કરેલું. 13 વર્ષની વયે પિતા તેમને સંગીત-સમારોહમાં લઈ જતા, જેથી તે સંગીત-શ્રોતાવર્ગનો પરિચય પામે. અમજદઅલીખાંનો પ્રથમ સાર્વજનિક કાર્યક્રમ તે પછી કેટલાક સમય બાદ થયો. તેમણે સરોદ પર ગાયકી અંગને આત્મસાત્ કરેલું. તેઓ પરંપરાવાદી અને પ્રગતિશીલ બંને પ્રકારના સર્જક છે. તેમણે ઇકહરા તાન, ગમક અને અદભુત લયકારીના પ્રયોગો કર્યા છે.

અમજદઅલીખાંએ ઈરાનમાં એરાજસમારોહમાં ભાગ લીધો હતો અને ભારતીય શિષ્ટમંડળ સાથે મૉરિશિયસ, અફઘાનિસ્તાન અને અમેરિકાની યાત્રા કરી હતી. 1971માં પૅરિસમાં આંતરરાષ્ટ્રીય સંગીતમંચનો યુનેસ્કો પુરસ્કાર તેમને મળેલો. 1974માં તેમણે પ્રાગ (ચેકોસ્લોવેકિયા) ખાતે વસંત-સમારોહમાં ભાગ લીધો હતો. સેનિયા બીનકાર ઘરાનાની શુદ્ધતાને જાળવી રાખી તેમણે હરિપ્રિયા, સુહાગભૈરવ, વિભાવરી, ચંદ્રધ્વનિ, મંદસમીર અને કિરણરંજની રાગો બનાવ્યા છે. 1975માં ભારત સરકારે અમજદઅલીખાંને પદ્મશ્રીના ખિતાબથી, 1991માં પદ્મભૂષણના ખિતાબથી તથા 2001માં પદ્મવિભૂષણથી વિભૂષિત કર્યા  છે. તેમને મળેલા અન્ય ઍવૉર્ડોમાં ઇન્ટરનૅશનલ મ્યુઝિક ફૉરમ, પૅરિસ દ્વારા યુનેસ્કો ઍવૉર્ડ; પ્રયાગ સંગીત સમિતિ દ્વારા ‘સરોદસમ્રાટ’ની ઉપાધિ, સંગીત કલા ફોરમ, ભોપાલ દ્વારા ‘કલારત્ન’ ઍવૉર્ડ; ભારતીય વિદ્યા ભવન, મુંબઈ દ્વારા 1983માં ‘સંગીતકારોના સંગીતકાર’ ઍવૉર્ડ; ‘શિરોમણિ ઍવૉર્ડ’ (1986); ‘કલાસરસ્વતી’ ઍવૉર્ડ (1987); ‘શ્રીસ્મૃતિ’ ઍવૉર્ડ (1988); રાજા રામમોહન રૉય ટીચર્સ ઍવૉર્ડ (1989); સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ(1989)વગેરેનો સમાવેશ થાય છે. તેમના પુત્ર અયાનઅલી બંગશ હવે અમજદઅલીના જાહેર કાર્યક્રમોમાં તેમની સંગત કરે છે.

કૃષ્ણવદન જેટલી