અભ્યંકર કાશીનાથ વાસુદેવ

January, 2001

અભ્યંકર, કાશીનાથ વાસુદેવ (જ. 7 ઑગસ્ટ 1890, પુણે; અ. 1 ડિસેમ્બર 1976, પુણે) : ભારતના અર્વાચીન યુગના અગ્રણી સંસ્કૃત વૈયાકરણી. કિશોરાવસ્થામાં પિતાશ્રી મહામહોપાધ્યાય વાસુદેવ શાસ્ત્રી અભ્યંકર અને ગુરુશ્રી રામશાસ્ત્રી ગોડબોલે પાસે પાણિનિની ‘અષ્ટાધ્યાયી’ અને ભટ્ટોજિ દીક્ષિતની ‘સિદ્ધાંતકૌમુદી’, હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન ‘મનોરમા ટીકા’, નાગેશ ભટ્ટના ‘પરિભાષેન્દુશેખર’, ‘શબ્દેન્દુશેખર’ તેમજ પતંજલિના ‘મહાભાષ્ય’નો અભ્યાસ કર્યો હતો. ડૉ. રામકૃષ્ણ ભાંડારકર તેમના પ્રેરણામૂર્તિ હતા. તેમણે પ્રાકૃત, ન્યાયશાસ્ત્ર, જ્યોતિષ અને વ્યાકરણવિષયક અનેક ગ્રંથોનાં સંશોધનસંપાદન કર્યાં છે. ‘મહાભાષ્ય’ – પ્રસ્તાવના ખંડ, ‘જૈનેન્દ્ર-પરિભાષાવૃત્તિ’ અને ‘ડિક્શનરી ઑવ્ સંસ્કૃત ગ્રામર’ અને ‘વાક્યપદીય’નું સહસંપાદન (આચાર્ય લિમયે વી. પી. સાથે) તેમના મહત્ત્વના ગ્રંથો છે. તેઓ વર્ષો સુધી અમદાવાદની ગુજરાત કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક હતા. પુણેમાં તેમના નિવાસસ્થાને કેટલાક હત્યારાઓએ કુટુંબીજનો સહિત તેમની હત્યા કરી હતી.

જયદેવ જાની