અભિશોષણ (ભૂસ્તર)

January, 2001

અભિશોષણ (ભૂસ્તર) (assimilation) : એક દ્રવ્યની બીજા દ્રવ્યમાં શોષાવાની, એકરૂપ થવાની કે આત્મસાત્ થવાની ક્રિયા. અભિશોષણ એ એવા પ્રકારની ગલન અને દ્રાવણની પ્રક્રિયા છે, જેમાં ઇતર (foreign) દ્રવ્ય, પછી તે ઘન હોય કે ન હોય, મૅગ્મામાં કે ઠરતા જતા અગ્નિકૃત ખડકમાં ભળવાની ક્રિયા કરે છે. અધૂરું અભિશોષણ મૅગ્મામાં કે તૈયાર થતા અગ્નિકૃત ખડકોમાં બંધારણની વિષમાંગતા (heterogeneity) ઉત્પન્ન કરે છે. ભેળવણી જો પૂર્ણપણે આત્મસાત્ થઈ જાય તો વિષમાંગતા રહેતી નથી. અભિશોષણની પ્રક્રિયા મોટા પાયા પર લાંબો વખત ચાલે તો મૅગ્માનું કે તૈયાર થતા ખડકોનું બંધારણ તદ્દન બદલાઈ જાય છે. પોપડાની અંદર મૅગ્મા સ્થાપિત થાય ત્યારે તેની આજુબાજુના ખડકો તૂટતા જઈને મૅગ્મામાં ભળતા જાય છે. એ જ રીતે ખડકોની અંદર ઘૂસી જતો મૅગ્મા ખડકોમાં પણ ભેળવણી કરતો જાય છે; આમ મૅગ્મા અને પરિવેષ્ટિત ખડકો બંનેના બંધારણમાં અભિશોષણની ક્રિયાથી ફેરફાર થઈ જાય છે. મૅગ્માની સમાવેશનક્ષમતા(incorporation)ને પણ મર્યાદા હોય છે. જેટલો પ્રાદેશિક ખડક તૂટી જઈને મૅગ્મામાં જઈ પડે તેનો 10 %થી વધુ ભાગ ભળી જઈ શકતો નથી, પરિણામે ખડક-ટુકડાઓનો જેટલો ભાગ આત્મસાત્ ન થાય, તે બાહ્ય કે ઇતર પદાર્થના ટુકડાઓ તરીકે એમ ને એમ રહી જાય છે. તેમને આગંતુક ખડકો (xenolith) તરીકે ઓળખાવાય છે. વિશેષત: ડાઇક, સિલ કે અંતર્ભેદકોના સીમાન્ત ભાગોમાં આ પ્રકારનાં લક્ષણો વધુ પડતાં જોવા મળે છે, જે ક્યારેક સ્વાભાવિક અર્થઘટન કરતાં પણ વધુ મહત્વનાં બની રહે છે. ખાસ કરીને બેથોલિથ જેવાં વિશાળ અંતર્ભેદનો માટે અથવા ગ્રૅનાઇટીકરણ પ્રવિધિ માટે ખૂબ જ સૂચક બની રહે છે. અભિશોષણ અને આત્મસાતીભવનની વચ્ચેની કક્ષાનું ખડકપાચન થયેલું હોય એટલે કે આગંતુક ખડકો અંશત: દ્રવીભૂત થયા હોય, એવા તદ્દન જુદા જ બંધારણવાળા મિશ્ર પ્રકારના તૈયાર ખડકોને સંકર ખડકો (hybrid rocks) કહે છે. અભિશોષણને, આ કારણથી, અગ્નિકૃત ખડકોમાં લક્ષણોની વિવિધતા ઉત્પન્ન કરતી પ્રવિધિ (process) તરીકે ઘટાવી શકાય.

ગિરીશભાઈ પંડ્યા

મોહનભાઈ પુરુસોત્તમદાસ પટેલ