અભિયોગ્યતા

January, 2001

અભિયોગ્યતા (aptitude) : વ્યક્તિમાં રહેલી ગર્ભિત કે સુષુપ્ત શક્તિ (ability). કાર્ય કરવા માટેની અને તાલીમ આપવાથી કૌશલ્ય પ્રાપ્ત કરવાની તે જૈવીય વારસાગત શક્તિ છે. માનસિક અને શારીરિક કાર્યો અંગે વિવિધ અભિયોગ્યતાઓ જોવા મળે છે; જેમ કે ગણિત, સંગીતકળા, અવકાશ, યાંત્રિકી વગેરે. ઉપરાંત કારકુની કાર્ય, દંતવિદ્યા, ઇજનેરી, તબીબી વિજ્ઞાન અને કાયદા અંગેની વિશિષ્ટ અભિયોગ્યતાઓ પણ જોવા મળે છે.

અભિયોગ્યતાઓનું માપન પ્રમાણિત અભિયોગ્યતા-કસોટીઓ દ્વારા થાય છે. દા.ત., મિનેસોટા કારકુની અભિયોગ્યતા-કસોટી, સીશોરની સંગીત અભિયોગ્યતા-કસોટી વગેરે.

અભિયોગ્યતા-કસોટી દ્વારા વ્યક્તિની સંભવિત શક્તિનું પ્રમાણ શોધી તે શક્તિની તાલીમ આપવાથી કેટલી સિદ્ધિ પ્રાપ્ત થશે તેનું પૂર્વકથન કરી શકાય છે.

સામાન્ય રીતે અભિયોગ્યતા-કસોટીઓ વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દીના આયોજનમાં, ઉદ્યોગમાં કે વ્યવસાયમાં કર્મચારીની પસંદગી અને નિમણૂક તેમજ તાલીમાર્થીઓની પસંદગી માટે વપરાય છે. અભિયોગ્યતાના સંદર્ભમાં પસંદગી કરવાથી કાર્યસફળતા અને કાર્યસંતોષ પ્રાપ્ત થાય છે, ઉત્પાદકતા વધે છે અને શૈક્ષણિક કે વ્યાવસાયિક સમાયોજન (adjustment) પ્રાપ્ત થાય છે.

અભિયોગ્યતાની વિવિધ કસોટીઓ ઉપલબ્ધ હોય છે. એક જ કાર્ય સાથે સંકળાયેલ વિવિધ અભિયોગ્યતાઓનું માપન કરવા માટે બહુઘટક અભિયોગ્યતા-કસોટીઓ રચવામાં આવી છે. આવી કસોટીઓમાં જી. એ. ટી. બી. (General Aptitude Test Battery), એફ. એ. સી. ટી. (Flanagan Aptitude Classification Test) અને ડી. એ. ટી., (Differential Aptitude Tests)નો સમાવેશ થાય છે.

શશીકાન્ત પાઠક