અબૂ તાલિબ : અરબી ધાર્મિક પુરુષ. બિન અબ્દુલ મુત્તલિબ(હાશિમી કુરેશી અને રસૂલે ખુદા)ના કાકા. એમણે હઝરત મોહંમદને ખૂબ હેતથી ઉછેર્યા હતા. મક્કામાં ઇસ્લામના દુશ્મનોએ જ્યારે રસૂલે ખુદાને રંજાડવા પ્રયત્ન કર્યો ત્યારે એમણે પોતાના ભત્રીજાનો જાનના જોખમે પણ જોરદાર બચાવ કર્યો. છેવટે મક્કાના લોકોએ હઝરતે અબૂ તાલિબનો અને એમના કુટુંબનો બહિષ્કાર કર્યો. એમને રાઅબે અબૂ તાલિબ નામની એક ગુફામાં 3 વર્ષ આશ્રય લેવો પડેલો. એમની જોડે લગ્નવ્યવહાર, લેવડદેવડ, વેપારપાણી વગેરે ઉપર પ્રતિબંધ મુકાયો છતાં એમણે પોતાના ભત્રીજાને સાચવ્યા. તેમણે છેવટ સુધી ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો નહિ કેમ કે એમને કુરેશીઓનાં મહેણાંની ચિંતા હતી. ઇસ્લામના ચોથા ખલીફા હઝરતે અલી એમના સુપુત્ર હતા.

ઝુબેર કુરેશી