અબુલ અતાહિયા (8મી સદી) : અરબી કવિ. અબ્બાસી ખલીફા મહદી અને હારૂન અર્ રશીદ સાથે સંકળાયેલા. કૂફામાં ઊછરેલા. ખલીફા મહદીની દાસી ઉત્બાના પ્રેમમાં હતા, પણ ઉત્બાએ સાનુકૂળ પ્રતિભાવ ન આપતાં કવિને જગત પ્રત્યે વિરાગ જન્મ્યો. તેમની કવિતામાં તેનો પડઘો સંભળાય છે. તેમના વિચાર રૂઢિચુસ્ત ઇસ્લામથી વિસંગત હતા. તે ઝેદ બિન અલીના સમર્થક હતા. મરણ, મરણોત્તર અવસ્થા, કયામત, જગતનાં સુખદુ:ખ, સંસારનું મિથ્યાત્વ, નિરાશા વગેરે તેમની કવિતાના મુખ્ય વિષયો છે. એમની શૈલી સાદી અને સરળ છે. લોકો તેમને દંભી અને કંજૂસ ગણતા. મામૂનના સમયમાં વૃદ્ધાવસ્થામાં તેમનું અવસાન થયું હતું.

ઝુબેર કુરેશી