અબુલફઝલ (. 14 જાન્યુઆરી 1551, આગ્રા; . 22 ઑગસ્ટ 1602, ડેક્કન) : મુઘલ સમયનો પ્રથમ કક્ષાનો વિદ્વાન, લેખક, ઇતિહાસકાર અને ફિલસૂફ. મુઘલ સમ્રાટ અકબરના દરબારમાં અબુલફઝલને ઈ.સ. 1574માં લઈ જનાર તેનો ભાઈ ફૈઝી હતો. ધીરે ધીરે તેણે સમ્રાટની નિકટતા પ્રાપ્ત કરી લીધી. પ્રથમ તેને પત્રવ્યવહારની સેવા સુપરત થઈ, પછી તે પ્રધાનપદનો મુત્સદ્દી બન્યો અને છેવટે તેને વડાપ્રધાનપદ આપવામાં આવ્યું. અકબરે ઈ.સ. 1575માં ફતેહપુર સિક્રીમાં જુદા જુદા ધર્મોના વિદ્વાનો – પંડિતોની ધર્મચર્ચા સાંભળવા માટે ‘ઇબાદતખાના’ની સ્થાપના કરી હતી. અબુલફઝલ તેની ચર્ચાવિચારણામાં અચૂક ભાગ લેતો અને હંમેશાં અકબરની શ્રદ્ધાઓ-માન્યતાઓ અને વિચારોનો પક્ષ લેતો. ‘ઇબાદતખાના’માં ધર્મચર્ચા અને શાસ્ત્રાર્થના અનુસંધાન રૂપે અકબરે ઈ.સ. 1579માં ‘સામૂહિક સ્વીકારનામા’ દ્વારા અગ્રતાપદ પ્રાપ્ત કર્યું. તે પછી ઈ.સ. 1582માં એક નૂતન ધર્મ ‘દીને ઇલાહી’ની સ્થાપના કરી. અબુલફઝલે તેનો સ્વીકાર કર્યો હતો. અબુલફઝલની વગ તેમજ સત્તા વધી જતાં સમકાલીન દરબારી ઉમરાવોને ઈર્ષ્યા થતાં તેને ઈ.સ. 1599માં હાકેમ અને સેનાપતિ બનાવી દખ્ખણ મોકલવામાં આવ્યો, ત્યાં તેણે ઉત્તમ સફળ કામગીરી બજાવી. ઈ.સ. 1600માં તેને ચાર હઝારી અને બે વર્ષ પછી પાંચ હઝારી હોદ્દો આપવામાં આવ્યો. શાહજાદા સલીમના સંકેતથી અબુલફઝલને બુંદેલા સરદાર રાજા વીરસિંઘદેવે ગ્વાલિયરથી 10 કિમી. છેટે અન્તરી કસબામાં 19 ઑગસ્ટ 1602ના રોજ કત્લ કરી દીધો. અબુલફઝલનો એક પુત્ર અબ્દુર્રહમાનખાન (મૃત્યુ ઈ.સ. 1613) બિહાર પ્રાંતનો હાકેમ નિમાયો હતો.

અબુલફઝલની સાહિત્યિક કૃતિઓ : ‘અકબરનામા’ ભાગ 1-2 તથા પુરવણી અને તેનો ત્રીજો ભાગ ‘આઈને અકબરી’, ‘ઇયારે દાનિશ’, ‘દીબાચયે રઝ્મનામા’, ‘ઇન્જીલ મુનાજાત’, ‘કશકોલ જામેઉલ લુગાત’, ‘ઇન્શાએ અબુલફઝલ’ અથવા ‘મકાતિબાતે અબુલફઝલ’. ‘દીબાચએ તારીખે અલ્ફી’, ‘આયતુલ કુર્સી’ તેમજ ‘સૂતુલફત્હ’નું ભાષ્ય વગેરે તેની બીજી કૃતિઓ છે.

અબુલફઝલ ફારસીનો એક ઉચ્ચ કક્ષાનો, આગવી શૈલી ધરાવતો અદ્વિતીય લેખક હતો. ઈરાનનો બાદશાહ કહેતો કે મને અકબરની તલવારની એટલી બીક નથી, જેટલી અબુલફઝલની કલમની.

તેના ધાર્મિક ખ્યાલો ખૂબ ઉદાર હતા. બધા સાથે શાંતિના સિદ્ધાંતમાં તે માનતો. અકબર બાદશાહના અંગત મિત્ર તરીકે મુઘલશાહી તંત્રનો તે સૌથી વધારે વફાદાર અને કુશળ સેવક હતો. ઇતિહાસકાર તરીકે તેને અકબર બાદશાહ તરફ ખૂબ પક્ષપાત હતો છતાં તેણે કોઈ હકીકત છુપાવી નથી. અકબરના રાજ્યઅમલની સાલવારી આપવામાં તેણે ખૂબ કાળજી લીધી હતી. તે ઉદ્યમી અને વિદ્વાન હતો.

દેવવ્રત  પાઠક