અપ્પારવુ પોનંગી શ્રીરામ

January, 2001

અપ્પારવુ પોનંગી શ્રીરામ (જ. 1923) : તેલુગુ લેખક. તેમની ‘નાટ્યશાસ્ત્રમુ’ કૃતિને 1960નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો. એમાં એમણે ‘ભરતનાટ્યશાસ્ત્ર’ પર વિસ્તૃત ટીકાગ્રંથ લખ્યો છે, જેમાં ‘ભરતનાટ્યશાસ્ત્ર’નાં સંગીત, નૃત્ય, રંગસજ્જા, વેશભૂષા, રસનિષ્પત્તિ વગેરે અંગોની વિસ્તારથી ચર્ચા કરેલી છે. કેટલુંક મૌલિક અર્થઘટન પણ કર્યું છે. ભરત પછી થઈ ગયેલા કાવ્યજ્ઞો અને નાટ્યવિદોના મતો ઝીણવટથી તપાસી તેની તુલનાત્મક સમીક્ષા પણ કરી છે. ભરત પછી નાટ્યશાસ્ત્રનો ક્રમશ: વિકાસ કયાં પરિબળોને કારણે થતો ગયો તે દર્શાવ્યું છે. નાટ્યશાસ્ત્રના અભ્યાસીને માટે એ સંદર્ભગ્રંથની આવશ્યકતા પૂરી પાડે છે.

ચન્દ્રકાન્ત મહેતા