અપ્પર (જ. 7મી સદી, થિરુવામ્મુર, તામિલનાડુ; અ. થિરુપ્પુગાલુર, નાગાપટ્ટીનમ પાસે) : પ્રાચીન તમિળ લેખક. તામિલનાડુના 63 શૈવ સંતોમાં અપ્પરનું મહત્વપૂર્ણ સ્થાન છે. એમને ‘તિરુનાળુક્કરસર’ એટલે કે ‘પવિત્ર વાણીના અધિપતિ’ જેવું આદરભર્યું બિરુદ આપવામાં આવ્યું છે. એમની વાણી અત્યંત બલિષ્ઠ હતી. બાળપણમાં જ નોધારા બનેલા અપ્પરે, શિવભક્ત બહેન તિલકવતીને છોડીને જૈન ધર્મ અંગીકાર કરેલો. એમણે રચેલાં ‘તેવારમ્’ નામે ઓળખાતાં 311 પદો સંગૃહીત થયાં છે. ‘તેવારમ્’નો શાબ્દિક અર્થ છે વ્યક્તિગત ઉપાસના. બધાં પદોમાં એમની વિશિષ્ટ ભક્તિભાવના દૃષ્ટિએ પડે છે. એમની ભક્તિ દાસ્યભાવની હતી. તેઓ શૈવ અને જૈન બંને ધર્મને સમભાવથી જોતા હતા. આથી જ એમનાં શિવમહિમાનાં પદોમાં કે જૈન તીર્થંકરોની સ્તુતિનાં પદોમાં એકાન્તિક ભક્તિ છે. અન્ય ધર્મોનો ઉલ્લેખ કરીને કોઈ પણ ધર્મને શ્રેષ્ઠ સ્થાપિત કરવા એમણે પ્રયત્ન કર્યો નથી. એમના એક શિવમહિમાના પદમાં તો એમને શિવના શરીરમાં જ વિષ્ણુનાં દર્શન થાય છે એમ કહ્યું છે. ઈશ્વરના રૂપને તેઓ હરિહર નામથી ઓળખાવે છે. પદોમાં દોરેલાં શબ્દચિત્રોમાં એમની ઉચ્ચ કવિત્વશક્તિનો પરિચય મળે છે. એમણે ‘વિરુતમ’, ‘તિરુનેરિશૈ’, ‘તિરુતાંડકમ્’ વગેરે છંદોનો રુચિકર પ્રયોગ કર્યો છે. એમણે જૈન ધર્મ સ્વીકાર્યો હોવા છતાં અગ્રગણ્ય શૈવ સંત તરીકે એમનું ઉચ્ચ સ્થાન છે. આજે પણ એમનાં શિવભક્તિનાં પદો લોકોમાં પ્રચલિત છે.

કે. એ. જમના