અપુર સંસાર (1959) : બંગાળી ફિલ્મ. કથા : વિભૂતિભૂષણ બંદ્યોપાધ્યાય. પટકથા અને દિગ્દર્શન : સત્યજિત રાય. મુખ્ય અભિનય : સૌમિત્ર ચૅટરજી, શર્મિલા ટાગોર, સ્વપ્ન મુકરજી, આલોક ચક્રવર્તી.

‘અપરાજિત’ ફિલ્મ પછીની આ ફિલ્મમાં કથા આગળ વધે છે. અપુ કૉલેજમાં ભણે છે, રમતગમતમાં ભાગ લે છે અને નવલકથા પણ લખે છે. એના મિત્ર પ્રણવની બહેનના લગ્નમાં પ્રણવ જોડે એ જાય છે. ત્યાં ખબર પડે છે કે વરરાજાના મગજનું ઠેકાણું નથી. એવી ધાર્મિક પરંપરા હતી, કે જો નિશ્ચિત મુહૂર્તે કન્યાનું લગ્ન ન થાય તો છોકરીને કુંવારી જ રહેવું પડે. આ ધર્મસંકટમાંથી ઊગરવા પ્રણવ અપુને માયરામાં બેસાડી દે છે અને અપુની અનિચ્છાએ એને અપર્ણા જોડે પરણવું પડે છે. અપુ અપર્ણાને પોતાની ગરીબી વિશે જણાવે છે, પણ પતિપરાયણ અપર્ણા કહે છે કે ‘‘તમારાં સુખદુ:ખમાં હું સહભાગિની છું.’’ અપુ અપર્ણાને લઈ કલકત્તા આવે છે. એ કારકુનની નોકરી લે છે. દંપતી સુખી જીવન જીવે છે. અપર્ણા પ્રસૂતિ માટે પિયર જાય છે. અપુ પૂજા સમયે ત્યાં આવવાનું વચન આપે છે. પૂજાના થોડા દિવસ બાકી છે, ત્યાં અપર્ણાનો ભાઈ આવીને ખબર આપે છે, કે પ્રસૂતિમાં અપર્ણાનું મૃત્યુ થયું છે પણ બાળક જીવે છે. અપુ માતૃહત્યારા બાળકનું મોઢું જોવા ઇચ્છતો નથી. એ કલકત્તા છોડીને પાંચ વર્ષ સુધી કોયલાની ખાણમાં નોકરી કરે છે. એવામાં પ્રણવ વિદેશયાત્રાથી પાછો આવે છે, ને માતૃહીન કાજલને જોઈ ભાવવિભોર બને છે. અપુને શોધી કાઢીને એના પુત્રને સોંપે છે.

‘પથેર પાંચાલી’, ‘અપરાજિત’ અને ‘અપુર સંસાર’ ત્રણેમાં એક જ કથાનક આગળ વધતું જાય છે. એમાં ‘અપુર સંસાર’ સત્યજિત રેની સિનેકલાની દૃષ્ટિએ ઉત્તમ ફિલ્મ મનાઈ છે. ‘પથેર પાંચાલી’ એમની પહેલી ફિલ્મ હતી. જ્યારે ‘અપુર સંસાર’ ‘પથેર પાંચાલી’ પછી ચાર વર્ષે તૈયાર થઈ હતી. એ ચાર વર્ષના અનુભવે એમની કલામાં પરિપૂર્ણતા આણી હતી.

કેતન મહેતા