અપહરણ (hijacking) : રાજકીય કે ગુનાખોરીના હેતુથી કોઈ વાહનને આંતરીને બળજબરીથી ગેરકાયદેસર રીતે કબજો લેવામાં આવે તે આ કૃત્યને ‘હાઇજૅકિંગ’, અપહરણ કે ચાંચિયાગીરી કહેવાય છે. અન્ય વાહનોની તુલનામાં વિમાનોના હાઇજૅકિંગથી વધારે સનસનાટી સર્જાય છે. 1960ના દસકા પછી વિમાની અપહરણોની ઘટનાઓ વિશ્વભરમાં વધતી જાય છે. ભારતમાં 1971ની 30મી જાન્યુઆરીએ વિમાની અપહરણની ઘટના સૌપ્રથમવાર બની હતી. આ દિવસે શ્રીનગરથી લાહોર જઈ રહેલા ફૉકર ફ્રેન્ડશિપ વિમાનનું કાશ્મીર રાષ્ટ્રીય મુક્તિ મોરચાના મનાતા બે સશસ્ત્ર ચાંચિયાઓએ અપહરણ કર્યું હતું, અને લાહોર જઈ તેને ફૂંકી માર્યું હતું. ભારતીય વિમાનના અપહરણનો છેલ્લામાં છેલ્લો અને સૌથી વધારે ગંભીર બનાવ ડિસેમ્બર 1999માં બન્યો હતો જેમાં ચાલકો, કર્મચારીઓ તથા યાત્રીઓ મળીને 160 માણસો ધરાવતા ઇન્ડિયન એયર લાઇન્સના વિમાનને કાઠમંડુથી દિલ્હીના પ્રવાસ દરમિયાન કંદહાર લઈ જવાની ફરજ પાડી હતી. આ વિમાનના યાત્રીઓને છોડાવવા માટે ભારતને બે ખૂંખાર આતંકવાદીઓને છોડવા પડ્યા હતા. અમેરિકામાં ‘ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન’ નામની સંસ્થાએ વિમાની અપહરણોનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવાનું શરૂ કરેલું છે. આ અધ્યયનમાં બે બાબતો સ્પષ્ટ થઈ છે. વિમાની અપહરણો અટકાવવાં હોય તો હવાઈ મથકો પરની સલામતી વ્યવસ્થા જડબેસલાક બનાવવી જોઈએ અને તેમ છતાંય જો અપહરણ થાય તો વિમાની કર્મચારીઓના કાફલાને આવી કટોકટીનો સામનો કઈ રીતે કરી શકાય તેની તાલીમ આપવી જોઈએ. અપહરણકારો એક જૂથ તરીકે જીવનમાં નિષ્ફળ ગયા હોય તેવા હતાશ લોકો હોય છે. આમાંના કેટલાક આંતકવાદીઓ હોય છે, તો કેટલાક ‘ઘોર અપરાધીઓ’ પણ હોય છે. જ્યારે કેટલાક ‘પ્રસિદ્ધિભૂખ્યા’ હોય છે, તો કેટલાક ‘માનસિક રોગીઓ’ પણ હોય છે. વિમાની પ્રવાસીઓમાં બે ટકાથી પણ ઓછા લોકો આ પ્રકારના હોય છે. તેમને ચકોર દૃષ્ટિથી ઓળખી કાઢવાનું મુશ્કેલ નથી. અપહૃત વિમાનના કર્મચારીઓને આ પ્રકારની કટોકટીનો ધૈર્યપૂર્વક કઈ રીતે સામનો કરવો તેની તાલીમ આપેલી હોય તો તે પણ અણીને વખતે મદદરૂપ થાય છે. આ સમસ્યાને હલ કરવા માટેનાં ‘વાર્તનિક સંશોધનો’ (behavioural research) થઈ રહ્યાં છે.

નટવરલાલ શાહ