અપરાંત : પશ્ચિમ ભારતનો નર્મદાથી થાણે સુધીનો પ્રદેશ મત્સ્ય, બ્રહ્માંડ અને વાયુ પુરાણોમાં ‘અપરાંત’ના એક ભાગ તરીકે ઉલ્લેખાયેલ ‘આંતર નર્મદ’ પ્રદેશ. તેને માર્કંડેય પુરાણમાં ‘ઉત્તર નર્મદ’ કહ્યો છે. આથી આંતર નર્મદ ‘અનૂપ’ને સમાવી લેતો આજના ગુજરાતનો દક્ષિણનો પ્રદેશ હોઈ શકે. ‘અનૂપ’, ‘નાસિક્ય’, ‘આંતર નર્મદ’ અને ‘ભારુકચ્છ’ પ્રદેશોને પોતામાં સમાવી લેતો આ પ્રદેશ હતો, જે રુદ્રદામા(જૂનાગઢ શૈલ લેખ ઈ. સ. 150)ના સમય સુધી તો જાણીતો હતો. ‘બૃહત્સંહિતા’માં આ સરળતાથી પકડી શકાય છે. આમ મહાનદીની દક્ષિણ બાજુનો–થાણાની ઉત્તર હદ સુધીનો સમૃદ્ધ પ્રદેશ તે ‘અપરાંત’. એનો અર્થ પણ ‘પશ્ચિમ છેડો’ થાય છે. એટલે કે ભારતવર્ષમાં પશ્ચિમે આવેલો આ પ્રદેશ છે. કાલિદાસ ‘રઘુવંશ’માં સહ્યગિરિ ઓળંગીને અપરાંતમાં જવાનું કહે છે એટલે, વધુ સંગત તો એ છે કે એને સહ્યાદ્રિનો દક્ષિણ ભાગ નહિ, પણ ઉત્તર ભાગ અભીષ્ટ છે.

કે. કા. શાસ્ત્રી