અપંગ : શારીરિક અથવા માનસિક ખોડ-ખામી ધરાવનાર વ્યક્તિ. આવી વ્યક્તિઓ પોતાની શારીરિક અથવા માનસિક અથવા બંને પ્રકારની ખોડ-ખામી કે અશક્તિઓને કારણે પોતાના દરજ્જા પ્રમાણેની ભૂમિકા યોગ્ય રીતે ભજવી શકવા અસમર્થ હોય છે. સમાજમાં આવાં અપંગોની નોંધપાત્ર સંખ્યા વિશિષ્ટ સામાજિક પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે, જેનો સામાજિક સમસ્યા તરીકે અભ્યાસ કરવામાં આવે છે.

શારીરિક અશક્તિઓ (જેવી કે જોવાની, સાંભળવાની, બોલવાની, હલનચલનની) ધરાવનાર વ્યક્તિને શારીરિક અપંગ કહેવામાં આવે છે. જ્યારે મનોદૈહિક, મનોસ્નાયુ અથવા ક્રિયાત્મક મનોવિકૃતિ જેવી માનસિક વિકૃતિઓ કે અશક્તિઓ ધરાવનાર વ્યક્તિને માનસિક અપંગ કહેવામાં આવે છે.

અપંગતાના ઉદભવ માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. વિવિધ પ્રકારના રોગો, વિવિધ અકસ્માતો જેવા કે મોટર-વાહન અકસ્માત, ઘરમાં થતા અકસ્માત, કાર્યસ્થળે થતા અકસ્માતો તેમજ અનારોગ્ય પરિસ્થિતિઓ, ધાર્મિક અંધશ્રદ્ધા, ગરીબી, વાતાવરણનું પ્રદૂષણ, નશાયુક્ત પદાર્થોનું સેવન વગેરે અપંગતા માટેનાં જવાબદાર સમાજજન્ય પરિબળો છે.

અપંગો પ્રત્યેના પરંપરાગત ધાર્મિક અભિગમ પ્રમાણે વ્યક્તિને તેનાં કર્મોના પરિણામે અપંગતા પ્રાપ્ત થાય છે તેવું માનવામાં આવતું હતું. અપંગો પ્રત્યે દયા, લાગણી દાખવવામાં આવતી, પરંતુ આધુનિક વૈજ્ઞાનિક યુગમાં અપંગતાના ઉકેલ માટેના પ્રયત્નોમાં અપંગ વ્યક્તિને કેન્દ્રમાં રાખવાનો અભિગમ વિકાસ પામ્યો છે. આ અભિગમના વિકાસની સાથે અપંગતા નાબૂદ કરવા માટેના નિરોધાત્મક, ઉપચારાત્મક તથા અપંગોના પુન:સ્થાપનના વિવિધ ઉપાયો હાથ ધરવામાં આવે છે. આધુનિક શિક્ષણ અને મૂલ્યોના પ્રસારણ દ્વારા અંધશ્રદ્ધા દૂર કરવી, પરંપરાગત વલણોમાં પરિવર્તન લાવવું, ગર્ભવતી સ્ત્રીઓની યોગ્ય કાળજી લેવી, પૌષ્ટિક આહાર, બાળકોને રોગપ્રતિકારક રસીઓ મુકાવવી, વાતાવરણની દૂષિતતા દૂર કરવી વગેરે પ્રયત્નો દ્વારા અપંગતાને ઉત્પન્ન થતી અટકાવવામાં આવે છે. વૈદકીય સારવાર અને શસ્ત્રક્રિયા દ્વારા અપંગતા દૂર કરવાના અથવા તેની માત્રામાં ઘટાડો કરવાના પ્રયત્નો થાય છે. ધાર્મિક સંસ્થાઓ, રાજ્ય અને સ્વૈચ્છિક સંસ્થાઓ અપંગ વ્યક્તિને યોગ્ય તાલીમ આપે છે. વિવિધ કૃત્રિમ અંગોનું ઉત્પાદન અને પુન:જોડાણની વૈજ્ઞાનિક શોધોને કારણે અપંગ વ્યક્તિને પુન: કાર્યક્ષમ બનાવી શકાય છે. સામાજિક કાર્યકરોને તાલીમ આપી, અપંગો સાથે કેવી રીતે વર્તવું, તેનું શિક્ષણ અપાય છે. અપંગો માટે યોગ્ય શિક્ષકો તૈયાર કરવામાં આવે છે. આમ વિવિધ પ્રયત્નો દ્વારા અપંગતા દૂર થાય, તેની માત્રામાં ઘટાડો થાય અને અપંગો યોગ્ય, કાર્યક્ષમ રીતે પોતાની ભૂમિકા ભજવી શકે તે માટેના પ્રયત્નો થાય છે.

દેવેન્દ્ર જોબનપુત્રા