અન્સાર : હિજરત (ઈ. સ. 622) પછી હઝરત મુહમ્મદ સાહેબ અને મક્કાથી આવનારા મુસ્લિમ નિરાશ્રિતોને સહાય કરનારા મદીનાના મુસ્લિમો. પવિત્ર કુરાનમાં અન્સાર (સહાયક) અને મુહાજિર-(નિરાશ્રિત)નો ઉલ્લેખ છે અને લોકોને સહાયવૃત્તિ દાખવીને અન્સારોનું અનુકરણ કરવાનો ઉપદેશ કરવામાં આવ્યો છે.

મદીનામાં અન્સાર અને મુહાજિર એમ મુસ્લિમોના બે વર્ગ હતા. પયગંબર સાહેબે તેમનામાં ભ્રાતૃત્વની ભાવના પ્રેરી હતી. હઝરત મુહમ્મદના અવસાન (ઈ. સ. 632) પછી અન્સાર લોકોએ ઇચ્છ્યું કે પયગંબર સાહેબની ખિલાફત તેમને મળે. પરંતુ હઝરત ઉમર ફારૂકના કારણે આમ બની શક્યું નહિ, અને મુસ્લિમોએ પોતાના ખલીફા તરીકે હઝરત અબૂબક્રને ચૂંટી લીધા. બદ્રની લડાઈ પહેલાં પયગંબર સાહેબે પોતાના સાથીઓને સલાહ-સૂચન માટે એકઠા કર્યા ત્યારે મુહાજિરોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરવા માટે તત્પરતા દેખાડી અને વીરતાપૂર્ણ ભાષણ કર્યાં. ત્યારપછી હઝરત મુહમ્મદે અન્સાર તરફ જોયું, કારણ કે એમની સાથે એવી મંત્રણા કરવામાં આવી હતી કે મક્કાના કે કોઈ બીજા શત્રુ મદીના શહેર ઉપર આક્રમણ કરે ત્યારે તેઓ બહાદુરીપૂર્વક સામનો કરશે અને તલવાર ઉપાડશે. કબીલા ખઝરજના સરદાર સા’દબિન અબ્બાદે પયગંબર સાહેબને કહ્યું કે જો આપની આજ્ઞા હોય તો અમે સમુદ્રમાં કૂદી પડીએ. બીજા અન્સાર સરદાર હઝરત મિકદાદે કહ્યું કે અમે હઝરત મૂસાના અનુયાયીઓ જેવા નથી કે એમ કહીએ. આપશ્રી અને આપશ્રીનો અલ્લાહ યુદ્ધ કરે. અમે કાયરોની જેમ વચનભંગ કરવા માંગતા નથી, પરંતુ શૂરવીરોની જેમ વચનપાલન કરીશું પછી ભલેને અમારા પ્રાણ જાય. અમે તો આપશ્રીની જમણી બાજુથી, ડાબી બાજુથી, સામેથી અને પાછળથી શત્રુઓ સાથે યુદ્ધ કરીશું. તેઓ સાચા સહાયક હતા. તેમણે તન, મન અને ધનથી તેમજ પોતાના પ્રાણનું બલિદાન આપીને પયગંબર સાહેબ અને ઇસ્લામ ધર્મની સેવા બજાવી છે.

મહેમૂદહુસેન મોહંમદહુસેન શેખ