અન્નપૂર્ણાદેવી

January, 2001

અન્નપૂર્ણાદેવી (જ. 15 એપ્રિલ 1927, મૈહર, મધ્યપ્રદેશ; અ. 13 ઑક્ટોબર 2018, મુંબઈ, મહારાષ્ટ્ર) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં કલાકાર. મધ્યપ્રદેશના મૈહર નામના કસ્બામાં જન્મ. પિતા મશહૂર ગાયક અલાઉદ્દીનખાં. નાનપણમાં જ તેમણે અન્નપૂર્ણાને સિતારનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું. તેમણે ઈ. સ. 1940 સુધી સિતારનું શિક્ષણ લીધું. ત્યારબાદ સૂરબહાર વગાડવાની કલા પણ હસ્તગત કરી. તેમનાં લગ્ન ઈ. સ. 1941માં પં. રવિશંકર સાથે થયાં. લગ્ન બાદ ‘ઇપ્ટા’ (Indian People’s Theatre Association) સંસ્થાની સાથે અન્નપૂર્ણાદેવી, પતિ સહિત ભારતભ્રમણ કરવા નીકળ્યાં. તેઓ પાર્શ્વવાદન કરતાં. તેઓ રાગોમાં યમનકલ્યાણ અને માલકૌંસ તથા તાલોમાં ચૌતાલ અને ધમાર વિશેષ પસંદ કરે છે. તેમના વાદનમાં સેની ઘરાનાની બધી વિશેષતાઓ દૃષ્ટિગોચર થાય છે.

1955 સુધી પંડિત રવિશંકર સાથે તેમણે જાહેર કાર્યક્રમો કર્યા હતા. 1982થી તેઓ પં. રવિશંકરથી અલગ રહેતા હતા. તેમણે 1982માં ઋષિકુમાર પંડ્યા સાથે લગ્ન કર્યા હતાં અને મુંબઇમા રહેતા હતાં. ત્યાર પછી અન્નપૂર્ણાદેવીએ ક્યારેય જાહેર કાર્યક્રમો કર્યા ન હતા. જોકે તેમણે અસંખ્ય શિષ્યોને સંગીતની તાલીમ આપી હતી. તેમણે સંગીત શીખવ્યું હોય એવા જાણીતા કલાકારોમાં હરિપ્રસાદ ચૌરસિયા, નિખિલ બેનરજી અને નિત્યાનંદ હલ્દીપુરનો સમાવેશ થાય છે.

અર્વાચીન હિન્દુસ્તાની સંગીતમાં અન્નપૂર્ણાદેવી પ્રથમ મહિલા સંગીતગુરુ હતાં.

1977માં તેમને પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. 1991માં સંગીત નાટ્ય અકાદમી ઍવૉર્ડથી સન્માનિત કરાયાં હતાં. 2004માં સંગીત નાટક અકાદમીના ફેલો, 1999માં વિશ્વભારતી યુનિર્વસિટીએ ડોકટરેટની માનદ્ પદવી આપી હતી. 2018માં મુંબઈમાં 90 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.

ચન્દ્રકાન્ત મહેતા