અનુગ્રહ દિવસો (days of grace) : મુદતી હૂંડી પાક્યા પછી તેની ચુકવણી માટે આપવામાં આવતી રાહતની મુદત. આ મુદત ત્રણ દિવસની હોય છે. આ રાહત શરૂઆતમાં અનુગ્રહ રૂપે આપવામાં આવતી હતી. હવે એ ધારાકીય જોગવાઈઓથી સ્થાપિત અધિકાર રૂપે અપાય છે (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ 1881, કલમ 21 થી 25). જવાબી (એટલે કે દેખાડ કરવામાં આવ્યે ચુકવણીપાત્ર) હૂંડી માટે અનુગ્રહના દિવસો આપવામાં આવતા નથી.

જો કોઈ મુદતી હૂંડી તે લખી આપ્યાની કે સ્વીકારાયાની તારીખ પછી અમુક નિર્દિષ્ટ મહિના બાદ ચુકવણીપાત્ર હોય તો તે જે મહિનાની જે તારીખે લખી આપવામાં કે સ્વીકારવામાં આવેલી હોય તે મહિનાની તે તારીખથી મુકરર મહિનાની ગણતરી કરતા પરિપક્વતાના મહિનામાં અનુરૂપ તારીખે પાકે છે. અનુરૂપ તારીખ ન હોય તો તે મહિનાની છેલ્લી તારીખે તે પાકશે. જો કોઈ મુદતી હૂંડી તે લખી આપ્યાની કે સ્વીકારાયાની તારીખ પછી અમુક નિર્દિષ્ટ દિવસો બાદ ચુકવણીપાત્ર હોય તો તે જે તારીખે લખી આપવામાં કે સ્વીકારવામાં આવેલી હોય તે તારીખથી મુકરર દિવસોની ગણતરી કરતાં જે તારીખ આવે તે તારીખે પાકે છે; આવી ગણતરી કરતી વખતે હૂંડી લખી આપ્યાની કે સ્વીકારાયાની તારીખ ગણતરીમાં લેવામાં આવતી નથી.

મુદતી હૂંડીની પરિપક્વતાની તારીખમાં અનુગ્રહના ત્રણ દિવસો ઉમેરતાં જે તારીખ આવે તે તારીખે તે ચુકવણીપાત્ર બને છે. અનુગ્રહના ત્રણ દિવસની મુદતનો છેલ્લો દિવસ રવિવાર કે જાહેર તહેવારનો દિવસ હોય તો તેની આગળના કામકાજના દિવસો ચુકવણીપાત્ર ગણાય છે; પરંતુ જો અનુગ્રહના છેલ્લા દિવસની આગળનો દિવસ પણ રવિવાર કે જાહેર તહેવારનો દિવસ હોય તો તે ત્યારપછીના કામકાજના દિવસે ચુકવણીપાત્ર ગણાય છે.

જો કોઈ હૂંડી હપ્તેથી ચુકવણીપાત્ર હોય તો પ્રત્યેક હપ્તાની ચુકવણી માટે અનુગ્રહના ત્રણ દિવસ આપવામાં આવે છે.

મુદતી વચનપત્રોની ચુકવણી બાબતમાં પણ મુદતી હૂંડીઓની જેમ જ અનુગ્રહના ત્રણ દિવસ આપવામાં આવે છે; પરંતુ ચેક્ધાી ચુકવણી બાબતમાં આવી રાહત આપવામાં આવતી નથી.

જીવનવીમામાં પ્રીમિયમની ચુકવણી વાર્ષિક, છમાસિક કે ત્રિમાસિક હપ્તેથી કરવાની હોય ત્યાં 30 દિવસની અથવા એક મહિનાની (જે વધારે હોય તે) અને માસિક હપ્તેથી કરવાની હોય ત્યાં 15 દિવસની મુદત અનુગ્રહ રૂપે આપવામાં આવે છે; જોકે પ્રીમિયમની ચુકવણીનો છેલ્લો દિવસ (હૂંડીની જેમ) અનુગ્રહની મુદતનો છેલ્લો દિવસ નહિ પરંતુ પૉલિસીમાં દર્શાવ્યા પ્રમાણે જ રહે છે.

ધીરુભાઈ વેલવન