અનુક્રમણ (succession) : ભૂમિના કોઈ નિર્વસિત (denuded) વિસ્તાર પર ક્રમિક અને સંભવિત ક્રમે જીવસમાજ વસવાની પ્રક્રિયા. આ એક વિકાસાત્મક પ્રક્રિયા છે. નિર્વસિત વિસ્તારના નિર્માણનાં ઘણાં કારણો હોઈ શકે. આગ, પૂર, દુષ્કાળ, જ્વાળામુખીના લાવાનું પ્રસરણ તેમજ માણસ દ્વારા ઉજ્જડ વિસ્તારો સર્જાય છે. આવા ઉજ્જડ વિસ્તાર પર વિવિધ-વનસ્પતિસમૂહો ક્રમબદ્ધ રીતે વસવાટ કેળવે છે. બીજા વનસ્પતિ-સમાજોમાંથી બીજાણુ, બીજ, ફળ જેવાં વિકરણાંગો (migrules), પવન, પાણી, પ્રાણીઓ વગેરે માધ્યમ દ્વારા ઉજ્જડ વિસ્તારમાં ફેલાય છે. અહીં તેઓ અંકુરણ પામી, વૃદ્ધિ પામી, પ્રજનન કરી પોતાની વસ્તી વધારે છે. કયા પ્રકારનાં સજીવો ઉજ્જડ ભૂમિ પર સૌપ્રથમ વસવાટ કરી શકશે તેનો નિર્ણય ભૌમિક પરિસ્થિતિ પરથી થાય છે. આવા વસવાટમાં જીવન જીવવું ઘણું દુષ્કર હોય છે. વિશિષ્ટ પ્રકારનાં સજીવો જ ત્યાં વસી શકે. આમ, અનુક્રમણનો પ્રારંભ થાય છે. હવે આ સજીવો અને વસવાટનાં પરિબળો વચ્ચે આંતરક્રિયાઓ (interactions) થાય છે. તેને પરિણામે ભૂમિ તથા વાતાવરણમાં ફેરફાર થાય છે અને ત્યાં વસતા વનસ્પતિ-સમાજને માટે પ્રતિકૂળતા ઊભી કરે છે. બદલાયેલું પર્યાવરણ, નવા વનસ્પતિ-પ્રકારોને માટે સાનુકૂળ હોય છે. તેથી નવા વનસ્પતિ-પ્રકાર ત્યાં વિકરણ દ્વારા પહોંચે છે. તેઓ ત્યાં પ્રસ્થાપિત થતાં અગાઉના સમાજો માટે સ્પર્ધા ઊભી થાય છે. તેમાં તેઓ સફળ ન થાય તો તેમનો નાશ થાય છે અથવા તેઓએ સ્થળાંતરણ કરી નવો વસવાટ શોધવો પડે છે. નવા વનસ્પતિ-પ્રકાર પણ આમ જ કરે છે અને બીજા નવા વનસ્પતિ-પ્રકારને માટે વસવાટને વધુ અનુકૂળ બનાવે છે. વનસ્પતિ-સમાજોના પરિવર્તનનું મોજું એમ ચાલ્યા કરે છે અને અંતે એવી પરાકાષ્ઠા આવે છે કે પ્રવર્તમાન આબોહવા તથા વસવાટમાં વસતા સજીવસમાજ વચ્ચે એક પ્રકારનું સંતુલન સર્જાય છે, જે સ્થિતિમાં વસવાટમાંનો સજીવ સમાજ શક્તિ અને દ્રવ્યોની જરૂરિયાત માટે આત્મનિર્ભર બનેલો હોય છે. વળી, નવા પ્રકારના સજીવોનો તેમાં પ્રવેશ પણ શક્ય નથી હોતો. કયા પ્રકારની ચરમાવસ્થા નિર્માશે તેનો આધાર આબોહવા પર રહે છે. વન, તૃણભૂમિ, કાંટાળાં વન અને રણસમાજ જેવી ચરમાવસ્થાઓ બને છે. સજીવ સમાજના બંધારણમાં તેમજ ત્યાંની આબોહવામાં ધરખમ ફેરફારો ન થાય ત્યાંસુધી ચરમાવસ્થા જળવાઈ રહે છે. વધુ પડતાં વૃક્ષો કાપી લેતાં અથવા આબોહવા અત્યંત મલિન બનતાં, વનભૂમિ, તૃણભૂમિમાં ફેરવાઈ શકે છે, રણ પણ આવી જ રીતે સર્જાય છે.

ભૂતકાળમાં કોઈ પણ પ્રકારનું જીવન ન હોય તેવી ઉજ્જડ ભૂમિ કે જળાશયમાં થતું અનુક્રમણ, પ્રાથમિક અનુક્રમણ કહેવાય છે. ભૂતકાળમાં વનસ્પતિ સમાજ હોય અને દુર્ઘટનાવશ ભૂમિ ઉજ્જડ થઈ હોય ત્યાં થતું અનુક્રમણ દ્વિતીય અનુક્રમણ કહેવાય છે. આવું અનુક્રમણ પ્રમાણમાં ઝડપી હોય છે. પ્રાથમિક અનુક્રમણ વર્ષો કે સૈકાઓ સુધી પણ ચાલુ રહી શકે છે. શુષ્ક વસવાટ પર થતું અનુક્રમણ મરુદ્-અનુક્રમણ (xerosere) કહેવાય છે; જ્યારે પાણીના માધ્યમમાં થતું અનુક્રમણ જલોદ્-અનુક્રમણ (hydrosere) કહેવાય છે. અનુક્રમણની ચરમાવસ્થાએ વસવાટ તેમજ આબોહવા માફકસરનાં બને છે.

અનુક્રમણ સદિશ (directional) હોઈ તેના વિકાસની દિશાનો ભાવિ નિર્દેશ કરી શકાય છે. અનુક્રમણને પરિણામે સમાજમાં જીવપ્રકારોની વિવિધતા વધે છે. આ વિવિધતા તેઓની વચ્ચે આંતરપ્રક્રિયાઓ વધારે છે, જેથી સમાજની જટિલતા અને સ્થિરતા વધે છે. આ સ્થિરતા જેટલી વધુ જળવાય તેટલો તેનો આબોહવા સાથેનો સમન્વય વધુ જળવાય છે.

અનુક્રમણની યોગ્ય સમજ જીવસમાજોનાં સ્થાપન અને જાળવણી માટે ખૂબ ઉપયોગી છે.

અવિનાશ બાલાશંકર વોરા

નરેન્દ્ર ઈ. દાણી