અનુકૂલન-વિકારો (adjustment disorders) : વિપરીત પરિસ્થિતિમાં માનસિક રીતે ગોઠવાવાની તકલીફ. તે સ્પષ્ટ ઓળખી શકાય તેવા બનાવ કે પ્રતિકૂળ પરિસ્થિતિના પ્રતિભાવ રૂપે ઉદભવતી વિકારી પ્રતિક્રિયાઓ (maladaptive reactions) છે. આ પ્રતિક્રિયાઓ, પ્રતિકૂળ પરિસ્થિતિ સમાપ્ત થતાં કે અન્યથા મનનું સમાધાન થતાં, શમી જાય છે. આ પ્રતિક્રિયાઓને લીધે વ્યક્તિનાં સામાજિક અને વ્યાવસાયિક કાર્યોમાં ક્ષતિ ઊભી થાય છે અને સામાન્ય અપેક્ષિત પ્રતિક્રિયાઓ કરતાં જુદા પ્રકારનાં લક્ષણો કે વર્તન જણાય છે. લક્ષણોને આધારે આ અનુકૂલન-વિકારોનું વર્ગીકરણ કરવામાં આવે છે; જેમ કે, (1) ચિંતા(anxiety)નાં લક્ષણો દર્શાવતો અનુકૂલન-વિકાર, (2) ખિન્નતા(depression)નાં લક્ષણો દર્શાવતો અનુકૂલન-વિકાર, (3) વર્તનની સમસ્યાઓ ઊભી કરતો અનુકૂલન વિકાર, (4) કામ અને અભ્યાસમાંની ક્ષતિ દર્શાવતો અનુકૂલન-વિકાર, (5) સમાજથી અતડા કરી મૂકતો અનુકૂલન-વિકાર વગેરે.

પ્રતિકૂળ બનાવ કે પરિસ્થિતિ માત્ર એક જ હોય તોપણ આ વિકાર જોવા મળે છે; જેમ કે, નોકરી છૂટી જવી કે સગાનું મરણ થવું અથવા તો, એકસાથે ઘણા પ્રતિકૂળ બનાવો બન્યા હોય તોપણ આવું બને. જેમ કે, પોતાની માંદગી વખતે જ નોકરી છૂટી જવી અને સગાનું મરણ થવું. પ્રતિકૂળ પરિસ્થિતિ વારંવાર બનતી હોય (જેમ કે, ઋતુ પ્રમાણે ધંધામાં મુશ્કેલી ઊભી થવી) અથવા તો પ્રતિકૂળ પરિસ્થિતિ સતત ચાલતી હોય (જેમ કે, લાંબા સમયની માંદગી, ગરીબીમાં જીવવું) તોપણ અનુકૂલન-વિકાર જન્મે છે. મોટેભાગે અનુકૂલન-વિકાર વ્યક્તિગત કિસ્સાઓમાં જોવા મળે છે, પણ કેટલાક પ્રતિકૂળ બનાવોની અસરથી વ્યક્તિઓના સમૂહમાં પણ અનુકૂલન-વિકાર જોવા મળે છે; દા.ત., જીવનના વિકાસમાં અમુક તબક્કે જેમ કે શાળાએ જવું શરૂ કરવું, પરણવું, નિવૃત્ત થવું વગેરે પ્રસંગો વ્યક્તિઓના સમૂહને અસર કરે છે. પ્રતિકૂળ પરિસ્થિતિનો સમયગાળો, તથા પર્યાવરણીય અને વૈયક્તિક સંદર્ભ જેવાં પરિબળો દ્વારા પ્રતિકૂળ પરિસ્થિતિની તીવ્રતાનું સૂચન થાય છે.

અનુકૂલન-વિકારો વ્યાપક છે. અનુકૂલન-વિકારો પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ ઉદભવે છે. પ્રતિકૂળ પરિસ્થિતિ પહેલાંનાં વ્યક્તિનાં સ્વભાવલક્ષણો તેને અનુકૂલન-વિકાર થશે કે નહિ તે નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. બાળપણમાં બનેલા કેટલાક માનસિક હાનિકારક અનુભવો વ્યક્તિની અનુકૂલનશક્તિ ઉપર અસર કરે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિ વખતે આવી વ્યક્તિમાં અનુકૂલન-વિકાર જોવા મળે છે.

પ્રતિકૂળ બનાવ પછી તરત જ અનુકૂલન-વિકારનાં લક્ષણો જોવા ન પણ મળે. એવી જ રીતે પ્રતિકૂળ બનાવ દૂર થતાં અનુકૂલન-વિકાર તરત જ અટકી જાય એવું પણ ન બને. અનુકૂલન-વિકારની તકલીફ કોઈ પણ ઉંમરે ઊભી થઈ શકે છે. અનુકૂલન-વિકારનાં લક્ષણોમાં ચિંતા, ખિન્નતા, વર્તનમાં વિષમતા, કામમાં કે અભ્યાસમાં મુશ્કેલી, સામાજિક અતડાપણું અને હૃદયના ધબકારા વધી જવા, સ્નાયુઓમાં તનાવ ઊભો થવો વગેરે શારીરિક લક્ષણો જોવા મળે છે. અનુકૂલન-વિકારની સાથે બીજો કોઈ માનસિક રોગ પણ હોઈ શકે.

મનશ્ચિકિત્સા (psychotherapy) અનુકૂલન-વિકારો માટેની મુખ્ય સારવારપદ્ધતિ છે. મનશ્ચિકિત્સા વ્યક્તિગત કે સામૂહિક બંને રીતે થઈ શકે. જેમનામાં પ્રતિકૂળ પરિસ્થિતિ એકસરખી હોય એવા દર્દીઓ માટે સમૂહ મનશ્ચિકિત્સા અનુકૂળ પડે છે; જેમ કે, નિવૃત્ત વ્યક્તિઓ અથવા ડાયાલિસિસ(પારગલન)ના દર્દીઓમાં કેટલીક વખત ચિંતા કે ખિન્નતાનાં લક્ષણો ઘણાં તીવ્ર હોય તો મનશ્ચિકિત્સાની સાથે સાથે પ્રશાંતક (tranquillizer) અને ખિન્નતાનિવારક દવાઓ થોડા વખત માટે આપવામાં આવે છે.

ભરત નવીનચંદ્ર પંચાલ