અધિસ્વર (over-tone) : પ્રાકૃતિક આવૃત્તિ(natural frequency)ની ગુણક અધિક આવૃત્તિનો આંશિક સ્વર. પદાર્થની સપાટી ઉપર કોઈ જગ્યાએ ટકોરો મારી તેને કંપન કરાવતાં તેમજ તાર કે હવાના સ્તંભને કંપન કરાવતાં તે પોતાની પ્રાકૃતિક કે મૂળભૂત (natural) આવૃત્તિના સૂર કાઢે છે અને સાથે સાથે પ્રાકૃતિક આવૃત્તિની ગુણક અધિક આવૃત્તિનો તીણો સૂર પણ સંભળાય છે. આને અધિસ્વર કહે છે. પ્રાકૃતિક આવૃત્તિનો સૂર સ્પષ્ટ રીતે સંભળાય છે, પણ તેની સાથે સંકળાયેલા ધીમા અધિસ્વરોની તીવ્રતા ઓછી હોય છે.

જો ધ્વનિની પ્રાકૃતિક આવૃત્તિ n હોય તો તેના અધિસ્વરોની આવૃત્તિ 2n, 3n, … હોય છે. અધિસ્વરની આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિનો પૂર્ણગુણાંક હોય તો તેને હાર્મોનિક સ્વર કહે છે. આ અર્થમાં પ્રાકૃતિક આવૃત્તિને પ્રથમ હાર્મોનિક સ્વર કહેવાય. આથી 2nને પ્રથમ અધિસ્વર અથવા દ્વિતીય હાર્મોનિક કહે છે. તેવી જ રીતે 3nને દ્વિતીય અધિસ્વર અથવા તૃતીય હાર્મોનિક કહે છે. અધિસ્વરોની તીવ્રતા ઓછી હોવા છતાં તેનાથી ધ્વનિગુણ (timbre) નક્કી થાય છે. ધ્વનિગુણનો આધાર ધ્વનિમાં રહેલા અધિસ્વરો અને તેની સંબંધિત તીવ્રતા પર રહેલો છે. પ્રાકૃતિક આવૃત્તિ કરતાં અધિસ્વરની માત્રા ઓછી હોય છે. જેમ જેમ ગુણકનું મૂલ્ય વધતું જાય છે તેમ અધિસ્વર આવૃત્તિની માત્રા ઓછી થતી જાય છે.

સુરેશ ર. શાહ