અધિનિયમાનુસારી અહેવાલ (statutoary report) : બાંયધરીથી અગર શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીએ કંપનીની અધિનિયમાનુસારી સામાન્ય સભા સમક્ષ રજૂ કરવાનો અહેવાલ. કંપનીઓ સંબંધી ધારાકીય જોગવાઈઓ અનુસાર કંપનીના ધંધાની શરૂઆત કરવાની પાત્રતાની તારીખથી એક મહિના પછી પરંતુ ત્રણ મહિના પહેલાં કંપનીની અધિનિયમાનુસારી સામાન્ય સભા બોલાવવાની હોય છે. આ સભાની તારીખના ઓછામાં ઓછા ચૌદ દિવસ પહેલાં કંપનીના પ્રત્યેક સભ્યને આ અહેવાલની નકલ પહોંચાડવા વ્યવસ્થા કરવાની કંપનીના ડિરેક્ટરોની ફરજ હોય છે.

અધિનિયમાનુસારી અહેવાલમાં નીચે દર્શાવેલી માહિતી સમાવિષ્ટ હોય છે :

(ક) કંપનીએ ફાળવેલી શેરમૂડી પૈકી સંપૂર્ણ ભરપાઈ થયેલ અને આંશિક ભરપાઈ થયેલ શેરની સંખ્યા તેમજ શેરફાળવણી પેટે કંપનીએ પ્રાપ્ત કરેલ અવેજ તથા રોકડ રકમની વિગતો.

(ખ) અહેવાલની તારીખ અગાઉના સાત દિવસ પૈકી કોઈ એક તારીખ સુધીની મુદત દરમ્યાન કંપનીએ પ્રાપ્ત કરેલાં નાણાં, તેમાંથી કરવામાં આવેલાં ચુકવણાં અને બાકી રહેલી પુરાંતની તારીજ ઉપરાંત કંપનીના પ્રાથમિક ખર્ચના અંદાજના આંકડા.

(ગ) કંપનીના સંચાલકો તથા અધિકારીઓ, ડિરેક્ટરો, ઑડિટરો, મૅનેજરો તથા મંત્રીઓનાં નામ અને સરનામાં.

(ઘ) જે માટે કંપનીની સામાન્ય સભાની મંજૂરી આવશ્યક હોય એવા કંપનીએ કરેલા કરારોમાં કરવામાં આવેલા યા કરવામાં આવનારા સુધારાવધારાની વિગતો.

અધિનિયમાનુસારી અહેવાલ પર કંપનીના ઓછામાં ઓછા બે ડિરેક્ટરોની સહી આવશ્યક હોય છે. કંપનીએ ફાળવેલ શેરમૂડી સંબંધી પ્રાપ્ત થયેલાં નાણાં અને તેમાંથી કરવામાં આવેલાં ચુકવણાંની વિગતોની ખરાઈના પ્રમાણપત્ર પર કંપનીના ઑડિટરની સહી આવશ્યક હોય છે.

અહેવાલની એક નકલ કંપની રજિસ્ટ્રારની કચેરીમાં નોંધણી માટે પહોંચાડવાની હોય છે.

અધિનિયમાનુસારી અહેવાલ સંબંધી ધારાકીય જોગવાઈઓ ખાનગી કંપનીઓને સ્પર્શતી નથી.

ધીરુભાઈ વેલવન