અધિક નફાવેરો (excess profit-tax) : યુદ્ધ કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન ભાવવૃદ્ધિને લીધે પેઢીઓને પ્રાપ્ત થતા અધિક નફા પર ખૂબ ઊંચા દરે લાગુ પાડવામાં આવતો વેરો. યુદ્ધ અગાઉના પ્રમાણભૂત સમયગાળામાં સાધારણ નફો અને યુદ્ધકાલીન પરિસ્થિતિમાં મળતો નફો એ બંનેનો તફાવત અધિક નફો ગણાય છે. અધિક નફાવેરાની તરફેણમાં મુખ્ય દલીલો ત્રણ છે : (1) માત્ર ઊંચી આવક કે પુષ્કળ સંપત્તિ ધરાવતી વ્યક્તિઓને અધિક નફો મળે છે આથી સામાજિક ન્યાયની દૃષ્ટિએ આ વેરો વાજબી છે. (2) અધિક નફો વધુ શ્રમ કે વધુ રોકાણ વિના પ્રાપ્ત થતો અણધાર્યો લાભ છે. આથી આ વેરાના ઊંચા દરોની પ્રોત્સાહનો પર વિપરીત અસરોનો ભય નથી. (3) આ વેરાની અનુપસ્થિતિમાં કંપનીઓ બધો નફો શૅરહોલ્ડરો વચ્ચે વહેંચી દે તો ફુગાવાને ઉત્તેજન મળે એવી એક માન્યતા છે.

ગુલામહુસેન પીરભાઈ મલમપટ્ટાવાળા