અથર્વવેદ : ભારતના પ્રાચીનતમ ઉપલબ્ધ સાહિત્ય – ચાર વેદમાંનો એક વેદ. ઋગ્વેદ 1-8-35માં અથર્વવેદના દ્રષ્ટા અથર્વા ઋષિના નામનો નિર્દેશ છે. ઋગ્વેદ 4-58-3માં ‘ચાર શૃંગ’નું અર્થઘટન કરતી વખતે નિરુક્તના કર્તા યાસ્ક મુનિ ચાર વેદોનો નિર્દેશ જુએ છે (નિરુક્ત 1-7). છાંદોગ્ય ઉપનિષદ અને મુંડક ઉપનિષદમાં પણ વેદોની યાદીમાં અથર્વવેદનો ઉલ્લેખ છે. આથી ભારતીય પરંપરામાં ચારે વેદો સાથે ગણાય છે. બીજી બાજુ ‘ત્રયી’ એવા ઉલ્લેખો અને ભાષા, વિષય વગેરેની ભિન્નતાને કારણે આધુનિક વિદેશી વિદ્વાનો અથર્વવેદને બાકીના ત્રણે વેદોની સરખામણીમાં પાછળની રચના માનવા પ્રેરાયા છે.

અથર્વવેદની ઉત્પત્તિ માટે એક કથા, ગોપથ બ્રાહ્મણ(14)માં આવે છે. સૃષ્ટિના આરંભમાં બ્રહ્મા એકલા હતા. ‘હું મારા જેવો બીજો દેવ ઉત્પન્ન કરું’ એમ વિચારી એમણે તપ કર્યું. તેમના દેહના રોમરોમમાંથી પાણી વહેવા લાગ્યું અને જોતજોતાંમાં સરોવર ભરાઈ ગયું. બ્રહ્માએ તે સરોવરમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તરત તેમનું તેજ સ્ખલિત થઈ જળમાં ભળ્યું. જળના ક્ષાર અને મધુર એવા બે ભાગ પડી ગયા. તેમાંના મધુર જળમાંથી ભૃગુ નામના ઋષિનો જન્મ થયો. તે ભૃગુએ પોતાના સર્જનહારની શોધ આદરી અને આકાશવાણી થઈ : ‘अथ अर्वाङ् एनम् एतासु एव अप्सु अन्विच्छ – ‘હવે પછી એને તું આ જળમાં શોધ.’ જળમાં શોધ કરવા જતાં ભૃગુ ઋષિ અથર્વા બની ગયા અને પોતાના જેવા જ આકારવાળા અથર્વાને જોઈ બ્રહ્માએ તેને પ્રજાનું સર્જન અને પાલન કરવા કહ્યું. તેમણે દસ ઋષિઓ ઉત્પન્ન કર્યા. તે દસ ઋષિઓએ બીજા દસ ઋષિઓ પેદા કર્યા. આ બધા ઋષિઓએ જે મંત્રોનું દર્શન કર્યું તેનો સંગ્રહ ‘અથર્વવેદ’ તરીકે ઓળખાય છે.

‘અથર્વ’ શબ્દની વ્યુત્પત્તિ ‘થર્વ’ એટલે ચાલવું અને અ + થર્વ એટલે સ્થિર રહેવું તે નિરુક્તમાં દર્શાવવામાં આવી છે. ‘જેનું મન સ્થિર છે, અચળ છે તેવા ઋષિઓનો વેદ તે અથર્વવેદ’. અથર્વવેદની પરંપરામાં બ્રહ્મવેદ, અથર્વાંગિરોવેદ, ભૃગ્વંગિરોવેદ, અંગિરોવેદ, ક્ષત્રવેદ તેમજ ભૈષજ્યવેદ એવાં અર્થપૂર્ણ નામો પણ પ્રચલિત છે. યજ્ઞમાં ઋગ્વેદના હોતા ઋત્વિજ, સામવેદના ઉદ્ગાતા, યજુર્વેદના અધ્વર્યુ અને અથર્વવેદના બ્રહ્મા કહેવાય છે. આથી અથર્વવેદનું બ્રહ્મવેદ નામ પ્રચલિત થયું છે. અથર્વવેદમાં જગતના પરમ તત્વ મનાયેલ ‘બ્રહ્મ’નું નામનિર્દેશપૂર્વક એકથી વધુ સ્થળે વર્ણનચિંતન છે. તેથી પણ તેનું બ્રહ્મવેદ નામ સાર્થક બને છે. અથર્વા નામના ઋષિને અથર્વવેદના શાંતિક પૌષ્ટિક મંત્રોનું અને અંગિરા નામના ઋષિને વેદના આભિચારિક મંત્રોનું દર્શન થયું. આથી તેનું એક નામ અથર્વાંગિરોવેદ પ્રચલિત થયું છે. ભૃગ્વંગિરોવેદ એ ભૃગુ અને અંગિરા ઋષિનાં નામ પરથી અને અંગિરોવેદ અંગિરા ઋષિના નામ પરથી પડ્યું છે. અથર્વવેદમાં રાજ્ય, રાજ્યરક્ષણ, સ્વરાજ્યમાં શાંતિ, શત્રુવિનાશ, યુદ્ધ, શસ્ત્રાસ્ત્ર વગેરે ક્ષત્રિયને સ્પર્શતા વિષયોનું વર્ણન છે. આથી તેનું એક નામ ક્ષત્રવેદ છે. વિવિધ પ્રકારની ઔષધિ અને તેના ઉપયોગ અને તે દ્વારા રોગનિવારણ વગેરેની ચર્ચા પણ અથર્વવેદમાં હોવાથી તેનું નામ ભૈષજ્યવેદ પણ છે.

અથર્વવેદમાં કાંડ, સૂક્ત અને મંત્ર એ રીતે વિભાજન થયેલું છે. તેમાં કુલ 20 કાંડ, 731 સૂક્ત અને 5,987 મંત્રો છે. સ્વામી ગંગેશ્વરાનંદજી દ્વારા સંપાદિત ‘ભગવાન વેદ’માં જે અથર્વવેદ છે તેમાં 20 કાંડ, 36 પ્રપાઠક, 111 અનુવાક્, 736 સૂક્ત અને 6,031 મંત્રો છે. પહેલાં દર્શાવેલ વિભાજન શૌનક શાખાનું છે અને એ વધુ પ્રચલિત છે. અથર્વવેદના વિસ્તાર માટે મતમતાંતર પણ છે. કોઈક એને 10 કાંડનો માને છે, તો કોઈક 19 કાંડનો. વળી, અન્ય વેદોમાં એક પણ પાઠભેદ નથી, જ્યારે અથર્વવેદમાં પાઠભેદ પણ મળી આવે છે. અથર્વવેદના 20મા કાંડનાં 127થી 136 સુધીનાં સૂક્તો કુન્તાપસૂક્ત તરીકે ઓળખાય છે. શૌનક ઋષિએ અથર્વવેદનો જે પદપાઠ આપ્યો છે તેમાં આ સૂક્તો નથી. આથી તેને ખિલ સૂક્તો તરીકે વર્ણવવામાં આવ્યાં છે.

અથર્વવેદની મંત્રવ્યવસ્થા વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવી છે. તેના પ્રથમ કાંડમાં દરેક સૂક્તમાં ચાર મંત્રો છે. બીજા કાંડમાં પાંચ, ત્રીજા કાંડમાં છ, ચોથામાં સાત અને પાંચમા કાંડમાં આઠ મંત્રો છે. છઠ્ઠા કાંડમાં દરેક સૂક્તમાં ઓછામાં ઓછા ત્રણ મંત્રો છે, જ્યારે સાતમા કાંડમાં એક કે બે મંત્રો છે. આઠથી બાર સુધીના કાંડમાં લાંબાં સૂક્તોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેરથી અઢાર સુધીના કાંડમાં વિષયનું સાતત્ય જાળવવામાં આવ્યું છે. ઓગણીસમા કાંડમાં ભૈષજ્ય રાષ્ટ્રવૃદ્ધિ અને અધ્યાત્મના મંત્રો છે. વીસમા કાંડમાં સોમયાગમાં ઉપયોગી એવા ઋગ્વેદને મળતા મંત્રોનો સંગ્રહ છે. આ સહુમાં બારમા કાંડમાં આવતું પૃથ્વીસૂક્ત તેના વિષયની ઉદાત્તતા અને રાષ્ટ્રપ્રેમને પ્રેરતું હોવાથી અત્યંત પ્રસિદ્ધ છે.

વિષયની દૃષ્ટિએ વિચારતાં અથર્વવેદનું ભારતીય સંસ્કૃતિમાં સ્થાન અને માન આગવાં છે. અન્ય વેદોમાં પ્રાય: દેવતાઓની પ્રાર્થના, યજ્ઞવિષયક મંત્રો કે દેવોનાં પરાક્રમોના વર્ણનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે; પણ અથર્વવેદને એના વિષયની વિલક્ષણતાને કારણે આમ જનતાનો વેદ કહી શકાય. તેમાં भैषज्यानि એટલે રોગમુક્તિ, आयुष्याणि એટલે દીર્ઘ આયુષ્ય અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ, आभिचारिकाणि એટલે શત્રુ વગેરે પ્રત્યે અભિચાર, कृत्याप्रतिकरणानि – કૃત્યા રાક્ષસો વગેરેનો નાશ, स्त्रीकर्माणि – સ્ત્રીવિષયક અભિચાર, सामंजस्यानि – સામંજસ્યપ્રાપ્તિ, राजकर्माणि – રાજવિષયક અભિચાર, पौष्टिकानि – પુષ્ટિસમૃદ્ધિની પ્રાર્થના, प्रायश्र्चितानि પ્રાયશ્ચિચિત્ત વગેરેના મંત્રો, બ્રાહ્મણો માટે હિતપ્રાર્થના, સૃષ્ટિવિષયક અને આધ્યાત્મિક સૂક્તોનો સમાવેશ થાય છે. રાજ્યક્ષ્મા જેવા રોગો અને તેને દૂર કરવા માટેના મંત્રો, ખેતરમાં સમૃદ્ધિની પ્રાપ્તિ કે જીવજંતુના નાશ માટેના મંત્રો પણ આ વેદમાં પ્રાપ્ત થાય છે. ખેતરમાં અનાજની સમૃદ્ધિ, રાજ્યમાં શાંતિ જેવા સમાજના પ્રશ્નો, માનસિક અને શારીરિક એવા વ્યક્તિગત પ્રશ્નો અને બ્રહ્મની ચર્ચા જેવા આધ્યાત્મિક વિષયો આ વેદમાં વર્ણવાયા છે. આથી ભારતની પ્રાચીન સંસ્કૃતિના અભ્યાસી માટે આ વેદનું અધ્યયન અનિવાર્ય માનવામાં આવ્યું છે.

અથર્વવેદની નવ શાખાઓ હતી એવો ઉલ્લેખ પતંજલિના મહાભાષ્યમાં છે : नवधाઽઽथर्वणो वेदः ।  પ્રપંચહૃદય, ચરણવ્યૂહ અને અથર્વવેદ પરના સાયણાચાર્યના ભાષ્યના ઉપોદ્ઘાતમાં અથર્વવેદની શાખાઓનાં નામો ગણાવ્યાં છે. તેમાં અનેક મતાન્તરો વરતાય છે. પણ અધ્યયન બાદ વિદ્વાનો નીચેની નવ શાખાઓ ગણાવે છે : (1) શૌનકીય, (2) પિપ્પલાદ, (3) સ્તોદ, (4) જાજલ, (5) જલદ, (6) ચારણ, (7) દવદર્શ, (8) બ્રહ્મવદ, (9) મૌદદવદ. આ સહુમાંથી શૌનકીય શાખાના અથર્વવેદનું પ્રથમ મુદ્રણ ઈ. સ. 1856માં ડબ્લ્યૂ. ડી. વ્હિટનીએ બર્લિનથી કર્યું હતું. સાતવળેકરજીએ પણ આ જ શાખાનો અથર્વવેદ પ્રસિદ્ધ કર્યો છે. હોશિયારપુરના વિશ્વેશ્વરાનંદ વૈદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અથર્વવેદનું સાયણભાષ્ય સાથે પ્રકાશન કરવામાં આવ્યું છે; પરંતુ તેમાં 5, 9, 10, 12, 13, 14, 15, 16 અને 20 કાંડ પર સાયણાચાર્યનું ભાષ્ય ઉપલબ્ધ ન હતું. ઈ. સ. 1983થી ’85 સુધીમાં સાયણાચાર્યના ભાષ્યના જેવું જ ભાષ્ય રચીને સ્વામી ગંગેશ્વરાનંદજી મહારાજ ઉદાસીને તે પ્રસિદ્ધ કર્યું છે. બંગાળના દુર્ગામોહન ભટ્ટાચાર્યે અથર્વવેદની પિપ્પલાદ શાખા પ્રસિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તે અપૂર્ણ રહ્યો. આ શાખાનું અધ્યયન કરનારા બ્રાહ્મણો બિહારમાં ક્યાંક મળી આવે છે. અથર્વવેદની શૌનક શાખાના વેદપાઠી બ્રાહ્મણ ગુજરાતમાં નર્મદાકાંઠે વિદ્યમાન છે.

ગૌતમ પટેલ