અતીતરાગ (nostalgia) : ઘેર જવાની ઝંખના અને તે ઝંખના સાથે જોડાયેલ વિષાદ. ગ્રીક પદ ‘nostos’ એટલે કે ગૃહાગમન અને અન્ય પદ ‘algos’ એટલે કે વ્યથા. તે પરથી સંયુક્ત પદ ‘nostalgia’ (અતીતરાગ) બન્યું છે. આ પ્રથમ સ્તરનો અર્થ છે, પણ આ સાહિત્યિક સંજ્ઞા માનવીના આંતરમનનો નિર્દેશ આપે છે. ફ્રેન્ચ ફિલસૂફ બર્ગસાંએ મનુષ્યના માનસવ્યાપારોની અતીત તરફ થતી ગતિનું વિશ્લેષણ કર્યું છે. માર્શલ પ્રૂસ્તે બર્ગસાંની અતીતરાગ અંગેની વિચારણાને સર્જનાત્મક લેખનમાં એક ભૂમિકા તરીકે સ્વીકારી છે. અતીતરાગ વાસ્તવમાં માનસશાસ્ત્રીય પ્રક્રિયા છે. મનુષ્યમાત્રની અત્યંત જટિલ એવી અતીતસ્મૃતિનો આલેખ તેના લેખનમાં સચવાય છે. કોઈ પણ સર્જકની આંતરચેતનાનો સ્રોત તેના શૈશવમાં રહેલો છે. શૈશવકાળની જાદુઈ સૃષ્ટિનું પુન:નિર્માણ કરવાની મનોઝંખના પ્રત્યેક લેખક સેવતો હોય છે. જે ઘર, જે ગામ, જે સ્થળ અને જે કાળને લગતો સમગ્ર પરિવેશ લુપ્ત થઈ ગયો તેની ઊંડી વેદના લેખકના ચિત્તમાં રહેલી હોય છે. જે ક્ષણે અનેક સંસ્મરણોથી ભરીભરી આ અતીતની સૃષ્ટિ દૃષ્ટિસંમુખ થઈ આવે છે તે ક્ષણે અપૂર્વ આનંદ અનુભવાય છે.

માર્શલ પ્રૂસ્તે વિખ્યાત નવલકથા Remembrance of Things Past (A la Rescherche du temps perdu) દ્વારા શૈશવ સાથે સંકળાયેલ ઘર, ગામ, સમાજ અને અસંખ્ય સ્થળકાળનાં સંસ્મરણોથી ભરીભરી અદભુત સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. વૈયક્તિક અનુભૂતિઓના સંદર્ભમાં અહીં તત્કાલીન ફ્રેન્ચ સમાજની છબી પણ ઊપસતી આવી છે. જેઇમ્સ જૉય્સ, હેન્રી જેઇમ્સ, વર્જિનિયા વુલ્ફ આદિ નવલકથાકારોમાં તીવ્ર અતીતરાગ જોવા મળે છે. માનસવ્યાપાર પ્રત્યક્ષ કરી આપતાં આવાં સર્જનોમાં કલ્પન-પ્રતીક આદિનું નિરૂપણ સહજ રહેવાનું તેમજ આવાં લખાણો આત્મકથનાત્મક પણ વિશેષ રહેવાનાં.

બંગાળી નવલકથાકાર શરચ્ચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘શ્રીકાન્ત’માં કથાનાયકની તીવ્ર અતીતરમણા તેની દૃષ્ટિસંમુખ તેના વિગત યૌવનકાળ સાથે જડાયેલ સ્થળપાત્રોની આખી સૃષ્ટિ ખડી કરી દે છે. કવિ જીવનાનંદ દાસની રચનાઓમાં ધાનસીડી નદી આસપાસનો ગ્રામ પ્રદેશ–વનપ્રદેશ ઊલ્બણ હૃદયરાગથી વારંવાર અતીતસ્પર્શથી ધ્વનિત થઈ ઊઠે છે. ગુજરાતી કવિ રાજેન્દ્ર શાહના ‘આયુષ્યના અવશેષે’ સૉનેટગુચ્છમાં કાવ્યાર્થના એક સ્તરે અતીતઝંખનાનું ધ્વન્યાત્મક નિરૂપણ થયેલું છે. જયંત પાઠકે ‘વનાંચલ’માં અને ચંદ્રકાંત શેઠે ‘ધૂળમાંની પગલીઓ’માં અતીતરાગનું નિતાન્ત કાવ્યાત્મક ગદ્યકથન કર્યું છે.

નલિન રાવળ