અતિપ્રાચીન ખડકપ્રદેશ

January, 2001

અતિપ્રાચીન ખડકપ્રદેશ (shield or craton) : પૃથ્વીના પોપડાનો એક અત્યંત મહત્ત્વનો રચનાત્મક એકમ. આ માટે ‘અવિચલિત ખડકપ્રદેશ’ શબ્દપ્રયોગ પણ થાય છે. ભૂસંનતિમય (geosynclinal) પટ્ટાના સીમાન્ત ભાગો પર રહેલા જટિલ ગેડરચનાવાળા પર્વતોની અપેક્ષાએ પૃથ્વીના પોપડાનો, ક્યાંક ક્યાંક પાતળા જળકૃત ખડકસ્તરો સહિત, મુખ્યત્વે અગ્નિકૃત અને/અથવા વિકૃત ખડકશ્રેણીઓથી બનેલો, એવા પ્રકારનો ખંડીય ભૂભાગ, જે ઘણા લાંબા ભૂસ્તરીય સમયગાળા સુધી પ્રમાણમાં સ્થિર, સ્વઉત્પત્તિ પછીની ગિરિનિર્માણ કે ભૂસંચલનજન્ય અસરોથી મુક્ત, અવિચલિત રહ્યો હોય અથવા તદ્દન ઓછા પ્રમાણમાં અસર પામ્યો હોય. આવા પ્રદેશને અતિપ્રાચીન ખડકપ્રદેશ કે અવિચલિત ખંડપ્રદેશ કહે છે. દુનિયાભરમાં આવા પ્રદેશો બહુધા પ્રીકૅમ્બ્રિયન ખડકબંધારણવાળા જ જોવા મળેલા છે. ભારતનું દ્વીપકલ્પીય ભૂકવચ, કૅનેડાનું પ્રીકૅમ્બ્રિયન ભૂકવચ અને બાલ્ટિક ભૂકવચ આનાં ઉત્તમ ઉદાહરણો છે.

ગિરીશભાઈ પંડ્યા

મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ