અતિધસારો (over-thrust) : 100 અથવા તેથી ઓછા નમનકોણની સ્તરભંગ-તલસપાટી(fault plane)વાળી, કેટલાક કિમી. સુધી ધસી ગયેલી, લાંબા અંતરના ખસેડ સહિતની, વ્યસ્ત સ્તરભંગવાળી ગેડરચના. આ રીતે જોતાં, ધસારો (thrust) એ ગેડીકરણમાં થયેલો વ્યસ્ત (reverse) પ્રકારનો સ્તરભંગ જ છે. ધસારા કે અતિધસારાને અતિગેડમાંથી (overfold), સમાંતર અક્ષનમન ગેડ(isoclinal fold)માંથી કે ક્ષિતિજસમાંતર અક્ષનમન (recumbent) ગેડમાંથી અતિદાબનાં બળોની અસર હેઠળ સ્તરભંગમાં પરિણમતી સંરચના ગણાવી શકાય. ધસારામાં સ્તરભંગ-તલસપાટીની ઉપરની તરફ રહેલો ખડકજથ્થો (hanging wall-block) ઉપર તરફ ધસે છે અને નીચેની તરફ રહેલો ખડકજથ્થો (foot wall-block) સ્થિર કે નિષ્ક્રિય રહે છે. આ સ્થિતિમાં થતો ધસારો ઉપરતરફી અતિધસારો (overthrust) કહેવાય છે; જો ઉપરની તરફ રહેલો ખડકજથ્થો સ્થિર કે નિષ્ક્રિય રહે અને નીચેની તરફ રહેલો ખડકજથ્થો નીચે તરફ ધસે, તો તેને નિમ્નધસારો (underthrust) કહે છે.

બંને પ્રકારના અતિધસારાની ઉત્પત્તિ થવામાં અતિદાબ (compressional stress)નું પ્રધાન બળ સતત કાર્યશીલ રહે છે, જેથી કરીને તેમાં સંડોવાયેલ ખડકશ્રેણીના સ્તરો એકબીજા ઉપર વળીને વધુ ને વધુ ગેડીકરણ પામતા જાય છે; દાબનાં બળો સતત સક્રિય રહેતાં છેવટે ગેડના શીર્ષભાગ ઉપર વધુ અસર પહોંચે છે, અને ગેડની અક્ષીય તલસપાટી (axial plane) ભંગાણસપાટી(breaking plane)માં ફેરવાય છે. પરિણામે ખડકશ્રેણીનો ઉપરતરફી ગેડ-ભુજ (limb) તૂટી જઈને આખો ને આખો બળની દિશામાં લાંબા અંતર સુધી ધસી જઈ ક્યાંક અન્ય ખડકો ઉપર ગોઠવાય છે. મોટેભાગે ધસી જતી ખડકશ્રેણી જૂના વયની હોય અને તે જેના ઉપર ગોઠવાય તે નવા વયની હોય તો નવા વયના ખડકસ્તરો નીચે અને જૂના વયના ખડકસ્તરો ઉપર હોય એવી વ્યસ્ત સ્તરાનુક્રમવાળી ગોઠવણી જોવા મળે છે.

આલ્પ્સ અને હિમાલય જેવી એક કરતાં વધુ વખત જુદા જુદા તબક્કાઓમાં ઉત્થાન પામેલી જટિલ ગેડવાળી ગિરિમાળાઓમાં આ પ્રકારના લાક્ષણિક અતિધસારા સ્વાભાવિકપણે જોવા મળે છે. ભારતમાં હિમાલયની ઝંસ્કાર ગિરિમાળામાં, પંજાલ ગિરિમાળામાં, શિવાલિક ગિરિમાળામાં જટિલ સંરચનાવાળા અનેક અતિધસારા (ક્રોલ ધસારો, પંજાલ ધસારો, મરી ધસારો, નહાન ધસારો, ગિરિ ધસારો, ઝંસ્કાર ધસારો અને ગઢવાલ ધસારો) ખાસ જોવા મળે છે.

ગિરીશભાઈ પંડ્યા