અજિતકૌર (જ. 16 નવેમ્બર 1934, લાહોર, પાકિસ્તાન) : પંજાબી કથાલેખિકા. તેમણે અનેક વાર્તાસંગ્રહો આપ્યા છે. તેમાં મુખ્ય છે ‘ગુલબાનો’ (1963), ‘બુત્ત શિકન’ (1966), ‘માલિક દી મૌત’ (1966), ‘ધૂપવાલા શેહર’ (1972), ‘સેવિયન ચિદિયન’ (1981) અને ‘મૌત અલીબાબા દી’ (1984). મુખ્ય વિષયવસ્તુ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓની સામાજિક સ્થિતિ છે, જેનું તેમણે નિખાલસતાથી નિરૂપણ કર્યું છે. આરંભની વાર્તાઓમાં લુપ્ત થતા સામંતશાહી દમનનું વર્ણન છે, જેમાં વાસ્તવવાદ અને કાવ્યાત્મક શૈલીની ઝલક છે. વચ્ચેના ગાળામાં તેમણે સંવેદનપ્રધાન માર્ગે શહેરી નિમ્ન મધ્યમવર્ગની મહિલાઓ વિશે લાંબી વાર્તાઓ લખેલી. ‘મૌત અલીબાબા દી’ સાથે તેઓ વ્યાપક સામાજિક વિષયવસ્તુઓ તરફ વળે છે. 1985માં તેમને આત્મકથા ‘ખાનાબદોશ’ માટે સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે. 2006મા ભારત સરકારે તેમનું પદ્મશ્રીથી સન્માન કર્યું હતું.

ગુરુબક્ષસિંહ