અજમતહુસેનખાં (જ. 5 માર્ચ 1911 અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 26 જુલાઈ 1975 મુંબઈ, મહારાષ્ટ્ર) : પ્રસિદ્ધ ગાયક અને શાયર. અજમતહુસેનખાંએ સંગીતની તાલીમ સંગીતક્ષેત્રના સુપ્રસિદ્ધ ઉસ્તાદો અલ્તાફહુસેનખાં, વિલાયતહુસેનખાં તથા અલ્લાદિયાખાં પાસેથી લીધેલી. મહાન સંગીતકારોની વિશેષતાઓ પોતાનામાં આત્મસાત્ કરીને એમણે પોતાની ગાયકીની વિશેષતા સ્થાપિત કરી હતી. આગ્રા તથા જયપુર ગાયકીના સમન્વયની ક્ષમતા એમણે કેળવી હતી. આગ્રા ઘરાણાની લયકારી, જયપુર ઘરાણાની રાગના સ્વરૂપની નિર્મિતિ, તથા ઉસ્તાદ અલ્તાફહુસેનખાંની તાન-પ્રણાલી એ ત્રણેયની લાક્ષણિકતાઓનાં એમના સંગીતમાં એકસાથે દર્શન થતાં. એમણે વર્ષો સુધી આકાશવાણીના સંગીત-સલાહકાર તરીકે સેવાઓ આપેલી. એ સમયે ભારતના કોઈ પણ પ્રદેશમાં સંગીત સમારોહ હોય તેમાં એમણે ભાગ લીધો જ હોય. તેઓ ગઝલકાર પણ હતા. એમણે ‘મૈકશ’ તખલ્લુસથી ગઝલો લખેલી, અને ‘દિલરંગ’ના નામથી સંગીતરચનાઓ કરેલી.

એમના શિષ્યમંડળમાં ઉસ્તાદ યૂનિસહુસેનખાં, જિતેન્દ્ર અભિષેકી, માણિક વર્મા, યાકુબહુસેનખાં તથા અસલમખાંનો સમાવેશ થાય છે.

ચન્દ્રકાન્ત મહેતા